પદ્મપુરાણ કહે છે, પુત્રરહિત મનુષ્યનું ઘર સૂનું હોય છે

0
1903

(ગતાંકથી ચાલુ)
પુરાણ ગ્રંથોમાં કન્યાજન્મની વિધિઓ હતી, કન્યા પ્રત્યે પ્રેમ હતો અને કન્યાની કામના પણ કરાતી, પરંતુ મહત્ત્વ તો પુત્રનું જ હતું. પદ્મપુરાણમાં પુત્રનો મહિમા કરતો શ્લોક વર્ણવવામાં આવ્યો છે. શ્લોક આ પ્રમાણે છેઃ જે પુરુષ પુત્રથી રહિત હોય તેના મનુષ્યજન્મનું ખરેખર કોઈ ફળ જ નથી. પુત્રરહિત મનુષ્યનું ઘર સૂનું હોય છે. તેનું હૃદય સર્વકાળ દુઃખી હોય છે, કારણ કે પુત્ર વિના મનુષ્ય પિતૃઓના, દેવના તથા ઋષિઓના ઋણમાંથી છૂટતો નથી. એથી માણસે દરેક પ્રયત્ન કરી પુત્ર ઉત્પન્ન કરવો જ જોઈએ. એ પુત્રના કારણે પિતાનો આ લોકમાં યશ થાય છે. પરલોકમાં તેમની શુભ ગતિ થાય છે. જેને ઘેર પુત્રજન્મ થાય છે તેના ઘરમાં આયુષ્ય, આરોગ્ય તથા સંપત્તિનો વાસ થાય છે. એટલું જ નહિ, જેને ઘેર પુત્રનો જન્મ થાય તે જ ખરું ઘર ગણાય છે. પુત્રની પ્રાપ્તિ પુણ્યથી જ થાય છે.

શિવ મહાપુરાણમાં પણ પુત્રનું જ માહાત્મ્ય કરાયું છે. એ મુજબ, ‘પુત્રથી પિતા લોકોને જીતે છે એવી જૂનામાં જૂની કહેવત છે. એ કારણથી ગૃહસ્થાશ્રમવાસીઓ પુત્રને ઇચ્છે છે. પુત્રરહિતનું ઘર સૂનું છે. પુત્રરહિતની કમાણી વ્યર્થ છે. પુત્રરહિતનું તપ ખંડિત થાય છે, અને પુત્રરહિત હોવાને લીધે માણસ પવિત્ર પણ થતો નથી. પુત્ર કરતાં શ્રેષ્ઠ બીજો કોઈ લાભ નથી. પુત્રથી શ્રેષ્ઠ કોઈ સુખ નથી. અને આ લોકમાં કે પરલોકમાં કોઈ ઠેકાણે પુત્રથી શ્રેષ્ઠ કોઈ મિત્ર નથી. બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ પુત્રનું મહત્ત્વ સમજાવતાં શતરૂપા કહે છેઃ ‘જે ગૃહસ્થને ઘેર પુત્ર નથી તેનો જન્મ નિષ્ફળ છે. ઐશ્વર્ય અને ધન પણ વ્યર્થ છે. તેના ઘરની શોભા હોતી નથી. પુત્ર સુખ, મોક્ષ તથા પ્રીતિ પ્રદાન કરે છે. પુત્ર પું નામના નરકથી બચાવે છે અને પુત્રનું મુખ જોવાથી સો અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે.

એ જ રીતે વરાહ મહાપુરાણમાં સ્વર્ગપ્રાપ્તિ માટે પુત્રને અનિવાર્ય ગણાવ્યો છે. આ પુરાણમાં કહ્યું છે કે, પુત નામનું નરક અત્યંત કષ્ટદાયક છે. પુત્રને લીધે પુત નામના નરકથી મુક્તિ મળે છે. પુત્ર એનાથી તારે છે તેથી એ પુત્ર કહેવાય છે. આ લોકમાં અને પરલોકમાં એટલા માટે જ પુત્રની કામના કરવામાં આવે છે. અપુત્રને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી. સ્કંદ મહાપુરાણ અનુસાર પુત્રથી જ દેવો અને પિતૃઓ તૃપ્ત થાય છે. ગરુડ મહાપુરાણ કહે છે કે નરકાત્ પિતરં ત્રાયતે તેન પુત્ ઇતિ સ્મૃતઃ અર્વાત્ પુત્ર પિતાને નરકથી બચાવે છે તેથી જ તે પુત્ર નામે પ્રખ્યાત થાય છે. ગણેશપુરાણમાં પણ પુત્રને જ જીવનની સાર્થકતા ગણાવી છે. આ પુરાણમાં પાર્વતી કહે છે કે, ‘પુત્રરહિત સ્ત્રીનું જીવન નિરર્થક છે. ઉત્તમ પુત્ર આ લોકમાં અને પરલોકમાં સુખદાયી હોય છે. સારો પુત્ર સ્વામીના અંશરૂપ હોય છે. એટલે એની પ્રાપ્તિ સ્ત્રી માટે અનન્ય કૃતાર્થતા હોય છે.

