પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડ સહિત ભારતમાં બેન્કિંગ કૌભાંડના ત્રણ નામચીન આરોપી વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદી કેસમાં સરકારની કડક કાર્યવાહીની અસર દેખાઈ રહી છે્…

 

 

      ભારતીય બેન્કોમાંથી લોનના નામે કરોડો રૂપિયાની લોન લઈને નાણાની ઉચાપત કરનારા ગુનેગારો સામે મોદી સરકારે શરૂઆતથી જ કડક વલણ અખત્યાર કર્યું હતું. ભારત છોડીને વિદેશ ભાગી જનારા આરોપીઓને ભારત પરત લાવવા માટે સરકારે શક્યત તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. વિદેશના ન્યાયતંત્રની સહાય લઈને, સાચા- ખોટા બહાના રજૂ કરીને પોતાનું પ્રત્યાર્પણ ટાળવાની કોશિશ કરનાર વ્યક્તિઓને ભારતમાં પરત લાવીને તેમની પર કાનૂની કાર્યવાહી ચલાવીને સજા કરવા માટે ભારત વિદેશના ( ઈંગ્લેન્ડ , ડોમિનક ) વહાવટીતંત્રના સતત સંપર્કમાં પણ રહી છે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની 9,371 કરોડ રૂપિયાની સંપત્તિ હવે કબજે લઈને સરકારે બેન્કોને ટ્રાન્સફર કરી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. ઈડીના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત ત્રણે ભાગેડુઓની 9,371કરોડની મિલકત હવે સરકારી બેન્કોને નામે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. ઈડીએ 18,170, 02 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરી હતી. મેહુલ ચોકસી અને નીરવ મોદી પર પંજાબ બેન્કના કેટલાક કર્મચારીઓ સાથે મળીને બેન્કની સાથે કથિત 13,500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ છે. નીરવ મોદી હજી લંડનની એક જેલમાં કેદ છે. મેહુલ ચોકસી અને નીરવ મોદી – બન્નેની વિરુધ્ધ સીબીઆઈ તપાસ કરી રહ્યું છે. તેમને ભારત પ્રત્યાર્પિત કરાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા હાલમાં ઈંગ્લેન્ડમાં છે. ઈડીના જણાવ્યા અનુસાર, માલ્યાના પ્રત્યાર્પણ માટે અનિવાર્ય તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. તેમની કંપનીએ બેન્ક લોન પર ડિફોલ્ટ કર્યો હતો. જયારે સીબીઆઈ અને ઈડી તેમના કેસ અંગે તપાસ ચલાવી રહ્યા હતા ત્યારે વિજય માલ્યા ભારત માંથી અચાનક ફરાર થઈ ગયો હતો. વિજય માલ્યા બીજી માર્ચ, 2016ના દેશ છોડીને ભાગી ગયો હતો. હાલમાં વિજયમાલ્યા લંડનમાંછે, નીરવ મોદી લંડનનની જેલમાં છે અને મેહુલ ચોકસીની ડોમિનિકમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણે ગુનેગારોને ભારત પાછા લાવવા માટે યુકે, અને એન્ટિગુઆ – બારબુડાની સરકારોને પ્રત્યાર્પણ માટે વિનંતીઓ કરવામાં આવી છે. વેસ્ટમિન્સ્ટરની અદાલતે તો માલ્યાના ભારતને પ્રત્યાર્પણની બાબતને પોતાની મંજૂરી પણ આપી દીધી છે. વિજય માલ્યાને યુકેની અદાલતમાં- સુપ્રીમ કોર્ટમાં  અરજી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.