પત્રકાર પદ્મકાંત ત્રિવેદીને ગ્લોબલ એક્સેલેન્સ એવોર્ડ અપાયો

 

અમદાવાદ: ગુજરાતના પ્રિન્ટ અને ટેલિ મીડિયાના પત્રકાર પદ્મકાંત ત્રિવેદીને ૨૦૨૩ના વર્ષનો ગ્લોબલ એક્સેલેન્સ એવોર્ડ માટે પસંદ કરાયા છે. પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપવા બદલ એનાયત થનારો એવોર્ડ ૧૦મી ફેબ્રુઆરી શુક્રવારના રોજ દિલ્હી નજીકના નોઈડા સ્થિત ફિલ્સ સિટીમાં મારવાહ સ્ટુડિયો કોમ્પલેક્ષમાં યોજાનાર શાનદાર સમારોહમાં અર્પણ કરાશે. ગ્લોબલ ફેસ્ટિવલ ઓફ જર્નાલિઝમ (નોઇડા) આ પ્રસંગે તેની સ્થાપનાની ૧૧મી વર્ષ ગાંઠ પણ ઉજવશે. ફિલ્મ સ્ટાર અનીલ કપૂરના બનેવી સંદીપની આ સંસ્થા છેલ્લા ૧૦ વર્ષથી ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રિના સંગાથે યાદગાર અવસર યોજી રહી છે. સંસ્થા તેની સ્થાપનાની ૧૧મી સાલગિરા નિમિત્તે વર્કશોપ સેમિનાર, પ્રાસંગિક ઉદ્દબોધન, વાર્તાલાપ, બૂક્સના પ્રકાશનો વગેરેનું આયોજન કરશે. ત્યારબાદ યોજાનાર સમારોહમાં પત્રકારત્વનાં મિશાલચીઓને એવોર્ડ અર્પણ કરી સન્માનવામાં આવશે. પદ્મકાંત ત્રિવેદી હાલ વી. આર. નામે ન્યુઝ ચેનલનાં મુખ્ય કર્ણધાર છે. તેઓ વીઆર ઈન્ડસ્ટ્રિઝ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન નામની સંસ્થાના પણ હેડ છે. સિદ્ધહસ્ત પત્રકાર પદ્મકાંત ત્રિવેદી આ અગાઉ ૨૦૧૯માં ઓલ મીડિયા કાઉન્સિલ એવોર્ડથી સન્માનિત થઇ ચૂક્યાં છે. ગુજરાતના અગ્રીમ હરોળનાં દેનિક અખબારોમાં મુખ્ય સંપાદકથી માંડી નિવાસી તંત્રી સુધીની ભૂમિકા અદા કરી ચૂકેલા છે. હાલ તેઓ વી. આર. લાઈન’ નામે ન્યુઝ ચેનલમાં ‘પાવર પ્લે’ નામનાં ડિમેન્ટ શો થકી ખૂબ ખ્યાતિ પામ્યા છે. પદ્મકાંત ત્રિવેદીને વધુ એક એવોર્ડ મેળવવા પદલ ‘ગુજરાત ટાઈમ્સ’ પરિવાર પણ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.