પુત્રના આટઆટલા મહત્ત્વને કારણે પૌરાણિક લોકો ખોળાના ખૂંદનાર દીકરા માટે જપતપ ને વ્રત કરતા. બાધા-આખડી રાખતા. હોમહવન કરતા. બ્રહ્મપુરાણ, શિવ મહાપુરાણ, શ્રીમદ્ ભાગવત પુરાણ અને મત્સ્યપુરાણ અનુસાર મનુએ પુત્ર પ્રાપ્ત કરવા માટે ચિત્રાવરુણનો પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. રાજા કુશિકે ઇન્દ્ર જેવો પુત્ર પ્રાપ્ત કરવાની ઇચ્છાથી તપ કર્યું હતું. બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ અને શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર ઋચીકે પોતાની પત્ની સત્યવતી અને સાસુને પુત્ર થાય તે માટે ચરુ આપ્યા હતા. અજમીંઢની પત્ની ધૂમિનીએ પુત્રકામનાથી દસ હજાર વર્ષ દુષ્કર તપ કરીને ઋક્ષ નામનો પુત્ર પ્રાપ્ત કર્યો હતો.
વિષ્ણુપુરાણ અને નારદ મહાપુરાણ અનુસાર સગરની પત્નીઓનાં નામ કેશિની અને સુમતિ હતાં. તેમણે ઔર્વ ઋષિની સેવા કરીને અનુક્રમે એક અને સાઠ હજાર પુત્ર પ્રાપ્ત કર્યા હતા.

