પતિ-પત્નીનો સંબંધ ભાગ્યના યોગથી જ થતો હોય છે

0
986

(ગતાંકથી ચાલુ)
એ જ રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં ઔર્વ ઋષિએ પુત્રી કંદલીને નારીધર્મનું શિક્ષણ આપ્યું. ઔર્વે કહ્યુંઃ નારી માટે પોતાનો પતિ જ આ લોકમાં અને પરલોકમાં સૌથી મોટો બંધુ છે. કુલાંગનાઓ માટે કાન્તથી વધીને પ્રિય કોઈ નથી. પતિ જ તેમનો શ્રેષ્ઠ ગુરુ છે. દેવપૂજા, વ્રત, દાન, ઉપવાસ, જપ, બધાં તીર્થોમાં સ્નાન, સમસ્ત યજ્ઞોમાં દીક્ષા, પૃથ્વીની પ્રદક્ષિણા અને બ્રાહ્મણ અતિથિની સેવા – આ બધું પતિસેવાની સોળમી કલા સમાન પણ નથી. બધાં શાસ્ત્રોમાં કહ્યું છે કે પતિસેવા મહાન ધર્મ છે. માટે હરહંમેશ પતિની સેવા કરવી.
એ જ રીતે શુક્રાચાર્યે દેવયાનીને કહ્યુંઃ જે મનુષ્ય હંમેશાં બીજાની કટુ વાતોને સહન કરી લે છે તેણે સંસાર જીતી લીધો છે એમ સમજવું. જે મનુષ્ય ક્રોધને અશ્વની જેમ લગામનો સહારો લીધા વિના કેવળ ઇશારાથી પોતાના વશમાં રાખે છે તેને સત્પુરુષો સારો સારથિ બનાવે છે. જે કેવળ લગામ ઉપર જ આધાર રાખે છે તે સારો સારથિ ગણાતો નથી. જે ક્રોધને શાંત ચિત્તથી દૂર કરી દે છે તેણે સંસારમાં બધું જ વશ કરી લીધું છે એમ સમજવું. જે ક્રોધને ક્ષમા દ્વારા સાપની જૂની કાંચળીની જેમ કાઢી નાખે છે તેને જ સત્પુરુષ કહેવામાં આવે છે. જે અત્યંત શ્રદ્ધાપૂર્વક ધર્માચરણ કરે છે, જે શાંતિ અને ક્ષમા દ્વારા બીજાનાં કટુવચનો સહન કરી લે છે તથા જે અત્યંત દુઃખી હોવા છતાં બીજાને દુઃખી કરતા નથી તે આ સંસારમાં પરમ પરમાર્થ અને શ્રેયને પાત્ર છે. એક મનુષ્ય જે સો વર્ષો સુધી પ્રત્યેક મહિનામાં એક એક અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે તથા બીજો મનુષ્ય જે બધાં પ્રાણીઓની સામે ક્રોધ કરતો નથી તે બન્નેમાંથી અક્રોધીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. નાની ઉંમરનાં કુમારો-કુમારીઓ પરસ્પર વેરભાવ કરે છે, કારણ કે તે પોતાનાં બળાબળને જાણતાં નથી, પણ બળાબળને જાણનાર બુદ્ધિમાન એમ કરતા નથી.
