પંજાબ નેશનલ બેન્ક કૌભાંડઃ નીરવ મોદી-મેહુલ ચોકસીની કંપનીઓની તપાસ

 

 

અબજોપતિ જ્વેલર નીરવ મોદી.

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કના રૂ. 11,400 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા મનાતા નીરવ મોદી અને મેહુલ ચોકસીના વિવિધ આવાસો અને સ્થળો પર એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઇડી) દ્વારા દરોડા અને તપાસની કામગીરી ચાલી રહી છે, જેમાં રોજેરોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પીએનબી કૌભાંડ બહાર આવ્યા પછી એક અઠવાડિયામાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

નીરવ મોદીનાં 141 બેન્ક એકાઉન્ટ અને એફડીને સીલ કરવામાં આવ્યાં છે, જેની કિંમત રૂ. 145 કરોડ છે. મુંબઈનું આલિશાન ફાર્મહાઉસ પણ સીલ કરવામાં આવ્યું છે. સરકારની તપાસ એજન્સીઓએ નીરવ મોદીનાં વેરહાઉસીસ અને શોરૂમમાંથી જે મિલકતો જપ્ત કરી છે તેનું કુલ મૂલ્ય રૂ 57 અબજ છે. દરોડામાં રૂ. 56.74 કરોડનું ગોલ્ડ અને ડાયમંડ જપ્ત કરવામાં આવ્યાં છે.
બીજી બાજુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પીએનબી કૌભાંડ કેસની સ્વતંત્ર તપાસ હાથ ધરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાની અને નીરવ મોદીનું ભારતને પ્રત્યાપણ કરવાની વિનંતી કરતી જનહિત અરજીનો વિરોધ કર્યો હતો.
પીએનબી કૌભાંડમાં એક બાજુ મુખ્ય કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોકસી ફરાર છે ત્યારે સીબીઆઇ દ્વારા નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ ડાયમંડ ગ્રુપના ફાઇનાન્સ વિભાગના પ્રમુખ વિપુલ અંબાણી સહિત પાંચની ધરપકડ કરી છે. વિપુલ અંબાણી રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીના સૌથી નાના ભાઈના પુત્ર છે. બીજી બાજુ આવકવેરા વિભાગે ગીતાંજલિ જેમ્સના પ્રમોટર મેહુલ ચોકસી સાથે સંકળાયેલાં 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. મુંબઈ, પુણે, સુરત, હૈદરાબાદ, બેન્ગલોર સહિતનાં શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સીબીઆઇ દ્વારા પીએનબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સહિત દસ અધિકારીઓની પૂછપરછ કરાઈ હતી.

એક અઠવાડિયા સુધી મૌન રાખ્યા પછી કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે આ કેસમાં જેમણે છેતરપિંડી કરી છે તેમને છોડવામાં નહિ આવે. આ ગેરરીતિ માટે બેન્કનું મેનેજમેન્ટ અને સ્ટાફ દોષી છે. આ કૌભાંડ મેનેજમેન્ટની સાથે સાથે ઓડિટર્સની કામગીરી પર પણ શંકા વ્યક્ત કરે છે.

પીએનબીના દસ અધિકારીઓની સીબીઆઇ દ્વારા પૂછપરછ કરાઈ હતી. પીએનબીએ શોધી કાઢ્યું હતું કે તેમના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓએ નીરવ મોદી સાથે મળીને પાસવર્ડની ચોરી કરી હતી.
મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સની નક્ષત્ર અને જિલી સહિતની બ્રાન્ડનું પ્રમોશન કરનારી સેલિબ્રિટીઝે પેમેન્ટ મળ્યું ન હોવાની ફરિયાદ કરી છે. મેહુલ ચોકસી નીરવ મોદીના મામા છે. બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતના પ્રવક્તાએ કહ્યું કે કરાર પૂરો થયો છતાં કંગનાને નક્ષત્રના એન્ડોર્સમેન્ટ માટે હજી પૂરાં નાણાં મળ્યાં નથી.

કોલકાતાની સૂમસામ ભાસતી પંજાબ નેશનલ બેન્કની ઇમારતમાંથી બહાર આવી રહેલી એક વ્યક્તિ. (ફોટોસૌજન્યઃ ક્વાર્ટઝડોટકોમ)

દરમિયાન અબજોપતિ જ્વેલર નીરવ મોદીએ પીએનબી દ્વારા તેમના પર મુકાયેલા આરોપો નકારી કાઢ્યા છે તેમ તેમના વકીલ વિજય અગરવાલે જણાવ્યું હતું. નીરવ મોદીના વકીલ વિજય અગરવાલે પીએનબી દ્વારા દાખલ કરાયેલી પોલીસ ફરિયાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ કેસમાં કશું જ નથી. ટુજી અને બોફોર્સ કેસ જેવા આ કેસના હાલ થવાના છે. અગરવાલે નીરવ મોદીના પીએનબી સાથેના વ્યવહારો વિશે કહ્યું કે દરેક વ્યવહારના દસ્તાવેજો છે. નીરવ મોદીની કંપનીઓ સાથે વ્યવહારો પર થતી તમામ ફી પીએનબીએ નિયમિત રીતે વસૂલી છે. અગરવાલે નીરવ મોદી દેશ છોડી ભાગી ગયા હોવાના અહેવાલ બદલ સામો સવાલ કરી કહ્યું કે રૂ. પાંચ હજાર કરોડની સંપત્તિ મૂકીને કોઈ શું કામ ભાગી જાય? જોકે નીરવ મોદી ક્યારે પાછા આવશે તે સવાલનો જવાબ આપ્યો નહોતો .નીરવ મોદીના કેસમાં તમે કેવી કાયદાકીય વ્યૂહરચના અપનાવશો તે વિશે અગરવાલે કહ્યું કે ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી કોઈ વ્યૂહરચના ન ઘડી શકાય. ઉલ્લેખનીય છે કે અગરવાલ ટુજી કૌભાંડને લગતા કેટલાક કેસોમાં પણ વકીલ રહ્યા હતા.