પંજાબ-હરિયાણાની સાંસ્કૃતિક વિરાસત ‘બૈસાખી’ પર્વ

ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મમાં લોકપર્વોનું અનેરું આકર્ષણ અને મહત્ત્વ રહ્યું છે. ભારત બિન-સાંપ્રદાયિક દેશ હોવાથી પ્રત્યેક રાજ્યની વિવિધ ધર્મ-જ્ઞાતિ-જાતિ ધરાવતી પ્રજા વર્ષભર આવતાં પર્વોને પોતપોતાની રીતે આનંદ-ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઊજવે છે. અલબત્ત, વિભિન્ન સમાજવ્યવસ્થા, રહેણી-કરણી, કૃષિ, ધર્મ, પ્રકૃતિ સાથે સંકળાયેલાં આ લોકપર્વો પાછળ કોઈ ને કોઈ ઇતિહાસ, દંતકથા, સામાજિક સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય સંદર્ભો છુપાયેલા છે.
ગુજરાતમાં હોળી-ધુળેટી અને દિવાળી મુખ્ય તહેવારો મનાય છે તેમ ઉત્તર ભારતમાં, ખાસ કરીને પંજાબ-હરિયાણામાં હિન્દુ ધર્મનો વિશેષતઃ શીખ સમુદાયનો મુખ્ય તહેવાર ‘બૈસાખી’ યા ‘વૈશાખી’ ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ઊજવાય છે. વૈશાખ માસના આરંભે અર્થાત્ 13 યા 14 એપ્રિલની આસપાસ આ પર્વ ઊજવાતું હોવાથી તેને હિન્દીમાં ‘બૈસાખી’ અને ગુજરાતીમાં ‘વૈશાખી’ નામથી ઓળખાય છે. સમસ્ત ભારતનાં વિવિધ રાજ્યોમાં આ પર્વ પ્રાદેશિક સંસ્કૃતિ અને સંદર્ભ અનુસાર વિવિધ નામથી ઊજવાય છે, જેમ કે કેરળમાં વિશુ, ઉત્તરાખંડમાં બિખોરી, આસામમાં બોહાગબિહૂ, ઓરિસ્સામાં મહાવિષુવ સંક્રાન્તિ, બંગાળમાં પાહેલા બેશાખ, તામિલનાડુમાં પુથંડુ, બિહારમાં જુર્શીતલ નામથી આ પર્વ ઊજવાય છે. અમેરિકા, કેનેડા, યુકે મલેશિયા, પાકિસ્તાન, પૂર્વ આફ્રિકા, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં પણ જ્યાં શીખ સમુદાયની વસતિ છે ત્યાં આ પર્વની ઉજવણી થાય છે.
કૃષિ અને કૃષિકાર સાથે સંકળાયેલો આ તહેવાર હોવાથી કૃષિપ્રધાન પંજાબ-હરિયાણા પ્રદેશમાં વૈશાખ માસના આરંભે ઘઉં, તલ, શેરડીની ફસલ તૈયાર થતી હોવાથી ખેડૂતો આ દિવસે કાપણીની શરૂઆત કરી આનંદ-ઉલ્લાસ મનાવે છે. ઘરની સાફ-સફાઈ, આંગણામાં રંગોળી, ભાંગડા અને ગિધા નૃત્યથી આનંદની અભિવ્યક્તિ, કુસ્તી સ્પર્ધા, બેલગાડી દોડ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓથી ખેડૂત પરિવાર આનંદથી નાચી ઊઠે છે. ઘરમાં હલવા-પૂરી, ખીર, મકાઈ રોટી, મીઠાઈ વગેરેની નવનવીન વાનગીઓ બને છે. નદીકિનારે લોકમેળા યોજાય છે. આમ, વૈશાખી પર્વ ખેડૂત પરિવાર માટે કૃષિનો ફસલ પાક્યાના ઉલ્લાસનો ઉત્સવ બની રહે છે.