પદ્મપુરાણમાં દિતિએ પરાક્રમી પુત્ર પ્રાપ્ત કરવા માટે આપસ્તમ્બી નામની પુત્રેષ્ટિ કરી હતી. સગરની બે પત્ની પ્રભા અને ભાનુમતીએ પુત્ર મેળવવાની ઇચ્છાથી સમુદ્રના વડવાનળનું આરાધન કર્યું હતું. ભદ્રાવતી નગરીના રાજા સુકેતુમાન અને રાણી ચંપકાએ પુત્રદા એકાદશીનું વ્રત કરીને પુત્ર પ્રાપ્ત કર્યો હતો. પદ્મપુરાણ અને શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર તુંગભદ્રા નદીના કિનારે કોહલા નગરમાં રહેતાં બ્રાહ્મણ દંપતી આત્મદેવ અને ધુંધુલી નિઃસંતાન હતાં. આત્મદેવને અપુત્ર હોવાનું દુઃખ કોરી ખાતું. શોકાતુર અવસ્થામાં એ પ્રાણત્યાગ કરવા ગયો. એ વખતે એક સિદ્ધ પુરુષે તેને એક ફળ આપ્યું. કહ્યુંઃ ‘આ ફળ તારી પત્નીને ખવડાવજે. તેને પુત્ર થશે.’ આત્મદેવે ધુંધુલીને ફળ આપ્યું. પણ તેણે ન ખાધું. પોતાની સખીને બોલાવીને કહ્યુંઃ ‘જો હું ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે. મારું પેટ મોટું દેખાશે. પછી સારું સારું ખવાશે-પીવાશે નહિ. મને અશક્તિ આવી જશે. ઘરનું કામકાજ પણ નહિ કરી શકું. ગર્ભ પ્રસવ સમયે અવળો કે વાંકો થઈ જાય તો એથી મારું ચોક્કસ મરણ થશે. હું આવા કોમળ શરીરવાળી પ્રસૂતિનું દારુણ દુઃખ કેવી રીતે સહી શકીશ?’ આમ કહીને ધુંધુલીએ એ ફળ ગાયને ખવડાવી દીધું. અને પોતાની બહેનના દીકરાને પોતાનો પુત્ર બનાવીને લઈ આવી… ગર્ભધારણ કરવા ન માગતી હોય એવી એકમાત્ર પૌરાણિક સ્ત્રી ધુંધુલી જ હતી!
અન્ય પૌરાણિક સ્ત્રીઓ ગર્ભ ધારણ માટે કંઈ પણ કરી છૂટતી. પદ્મપુરાણમાં એક સ્ત્રીએ પાર્વતીને પ્રાર્થના કરી હતી કે, ‘જો હું ગર્ભિણી થઈશ તો આપને સંતુષ્ટ કરીશ. છ રસવાળાં ભોજનથી, ધૂપ, દીપ, માળા, નૃત્ય-વાદનથી વાજિંત્રોમાંથી નીકળતાં ગીતોથી તેમ જ અનેક પ્રકારનાં વિલેપનોથી તમને રાજી કરીશ.’ કોશલના સમ્રાટ દિલીપ અને રાણી સુદક્ષિણાએ નંદિની ગાયની સેવા કરીને પુત્ર મેળવ્યો હતો. વિષ્ણુ પુરાણ અને સ્કંદ મહાપુરાણમાં યુવનાશ્વ નામના રાજાએ દીકરો મેળવવા માટે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. યજ્ઞમાં મંત્રથી પવિત્ર કરેલા જળના કળશને મધ્યરાત્રિ વીત્યા પછી વેદિકાની વચ્ચે મૂકી મુનિઓ સૂઈ ગયા. એવામાં યુવનાશ્વ તરસ્યો થયો. એ અજાણતાં જ પેલા કળશમાંનું મંત્રેલું જળ પી ગયો. પરિણામે તેણે ગર્ભ ધારણ કર્યો. પુત્રને જન્મ આપ્યો. મુનિઓએ કહ્યું, ‘આ પુત્ર કોને ધાવશે? જવાબમાં ઇન્દ્રે કહ્યુંઃ મને ધાવશે – માં-ધાતા. પછી એ કુમારના મોઢામાં ઇન્દ્રે જમણા હાથના અંગૂઠાની પાસેની અમૃતઝરતી પ્રદેશિની આંગળી આપી. એ અમૃત ધાવવાના કારણે યુવનાશ્વનો પુત્ર માંધાતા નામે ઓળખાયો. કોઈ પુરુષે ગર્ભ ધારણ કરીને પુત્રને જન્મ આપ્યો હોય એવી આ એકમાત્ર પૌરાણિક ઘટના છે!
પુરાણની અન્ય ઘટનાઓમાં પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ કરવાનાં ઉદાહરણો મુખ્યત્વે પ્રાપ્ત થાય છે. વિષ્ણુપુરાણ અને શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર ભરતે પુત્રની ઇચ્છાથી મરુત્સોમ નામનો યજ્ઞ કર્યો હતો. શ્રીમદ્ ભાગવત પુરાણમાં જ શૂરસેન દેશના ચિત્રકેતુ નામના ચક્રવર્તી રાજાએ પુત્રપ્રાપ્તિ માટે ત્વષ્ટા દેવનું પૂજન કર્યું હતું. નાભિ રાજાએ સંતાનની ઇચ્છાથી પત્ની મેરુદેવી સાથે ભગવાન યજ્ઞપુરુષનું પૂજન કર્યું હતું. નાભિ રાજાએ સંતાનની ઇચ્છાથી પત્ની મેરુદેવી સાથે ભગવાન યજ્ઞપુરુષનું પૂજન કર્યું હતું. ભવિષ્ય પુરાણમાં શત્રુંજ્ય રાજાની ચિત્રલેખા નામની રાણીએ તિલક વ્રત કરીને પુત્ર પ્રાપ્ત કર્યો હતો. ચંદ્ર દેશના રાજા અશ્વપતિએ પુત્ર માટે સાવિત્રીદેવીની આરાધના કરી હતી. મહિષ્મતી નગરીના કૃતવીર્ય નામના રાજાની પટરાણી શીલધનાને મૈત્રેયીએ ઉત્તમ પુત્ર પ્રાપ્તિ માટેના અનંત વ્રતનો મહિમા સમજાવ્યો હતો. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here