પરંપરાગત જૈન પદ્ધતિથી લોકેશ મુનિનું મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


મુંબઈમાં આચાર્ય લોકેશમુનિનું ભવ્ય સ્વાગત કરવામાં
આવ્યું હતું. પીયૂષ ગોયેલ સાથે આચાર્ય લોકેશ મુનિ.

ન્યુ યોર્કઃ તાજેતરમાં અમેરિકાના શાંતિ અને સંવાદિતા પ્રવાસમાંથી પાછા આવેલા અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય ડો. લોકેશ મુનિનુ મુંબઈમાં આયોજિત કળશ સ્થાપના સમારંભમાં આચાર્ય વિહર્ષ સાગર મહારાજની ઉપસ્થિતિમાં દિગંબર જૈન સમુદાય દ્વારા આવકાર અને સન્માન કરવામાં આવ્યું હતું. લોકેશ મુનિનું પરંપરાગત જૈનપદ્ધતિથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૈનના બે પંથ શ્વેતાંબર અને દિગંબરની સુંદર બેઠક નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય વિહર્ષ સાગર મહારાજે જણાવ્યું હતું કે આચાર્ય લોકેશમુનિ છેલ્લાં 35 વર્ષથી ભગવાન મહાવીરની વિચારસરણી મુજબ સતત વિશ્વ શાંતિ અને સંવાદિતાનો સંદેશો પ્રસરાવી રહ્યા છે. તેમણે યુનાઇટેડ નેશન્સમાં આપેલું પ્રવચન જૈન સમુદાય માટે ગૌરવની બાબત છે. તેઓ જૈન સમાજને સાચી દિશામાં લઈ જઈ રહ્યા છે. આથી તેમને શિકાગો જૈન સેન્ટરમાં રજતજયંતી સમારંભ દરમિયાન ડિસ્ટિંગ્વિશ સર્વિસીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે હવે સમય આવી ગયો છે કે એકઠા થયેલા જૈન સમાજે અહિંસા અને શાંતિનો માર્ગ સમાજને દર્શાવ્યો છે.
આચાર્ય લોકેશ મુનિ કેન્દ્રનાં નાણાં-રેલવે-કોલસા વિભાગના મંત્રી પીયૂષ ગોયેલને પણ મળ્યા હતા. અને અમેરિકાના પ્રવાસ વિશે વાતો કરી હતી. પીયૂષ ગોયેલે જણવ્યું હતું કે આચાર્ય લોકેશ મુનિ ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મને દુનિયાના વિવિધ વિસ્તારોમાં લઈ ગયા છે અને ભારતીય સંસ્કૃતિ અને ભારતના પ્રાચીન જ્ઞાનને ્નઉજાગર કર્યું છે. કોઈ પણ દેશ અને સમાજનો વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે સમાજના તમામ જ્ઞાતિના લોકો ભેગા મળીને કામ કરે.
આચાર્ય લોકેશ મુનિ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરને મળ્યા હતા અને બન્નેએ જાહેરાત કરી હતી કે 2019 જૈના કન્વેન્શન કેલિફોર્નિયામાં યોજાશે. જોકે હજી તારીખ નક્કી થઈ નથી, પરંતુ ચાર દિવસના આ જૈના કન્વેન્શનમાં પાંચ હજારથી વધુ જૈન પ્રતિનિધિઓ દુનિયાભરમાંથી ઉપસ્થિત રહેવાની સંભાવના છે.
આચાર્ય લોકેશ મુનિને મુંબઈમાં આવકારવામાં આવ્યા હતા, જેમાં મહારાષ્ટ્રના શહેરી વિકાસમંત્રી પ્રકાશ મહેતા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.