પક્ષીઓની પ્રજાતિઓ માનવને કારણે આજે લુપ્ત થઈ રહી છેઃ પક્ષીવિદ્

 

નડિયાદઃ પક્ષીઓની પ્રજાતિઓ માનવને કારણે આજે લુપ્ત થઈ રહી છે. માનવપ્રકૃતિ પક્ષીઓ માટે વિક્ષેપો ઊભા કરે છે, તેમ વડતાલમાં ૪૫મી રવિસભામાં અતિથિપદે ઉપસ્થિત રહેલા પક્ષીવિદ્ બકુલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. આ રવિસભામાં ઘરઆંગણાના પક્ષી- ચકલીને બચાવવા ત્રણ હજાર ઉપરાંત માળા-કુંડાની મંદિર દ્વારા વ્યવસ્થા ઊભી કરી સમાજને એક નવી દિશા પૂરી પાડી હતી. આ પ્રસંગે સંતો તથા મોટી સંખ્યામાં  હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. 

ગુજરાતના જાણીતા પક્ષીવિદ્ અને આંખના તબીબ બકુલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે સૌથી લાંબો દરિયાકિનારો છે. ગુજરાતમાં ૬૦૫થી વધુ પક્ષીઓની પ્રજાતિ છે. ગુજરાતની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો લાંબો દરિયાકાંઠો, ઘાસના મેદાન, મોટાં જળાશયો, જંગલ તથા રણપ્રદેશો આવેલાં છે, જેને કારણે ગુજરાતમાં પ્રાકૃતિક સમૃદ્ધિ ખૂબ છે, પણ આજનો માનવ આ બાબતે જરાય સચેત નથી. જો પ્રાકૃતિક સમૃદ્ધિ બાબતે સચેત થઈએ તો સંપૂર્ણ સજીવસૃષ્ટિને જીવનદાન મળે. ગુજરાતમાં દાણાભક્ષી, ફળભક્ષી તથા જંતુભક્ષી પક્ષીઓ રહે છે. શહેરી વિસ્તારમાં પક્ષીઓને પાણીની મુશ્કેલી પડે છે. વિરાટ સિમેન્ટ કોંક્રીટ જંગલો થતાં પક્ષીઓને રહેવા કોઈ જગ્યા નથી. વૃક્ષો કપાઈ રહ્યાં છે. સૃષ્ટિ પર જે થાય છે એ માટે માનવજીવન શૈલી જવાબદાર છે. પ્રકૃતિ ટકશે તો જ મનુષ્ય જાતિ રહેશે. વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી પક્ષી બચાવવા અને સમાજને અભિમુક્ત કરવાનું બીડું ઝડપ્યું છે એ ખરેખર અભિનંદનીય છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પોરબંદરના મેર જ્ઞાતિના આગેવાન અને પક્ષીપ્રેમી સાજણભાઈ આડેદરાએ જણાવ્યું હતું કે પક્ષીઓનું જતન કરવું જરૂરી છે. ચકલીઓને ઘર અર્થાત માળા બાંધવાની જગ્યા ન રહેતાં એની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. આ પ્રસંગે ભાનુસ્વામી, ડો. સંતસ્વામી, નીલકંઠચરણસ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.