અમદાવાદઃ ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગબજારમાં કાગડા ઊડી રહ્યા છે. પતંગના હોલસેલ કે છૂટક વેપારીઓ મંદીના બોજા હેઠળ દબાઈ ગયા છે. વેપારીઓ કહી રહ્યા છે કે છેલ્લાં બે વર્ષથી જે મંદીનાં વાદળો છવાયેલાં છે એ ક્યારે હટશે? આજે પતંગબજાર સાવ ખાલી જોવા મળે છે. વેપારીઓ નવરા ગ્રાહકોની કાગ ડોળે રાહ જોતા જોવા મળી રહ્યા છે. છેલ્લાં ૧૦૦ વર્ષથી પણ વધારે અને બાપદાદાના સમયથી પતંગ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા હોય તેવા વેપારીઓ પણ કહી રહ્યા છે કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ૮૦ ટકા ધંધામાં મંદી છે.
આ વર્ષે રોકાણ કરેલી મૂડી પણ નીકળશે કે કેમ એ એક સવાલ છે. આ મંદીનું કારણ વેપારીઓ નોટબંધી અને જીએસટી છે, કેમ કે લોકોનાં ખિસ્સાં ખાલી છે, તો તે કેમના પતંગ ખરીદે. દર વર્ષે જેમ કંપનીઓ એક લાખ પતંગ બનાવવાનો ઓર્ડર આપતી હતી, આ વર્ષે તે માત્ર ૧૦ હજાર પતંગ બનાવવાનો જ ઓર્ડર આપે છે. ઉત્તરાયણ પછી કેમ ઘર ચલાવીશું એ પણ એક મોટો સવાલ છે. પતંગના હોલસેલ વેપારી હોય કે છૂટક વેપારી હોય, બધાની હાલત ખરાબ છે અને પતંગ-દોરી ખરીદવા માટે ગ્રાહક પણ નથી આવી રહ્યા. બીજી તરફ, ગ્રાહકોને આકર્ષવા માટે પતંગ અને દોરીમાં વેરાઇટી તો રાખવી જ પડે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એક કોડી પતંગના ભાવમાં રૂ.૧૦નો ઘટાડો થયો છે, જે પતંગનો ભાવ ગયા વર્ષે એક કોડીનો ભાવ રૂ.૮૦ હતો, એ આ વર્ષે ઘટીને રૂ.૭૦ થઈ ગયો છે, જ્યારે દોરીની ફિરકીના ભાવમાં પણ રૂ.૩૦થી રૂ.૪૦નો ઘટાડો થયો છે. વેપારીઓનું કહેવું છે કે ધંધામાં નફાની વાત તો જવા જ દો, કારીગરોના પગાર કાઢવામાં પણ ફાંફાં પડી રહ્યાં છે. ગ્રાહક વગરના ખાલી પતંગબજારમાંના વેપારીઓને આશા છે કે ઉત્તરાયણના તહેવારના બે દિવસ અગાઉ પતંગ-દોરીની ખરીદીમાં તેજી આવે અને તેમની મૂડી સાથે કારીગરોનો પગાર નીકળે તો બસ છે.