‘પદ્માવત’ દીપિકા પદુકોણેનો દમદાર અભિનય દર્શાવે છે

 

રાજપૂતોની શૌર્યગાથા વર્ણવતી નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણશાળીની ભવ્યાતિભવ્ય ફિલ્મ ‘પદ્માવત’ એપિક પિરિયડ ડ્રામા છે. આ ફિલ્મ અગાઉ ‘પદ્માવતી’ના નામે રિલીઝ થવાની હતી, પરંતુ સમગ્ર ભારતમાં તેનો વિરોધ થતાં, દેખાવો-તોફાનો થતાં ફિલ્મનું નામ બદલવામાં આવ્યું છે. ફિલ્મની શરૂઆતમાં કહેવામાં આવે છે કે આ ફિલ્મને ઇતિહાસ સાથે કોઈ લેવાદેવા નથી, કાલ્પનિક છે. આ ફિલ્મ મલિક મોહમ્મદ જાયસીની કવિતા પર આધારિત છે તેમ મનાય છે. જોકે કલ્પનાશક્તિના આધારે આ ફિલ્મમાં છૂટછાટ લેવામાં આવી છે.

ફિલ્મમાં દીપિકા પદુકોણે, શાહીદ કપૂર, રણવીર સિંહ, અદિતિ રાવ હૈદરી છે. બે કલાક અને 44 મિનિટ લાંબી આ ફિલ્મની શરૂઆતમાં ખિલજીનો ડાયલોગ ‘સારા મસલા ખ્વાહિશો કા હૈ’માં જ આખી ફિલ્મનો સાર છે. દુનિયામાં દરેક સફળ વસ્તુ મેળવવાનો આગ્રહ રાખનાર અલાઉદીન ખિલજી રાણી પદ્માવતીની એક ઝલક મેળવવા માટે તડપે છે. આખી ફિલ્મમાં ખિલજીની જીદ, હઠીલાપણુ,ં ઇચ્છા, તેનું ઝનૂન દર્શાવ્યું છે.

ચિત્તોડના રાજપૂત રાણા તેને પગે પડવા મજબૂર કરે છે અને ખિલજી દગાથી રાજ્ય કબજે કરવામાં સફળ થાય છે, પરંતુ પોતાની આગવી શક્તિ, વ્યૂહરચના, પ્રેઝન્સ ઓફ માઇન્ડના કારણે કેવી રીતે રાણી પદ્માવતી ખિલજીની એક ઇચ્છા અધૂરી રાખે ેછે તે સંજય લીલા ભણશાળીએ આ ફિલ્મમાં દર્શાવ્યું છે.

આ પિરિયડ ફિલ્મમાં એક એકથી ચડિયાતા શાનદાર પરફોર્મન્સ છે. આંખો ચકાચૌંધ થઈ જાય તેવા શાનદાર સેટ્સ છે.
સિનેમાહોલમાંથી બહાર આવીએ ત્યારે બે વાત યાદ આવશે કે ખિલજીના રૂપમાં રણવીર સિંહનો અંદાજ અને બીજું કે શા માટે આ ફિલ્મનો આટલો બધો વિવાદ થયો છે, કારણ કે ફિલ્મમાં એવું કશું છે જ નહિ.

ફિલ્મની વાર્તા મલિક મોહમ્મદ જાયસીએ 1540માં લખેલી ‘પદ્માવત’ પર આધારિત છે જે રાજપૂત મહારાણી પદ્માવતીના શૌર્ય-વીરતાની ગાથા કહે છે. પદ્માવતી મેવાડના રાજા રાવલ રતનસિંહની પત્ની છે અને ખૂબસૂરત-બુદ્ધિશાળી-સાહસિક-ધનુર્ધારી પણ છે. 1303માં અલાઉદીન ખીલજી પદ્માવતીની આ શૂરવીરતાથી પ્રભાવિત થાય છે અને ચિત્તોડના કિલ્લા પર હુમલો કરે છે. ફિલ્મના અંતમાં મહારાજ રાવલ રતનસિંહ અને અલાઉદીન ખીલજી વચ્ચે તલવારબાજીના દશ્યમાં રતનસિંહ ખિલજીને નિઃશસ્ત્ર કરે છે, પરંતુ પદ્માવતીને મેળવવા માટે ખિલજી રતનસિંહને મારી નાખે છે. આ પછી પદ્માવતી પોતાના પતિનો બદલો લેવા માટે ખિલજીની ઇચ્છાઓનો નાશ કરે છે તે આ ફિલ્મની વાર્તા છે.

લગભગ રૂ. 200 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી ખર્ચાળ ફિલ્મ છે. શાહીદ કપૂરે મહારાજા રાવલ રતનસિંહની ભૂમિકાને યોગ્ય ન્યાય આપ્યો છે. રણવીર સિંહે પોતાની ભૂમિકામાં જાન રેડ્યો છે, જ્યારે દીપિકા પદુકોણે પદ્માવતીની ભૂમિકામાં એટલો બધો દમદાર અભિનય આપ્યો છે કે સમગ્ર સ્ક્રીન પર તમને કશું નજરે ન ચડે! ‘ઘૂમર’ ગીત અગાઉથી જ હિટ થઈ ગયું છે. ફિલ્મનું એડિટિંગ-સ્ક્રિપ્ટ એટલાં મજબૂત છે કે તમને જકડી રાખે છે.