શુક્રાચાર્યનાં બોધવચનો સાંભળીને દેવયાની બોલીઃ હું નાની ઉંમરની બાલિકા હોવા છતાં કાર્યોના ઔચિત્ય અએ અનૌચિત્યને સારી રીતે જાણું છું. એ પણ જાણું છું કે ક્રોધ અથવા અમર્ષની શાંતિ માટે શું કરવું ઉચિત છે ને શું કરવું અનુચિત છે? પરંતુ મર્યાદાની રક્ષા કરનાર ગુરુએ શિષ્યોનો અશિષ્ટ વહેવાર ન સાંખી લેવો જોઈએ. જે પોતાના પૂજ્યોનું પોતાના સન્માનપૂર્ણ વહેવાર તથા કુળ દ્વારા સન્માન કરતા નથી એ પાપબુદ્ધિવાળાની વચમાં કલ્યાણના ઇચ્છુક પંડિતજને નિવાસ ન કરવો જોઈએ. જે લોક પોતાના આચરણ દ્વારા પોતાના પૂજ્યને પ્રસન્ન કરે છે તેણે શ્રેષ્ઠ સજ્જન પુરુષોની વચ્ચે નિવાસ કરવો જોઈએ. તે નિવાસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જાતે દીન, હીન અને અપ્રતિષ્ઠ થઈને પોતાના શત્રુઓની રાજ્યશ્રીની સેવા કરવી એનાથી વધીને કોઈ પણ કઠિન કાર્ય ત્રણ લોકમાં હું નથી માનતી. આ વિધાનો પરથી પુરવાર થાય છે કે દેવયાની જ્ઞાની હતી. અને તેણે શાસ્ત્રીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું!
એ જ રીતે સુપ્રજ્ઞાએ પણ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પદ્મપુરાણની સુપ્રજ્ઞાએ પુણ્યશાળી મનુષ્યોને કેવી ગતિ પ્રાપ્ત થાય છે તે વિશેના જ્ઞાનનું પ્રદર્શન કર્યુંઃ પુણ્યાત્માઓનો માર્ગ મોટા મોટા પથ્થરોથી બાંધેલો હોય છે. તેના પર દિવ્ય વસ્ત્રો પાથરેલાં હોય છે. આ માર્ગ પર ક્યારેક ગંધર્વ કન્યાઓ અદ્ભુત ગાન ગાય છે. અપ્સરાઓ નૃત્ય કરે છે. ક્યારેક અનેક પ્રકારનાં વાજિંત્રોના તેમ જ વીણાના મધુર અને મનોહર સ્વર થાય છે. ક્યારેક શીતળ વાયુ વહેતો હોય છે અને ક્યારેક પુષ્પોનો વરસાદ વરસતો હોય છે. ક્યાંક શીતળ જળપાન માટે પરબો આવે છે. તો ક્યાંક ક્યાંક ભોજનશાળાઓ આવે છે. વિકસિત કમળોવાળા સુંદર વાવડીઓ આવે છે તો છાયા આપનારાં પુષ્પિત વૃક્ષો ક્યાંક ક્યાંક આવે છે. તેથી પુણ્યશાળી મનુષ્યો સુખેથી માર્ગ પસાર કરે છે. પુણ્યાત્માઓ સુખેથી મૃત્યુ પામી અનેક પ્રકારનાં અલંકારોથી શોભતા ઘોડા પર બેસીને તેમ જ મસ્તક પર ઊંચા દંડવાળાં ધવલ છત્રો સાથે જાય છે. કેટલાક હાથી પર બેસીને જાય છે તો કેટલાક રથ પર આરૂઢ થઈને જાય છે. કેટલાક માળા અને ચંદનથી વિભૂષિત થઈ દિવ્ય આયુધ ધારણ કરી, તાંબૂલભક્ષણ કરતાં રામમંદિરમાં જાય છે. કેટલાક પોતાના દેહની કાંતિથી દસે દિશામાં ઝગમગાટ કરતાં જળચર પ્રાણીઓ દ્વારા યમલોકમાં જાય છે. એમને જોઈને યમદેવ પ્રસન્ન થઈ નારાયણ બને છે. શ્યામ વર્ણ, ચાર ભુજા, પ્રફુલ્લ કમળ જેવાં નેત્રો, શંક, ચક્ર, ગદા, પદ્મધારી, ગરુડ વાહન, સોનાની જનોઈ, કિરીટ, કુંડળ અને વનમાલાથી વિભૂષિત થઈ સુંદર હાસ્ય કરતાં વહનથી શોભી રહ્યા હોય છે. ધર્મરાજ પુણ્યશાળીઓની પરમ પ્રીતિથી મિત્રની જેમ પૂજા કરે છે. તેમને દિવ્ય સુગંધનો લેપ કરે છે. અને તેમને ફળોનું ભોજન કરાવે છે.