શીખ સમાજ માટે આધ્યાત્મિક તહેવાર તરીકે આ પર્વનું વિશેષ મહત્ત્વ છે. શીખ સંપ્રદાયના દસમા ગુરુ ગોવિંદ સિંહે 1699માં આ વૈશાખી દિવસે ગુરુદ્વારા આનંદપુર સાહિબમાં ખાલસા પંથની સ્થાપના કરી હતી. ખાલસા એટલે શુદ્ધ, પાવન, પવિત્ર. ગુરુ ગોવિંદ સિંહે તત્કાલીન મુસ્લિમ શાસકોના અત્યાચાર અને જુલમોમાંથી તેમ જ જાતિ-ધર્મના ભેદભાવમાંથી પ્રજાને, શીખ સમાજને મુક્ત કરી આ દિવસે નીતિ-ધર્મનો ઉપદેશ પ્રબોધ્યો. માનસિક ગુલામી દૂર કરી સિંહ જેવા સ્વમાની અને સશક્ત બનાવ્યા.
ઐતિહાસિક દષ્ટિએ જોઈએ તો 13મી એપ્રિલ, 1919ના રોજ હજારો લોકો રોલેટ એક્ટના વિરોધમાં પંજાબ – અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્રિત થયેલા ત્યારે અંગ્રેજ શાસક જનરલ ડાયરે નિર્દોષ પ્રજા પર આડેધડ ગોળીઓ ચલાવી હજારો લોકોની હત્યા કરેલી. આઝાદીના આંદોલન માટેની આ ચિનગારીનો દિવસ હતો, તેથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની યાદમાં આ ‘વૈશાખી’ પર્વ ઐતિહાસિક રીતે યાદગાર બની ગયું. ઉપરાંત, ભૌગોલિક દષ્ટિએ જોઈએ તો આ દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશતાં, વૈશાખી પરંપરાગત રૂપે, શીખ નવા વર્ષનો આરંભ થાય છે. વ્યાપારી અને ધંધારોજગારવાળા લોકો આ દિવસથી વ્યવસાયના હિસાબનો આરંભ કરે છે.
ધાર્મિક દષ્ટિએ ‘વૈશાખી પર્વ’નું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ પવિત્ર ગણાતો હોવાથી શીખ સમાજ નદી-સરોવરમાં સ્નાન કરવાનું અને પુણ્યદાન કરવાનું મંગલકારી માને છે. શીખ લોકો ગુરુદ્વારા જઈને આસ્થા અને ભક્તિભાવપૂર્વક ગુરુગ્રંથનો પાઠ કરે છે. કીર્તન-આરાધના કરે છે. ધાર્મિક જુલૂસ (ધર્મયાત્રા) કાઢી ગુરુ સાહિબ પ્રત્યે પોતાની શ્રદ્ધાભક્તિ વ્યક્ત કરે છે. હજારો વર્ષ પૂર્વે ગંગાદેવીનું આ દિવસે ધરતી પર અવતરણ થયું હોવાથી આ દિવસે ગંગાસ્નાનનો વિશેષ મહિમા છે.
વૈશાખી પર્વ સંદર્ભે બે દંતકથાઓ પણ પ્રચલિત છે. 1699માં શીખોના ગુરુ ગોવિંદ સિંહે આનંદપુર સાહિબ મેદાનમાં આ દિવસે શીખ સમુદાયને એકઠો કરેલો. ત્યારે ગુરુએ શિષ્યોની પરીક્ષા લેવાની ઇચ્છાથી તલવાર કાઢી, શિરચ્છેદની માગણી મૂકી. વિવિધ જાતિ-જ્ઞાતિના પાંચ શિષ્યોએ પોતાનું મસ્તક ગુરુને અર્પણ કરવાની તૈયારી બતાવતાં તેમને વારાફરતી એક ખંડમાં લઈ ગયા. થોડી વારમાં બહાર રક્તધારા વહેવા લાગી. બધાને એમ લાગ્યું કે પાંચેય શિષ્યોનો શિરચ્છેદ થઈ જવાથી આ રક્તધારા છૂટી હશે, પરંતુ ચમત્કાર થયો. થોડી વારમાં ગુરુ અને પાંચેય શિષ્યો બહાર આવ્યા. ગુરુએ પાંચેય શિષ્યોને, પરીક્ષામાં સફળ થતાં, અમૃતનું રસપાન કરાવી, કિરપાણ, પાઘડી, કચ્છ (પહેરવેશ) કડું, દાઢી ધારણ કરવાની આજ્ઞા કરી શિષ્યો બનાવ્યા. આમ શીખોને ‘રાય’માંથી ‘સિંહ’ નામ ધારણ કરાવી શીખ સમાજને આત્મસન્માન સાથે ગૌરવ અપાવ્યું. આ ઘટનાની યાદમાં ‘વૈશાખી’ પર્વ શીખ સંપ્રદાયના સંદર્ભમાં ઊજવાય છે.
