પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોમાં ખેડૂતોનું આંદોલન

સમગ્ર ભારતમાં ગયા અઠવાડિયાથી દસ દિવસનું ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરિયાણા સહિત સાત રાજ્યોમાં ખેડૂતો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ભારે વિરોધ સાથે રસ્તાઓ પર દૂધ ઢોળી નાખતાં દૂધની નદીઓ વહી રહી છે અને શાકભાજી-ફળફળાદિ ફેંકી દીધાં છે. (ડાબે) મહારાષ્ટ્રમાં અહમદનગરમાં ખેડૂતોએ દૂધ રોડ પર ઢોળ્યું હતું, જ્યારે (વચ્ચે) શાકભાજી-ટામેટા રોડ પર ફેંકી દીધા હતા. (જમણે) મંદસૌરમાં મધ્ય પ્રદેશ કોંગ્રેસના કાર્યકરોએ ભારતીય કિસાન મજદૂર સંઘના કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ, એશિયાન્યુઝ)

ભોપાળ/ચંડીગઢ/જયપુરઃ સમગ્ર ભારતમાં ગયા અઠવાડિયાથી ખેડૂતોનું દસ દિવસનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરિયાણા સહિત સાત રાજ્યોમાં ખેડૂતો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ભારે વિરોધ સાથે રસ્તાઓ પર દૂધ ઢોળી નાખતાં દૂધની નદીઓ વહી રહી છે અને શાકભાજી-ફળફળાદિ ફેંકી દીધાં છે. દસ દિવસ સુધી શાકભાજી અને દૂધનો પુરવઠો ઠપ થયો છે.
રાષ્ટ્રીય કિસાન મજદૂર મહાસંઘના ચેરમેન શિવકુમાર શર્માએ જણાવ્યું કે આંદોલનનને ગાંવ-બંધ નામ આપવામાં આવ્યું છે, જેમાં 130 સંગઠનો જોડાયાં છે. ખેડૂતોએ સંપૂર્ણ લોનમાફીની, ઊપજના વધુ ભાવ મળે તેમ જ સ્વામીનાથન સમિતિના અહેવાલનો અમલ કરવાની માગણી કરી છે અને આ માગણીઓના સંદર્ભમાં આંદોલન શરૂ કર્યું છે. મહિનાઓની મહેનત પછી ઊગેલાં શાકભાજી, ફળો ફેંકવામાં આવ્યાં છે અને રસ્તાઓ પર દૂધ ઢોળવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં શાકભાજી અને દૂધની ટ્રકો રોકીને માર્ગો પર દેખાવો કરી રહ્યા છે અને શહેરોમાં જતો પુરવઠો હાઈવે પર અટકાવવામાં આવ્યો છે. દસમી જૂને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખેડૂતોએ અહિંસાના માર્ગે શાંતિપૂર્વક આંદોલન જારી રાખ્યું છે. હાલમાં ગામડાંઓમાં થતાં શાકભાજી અને દૂધને શહેરોમાં મોકલવાનું ખેડૂતોએ બંધ કર્યું છે, જેના કારણે શહેરોમાં આસમાને ભાવ પહોંચી ગયા છે. કેટલાંક રાજ્યોમાં ખેડૂતો શાકભાજી અને દૂધ તથા ફળોને રસ્તા પર ફેંકી રહ્યા છે.
હરિયાણાના ચંડીગઢમાં ટામેટાનો ભાવ દસ રૂપિયાથી વધીને કિલોના 30 થઈ ગયો છે. અન્ય શાકભાજીના ભાવ પણ ડબલ થઈ ગયા છે. પંજાબમાં કેટલાક આંદોલનકારી ખેડૂતોની અટકાયત કરાઈ છે.
રાજસ્થાનમાં શાકભાજીના ભાવમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. જયપુરમાં મોટા ભાગની મંડીમાં શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે. મુહાના મંડીમાં રવિવારે આશરે 150 વાહનો ઓછાં આવ્યાં હતાં. બિકાનેરમાં યુવકોએ શાકભાજી બજારમાં લૂંટફાટ કરી હતી. જયપુર આવી રહેલા ત્રણ લાખ લિટર દૂધને ગામમાં જ અટકાવી દેવાયું હતું. ખેડૂતોની હડતાળના પગલે રાજસ્થાનમાં આંદોલનકારીઓએ જયપુર ડેરીનાં વાહનોમાં તોડફોડ કરી 60 હજાર લિટર દૂધ ઢોળતાં ડેરીને એક કરોડનું નુકસાન થયું છે.
રાજસ્થાનમાં દૂધ અને શાકભાજીની અછત વધતા લોકોની મુશ્કેલીઓ વધી છે. જયપુર ડેરીના ચેરમેન ઓમ પ્રકાશ પુનિયાના જણાવ્યા મુજબ ડેરીમાં 11 લાખ લિટરના બદલે 7.70 લાખ લિટર દૂધ આવ્યું છે. દૂધની અછતથી દૂધની કેટલીક બનાવટોનું વિતરણ અટકાવી દેવાયું છે.
દરમિયાન ગુજરાતમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામ અને કોડીનારના સરખડી ગામમાં ખેડૂતોએ રોષભેર સરકાર સામે સૂત્રોચ્ચાર કરી દૂધ શાકભાજી રોડ પર નાખી વિરોધ દર્શાવ્યો હતો. આંબરડીના ખેડૂતોએ રસ્તા પર શાકભાજી અને દૂધ નાખી દીધાં હતાં અને તેમણે ખેડૂતોના દેશવ્યાપી આંદોલનને પોતાનો ટેકો આપ્યો હતો.