પંજાબ નેશનલ બેન્કમાં રૂ. 11400 કરોડનું કૌભાંડ

મુંબઈઃ ભારતમાં જાહેર ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)એ મુંબઈસ્થિત ફોર્ટની પોતાની એક શાખામાંથી 1.77 અબજ અમેરિકી ડોલર એટલે કે લગભગ રૂ. 11,700 કરોડનું કૌભાંડ પકડ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં પીએનબીએ જણાવ્યું કે કેટલાક ખાતાંધારકોને લાભ પહોંચાડવા માટે તેમની સંમતિ સાથે આ પ્રકારના આર્થિક વ્યવહાર કરાયા છે. આ પ્રકારના આર્થિક વ્યવહારોના આધારે અન્ય બેન્કોએ આ ખાતાંધારકોને વિદેશોમાં ઋણ આપ્યાં છે.

સંપત્તિની દષ્ટિએ દેશમાં ચોથા નંબરની બેન્ક ગણાતી પીએનબીએ આ કૌભાંડમાં સંડોવાયેલી વ્યક્તિઓનાં નામ જાહેર કર્યાં નથી.

પીએનબીએ આ કૌભાંડ માટે બેન્કના દસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. બેન્કિંગ સેક્રેટરી રાજીવ કુમારે કહ્યું કે આ કર્મચારીઓ પર કેટલાક પસંદગીના ખાતાંધારકોને લાભ પહોંચાડવાનો આરોપ મુકાયો છે. ઉલ્લેખનીય છે કે પીએનબીની સન 2017ની નેટ આવક રૂ. 1320 કરોડ હતી તેની સામે બેન્કની એક જ શાખામાં રૂ. 11,400 કરોડના છદ્મ આર્થિક વ્યવહારો કરાયા છે જે બેન્કની નેટ આવક કરતાં આઠ ગણા છે. છેતરપિંડીભર્યા આર્થિક વ્યવહારો કરાયાની જાણ પીએનબીએ પોતે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને કાયદા એજન્સીઓને કરી હતી.
હીરાના અબજોપતિ વેપારી-જ્વેલરી ડિઝાઇનર નીરવ મોદી અને જ્વેલરીની એક કંપની સામે પીએનબીએ સીબીઆઇમાં બે ફરિયાદ નોંધાવી છે. પીએનબીએ આક્ષેપ કર્યો છે કે આ બન્નેએ

રૂ. 11,400 કરોડની છેતરપિંડી કરી છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

વૈશ્વિક સેલિબ્રિટીઓમાં નીરવ મોદીની જ્વેલરીની ખૂબ જ બોલબાલા છે. તેમની સામે સીબીઆઇ નવેસરથી તપાસ કરે તેવી શક્યતા છે. પીએનબીની એક બ્રાન્ચ સાથે રૂ. 280 કરોડની છેતરપિંડી કરવા અંગે સીબીઆઇ તેમની સામે તપાસ કરી રહી છે. અબજોપતિ ડાયમન્ડ કિંગ નીરવ મોદી મૂળ ગુજરાતી છે અને બેલ્જિયમમાં મોટા થયેલા છે. મુંબઈમાં અસ્થાયી રહેતા નીરવ મોદી હાલ 1.73 અબજ ડોલરના આસામી છે, જેમનું નામ ફોર્બ્સ ઇન્ડિયાની 2017ની ભારતના સૌથી ધનિકોની યાદીમાં 84મા સ્થાને હતું. 48 વર્ષના નીરવ મોદીની જ્વેલરી બ્રાન્ડને બોલીવુડમાં પ્રિયંકા ચોપરા અને લીઝા હેડને પ્રમોટ કરી છે. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં સીબીઆઇએ રૂ. 280 કરોડની છેતરપિંડીના કેસમાં નીરવ મોદી, તેમનાં પત્ની અમી, તેમના ભાઈ વિશાલ, તેમના સગા મામા મેહુલ ચોકસી સામે ગુનો નોંધ્યો હતો. પીએનબીના શેરમાં દસ ટકાનું ગાબડું પડતાં 145.80ની સપાટીએ ઊતરી આવ્યો હતો અને રોકાણકારોએ રૂ. 3844 કરોડ ગુમાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here