બીજી એક દંતકથા મુજબ, મહાભારતના પાંડવો વનવાસ દરમિયાન પંજાબના કટરાજ તાલ પહોંચ્યા ત્યારે તેમને તરસ લાગતાં યુધિષ્ઠિરને છોડીને ચારેય ભાઈઓ સરોવર કિનારે પાણી માટે પહોંચેલા ત્યારે યક્ષે મનાઈ કરવા છતાં તેમણે જલપાન કરતાં મૃત્યુ પામેલા ત્યારે યુધિષ્ઠિર ચિંતામાં સરોવર કિનારે પહોંચ્યા ત્યારે યક્ષે યુધિષ્ઠિરને જણાવ્યું કે તમારા મૃત્યુ પામેલા ચારેય ભાઈઓમાંથી તમે કહો તેને હું જીવિત કરી શકીશ. ત્યારે યુધિષ્ઠિરને સૌતેલા ભાઈ સહદેવને જીવિત કરવાનું કહેતાં યક્ષે તેનું કારણ પૂછ્યું ત્યારે યુધિષ્ઠિરે કહેલું કે માતા કુંતીના બે પુત્રો જીવિત રહે એના કરતાં કુંતા અને માદ્રી બન્નેનો એક-એક દીકરો જીવિત રહે એમાં મને ન્યાય લાગે છે. યુધિષ્ઠિરના આ ઉત્તરથી પ્રસન્ન થઈ યક્ષે ચારેય ભાઈઓને આ દિવસે જીવિત કરેલા. આ ઘટનાની યાદમાં વૈશાખી પર્વ નદી-સરોવર કિનારે ભરાતા મેળામાં ગુરુ ગોવિંદ સિંહના પાંચ શિષ્યો ખુલ્લા પગે નદીકિનારે સૌથી આગળ ચાલે છે અને એ રીતે મેળાનો આરંભ થાય છે.
સમગ્ર રીતે જોઈએ તો, ભારતીય સંસ્કૃતિના પ્રત્યેક પર્વની જેમ વૈશાખી પર્વની પણ એક આગવી ઓળખ છે. પંજાબ-હરિયાણા પ્રદેશની સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાને ઉજાગર કરતો આ તહેવાર સમગ્ર પંજાબ-હરિયાણા પ્રજાની વિરાસત છે. યંગ સંસ્કૃતિ અને બદલતી જતી જીવનશૈલીને કારણે આ વિરાસત આજે વીસરાતી જાય છે. પર્વના અસલ આનંદ અને અસલ ભાવના, આજના ભૌતિક ધમાલિયા જીવનમાં વીસરાતાં જાય છે. આમ છતાં કૃષિજીવન અને સમાજ તથા ધર્મજીવન સાથે સંકળાયેલું વૈશાખી પર્વ આજે પણ ઊજવાતું રહ્યું છે એ એક મોટું આશ્વાસન છે. આજના સંદર્ભમાં વીસરાતી જતી આ વિરાસત ટકી રહે, સચવાઈ રહે તો જ ભારતીય સંસ્કૃતિ રક્ષિત રહેશે.

લેખક સાહિત્યકાર અને કેળવણીકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here