પત્નીની કાળજી લેવી એ પતિની જવાબદારી: પંજાબ-હરિયાણા હાઈકોર્ટ

 

પંજાબ: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક લગ્ન વિવાદ પર ફેંસલો સંભળાવતા કહ્યું કે પત્નીને તેના જીવન ધોરણ સાથે રહેવાનો પૂરો અધિકાર છે જે જીવન ધોરણ સાથે તે પોતાના પતિ સાથે રહેતી હતી. વાસ્તવમાં એક અરજદાર પતિએ હાઇકોર્ટ સમક્ષ ફેમિલી કોર્ટના એ આદેશને રદ કરવાની માંગ કરી હતી જેમાં તેને પત્નીને માસિક રૂ ૩૦૦૦ની ખાધા ખોરાકી આપવા માટે કહેવામાં આવ્યું હતું.

અરજદારે હાઇકોર્ટને કહ્યું કે ફેમિલી કોર્ટનો આ ચુકાદો યોગ્ય નથી. જોકે ન્યાયમૂર્તિ રાજેશ ભારદ્વાજની બેન્ચે અરજદાર પતિની આ અરજીને ફગાવતા કહ્યું કે પત્ની તેના જીવન ધોરણની હકદાર છે જે તે પતિ સાથે રહેવા દરમિયાન જીવી રહી હતી. અરજદારના વકીલે હાઇકોર્ટને કહ્યું કે બંને પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં કોઇ પણ પ્રકારનો વિવાદ નથી. અરજદાર પતિએ ના તો ક્યારેય પત્નીની ઉપેક્ષા કરી અને ના તો તેને ક્યાંરેય સાથે રાખવાનો ઇન્કાર કર્યો. એવામાં પતિ કોઇ પણ માસિક ખાધાખોરાકી પત્નીને આપવા માટે બંધાયેલો નથી. હાઇકોર્ટ સમક્ષ એ તર્ક પણ આપવામાં આવ્યો કે પત્નીએ કોઇ કારણ વિના જ પોતાના પતિને છોડી દીધો. એવામાં ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ માસિક ‚. ૩૦૦૦ ખાધાખોરાકી પેટે આપવાનો આદેશ કાયદાની દ્ષ્ટિએ અસ્થિર છે અને તેને રદ કરવો જોઇએ. ન્યાયમૂર્તિ રાજેશ ભારદ્વાજે સુનાવણી બાદ કહ્યું કે અરજદાર અને પ્રતિવાદીએ ૨૦૧૭માં લગ્ન કર્યા હતાં. આરોપો અનુસાર પતિ અને તેનો પરિવાર મહિલા સાથે ખરાબ વર્તન કરી રહ્યો હતો અને માનસિક તથા શારીરિક રીતે ત્રાસ ગુજારવામાં આવતો હતો. કારણ કે મહિલા પોતાના પિયરમાંથી ઓછુ દહેજ લઇને આવી હતી. મહિલાનો પતિ અને તેના સાસરિયાઓ તેને પોતાના પિયરમાંથી ‚. ૫૦ હજાર લઇ આવવાની ફરજ પાડતા હતાં જેથી કરીને તેનો બ્યુટી પાર્લરનો ધંધો વિસ્તાર પામે. તેમણે કહ્યું કે ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ અરજદાર પતિ અને તેના પરિવારે મહિલા સાથે મારઝૂડ કરી અને તેને ઘરમાંથી કાઢી મૂકી. અદાલતે જોયું કે પતિ તમામ કામ કરવામાં શારીરિક રીતે સક્ષમ છે. રેકોર્ડમાં એવું કંઇ જ નથી મળ્યું જેનાથી એ સાબિત થઇ શકે કે પત્નીએ પોતાના પતિને છોડ્યો છે. કાયદા અનુસાર પત્નીની કાળજી લેવી પતિની કાયદાકીય રીતે જવાબદારી બને છે.