સુપ્રજ્ઞાની જેમ અન્ય પૌરાણિક સ્ત્રીઓ પણ વિવિધ પ્રકારનું જ્ઞાન ધરાવતી, અને સમય આવ્યે સામી વ્યક્તિને બોધ પણ આપતી. શિવ મહાપુરાણમાં પદ્માએ ધર્મને અને તુલસીએ શંખચૂડને સ્ત્રી વડે જિતાયેલા પુરુષની અવદશા અંગે બોધવચનો કહ્યાં હતાંઃ જે પુરુષ સ્ત્રી વડે જિતાયો છે તે સારી ક્રિયા કરતો હોય તો પણ કાયમી અપવિત્ર છે. તેને સર્વ દેવો, પિતૃઓ તથા મનુષ્યો નિંદે છે. જન્મના તથા મરણના સૂતકમાં બ્રાહ્મણ દસ દિવસે, ક્ષત્રિય બાર દિવસે, વૈશ્ય પંદર દિવસે અને શૂદ્ર એક મહિને પવિત્ર થાય છે એવી વેદની આજ્ઞા છે, પણ સ્ત્રી વડે જિતાયેલો પુરુષ ચિતામાં બળ્યા વિના કોઈ કાળે શુદ્ધ થતો નથી. એવા પુરુષ પાસેથી પિતૃઓ પિંડ તથા તર્પણ સ્વીકારતા નથી. તે પુરુષે આપેલાં પુષ્પો તથા ફળને દેવો ગ્રહણ કરતા નથી, જેના મનને સ્ત્રીઓએ જીતી લીધું છે તેનાં જ્ઞાન, ઉત્તમ તપ, જપ, હોમ, શ્રેષ્ઠ પૂજન, વિદ્યા કે દાનનો શું અર્થ?
એ જ રીતે નારદ મહાપુરાણમાં બાહુ રાજાની રાણીએ ઔર્વ ઋષિને સંતોનાં લક્ષણો જણાવ્યાંઃ સંત બીજાઓનું ભલું કરવાની ઇચ્છછ રાખે એમાં કંઈઈજ આશ્ચર્ય નથી. પૃથ્વી પરનાં જેટલાં વૃક્ષો છછ તે પોતાના ઉપભોગ માટે ફળતાં નથી. તેમનું ફળ બીજાઓના જ કામમાં આવે છે. તેથી જે માણસ પારકાના દુઃખે દુઃખી થાય છે અએ તેમનાં સુખ જોઈને પ્રસન્ન થાય છે તે જ નરદેહધારી નારાયણ સ્વરૂપ છે. સંતપુરુષો બીજાનાં દુઃખ દૂર કરવા માટે શાસ્ત્રોનાં વચન કહે છે. જ્યાં સંત હોય ત્યાં દુઃખ હોતું નથી. જ્યાં સૂર્ય છે ત્યાં અંધકાર કેવી રીતે રહી શકે? આ જ પુરાણમાં રાજકુંવરી રત્નાવલીએ એક રાક્ષસને વિધિના લેખ અંગે જ્ઞાન આપ્યુંઃ પતિપત્નીનો સંબંધ ભાગ્યના યોગથી જ થતો હોય છે. એવી જ રીતે વિધિના સંકેતથી વિદ્યા, ઘર, સુખ, ધન અને કુળ પ્રાપ્ત થતાં હોય છે. વિધિની પ્રેરણાથી માણસ બધે હરતોફરતો હોય છે. શાલવૃક્ષ નીચે રહેલા બ્રાહ્મણને લઈ આવ અને તે સાથે ઘી, જળ, કુશ અને અગ્નિને પણ લાવીને વિધિપૂર્વક મારી સાથે લગ્ન કર. દર્ભ, જળ, અગ્નિ વિના તેમ જ કોઈ પણ જાતની વિધિ ન કરવામાં આવે તોય કેવળ બ્રાહ્મણના વચનથી લગ્ન સફળ થાય છે. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here