પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટે આપેલો મહત્વનો ચુકાદોઃ લગ્ન માટે મુસ્લિમ યુવતીની પુખ્ત વયની હોય એ જરૂરી નથી

 

       પંજાબ અને હરિયાણાની અદાલતે તાજેતરમાં એક એક મુસ્લિમ દંપતીના લગ્ન બાબત મહત્વનો ચુકાદો આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે, લગ્ન માટે મુસ્લિમ યુવતી પુખ્ત ઉંમરની હોય તે આવશ્યક નથી. જો છોકરી યુવાન થઈ ચુકી છે તો તે પોતાના જીવનસાથીની પસંદગી કરવાનો અધિકાર ધરાવે છે. તે જાતે જ નક્કી કરી શકે છે કે તેણે પોતાનું જીવન, પોતાની જિંદગી કોની સાથે વ્યતીત કરવી છે. અદાલતે સગીર વયની મુસ્લિમ છોકરીના લગ્નને કાયદેસર રીતે માન્ય ઠરાવ્યા છે. 

      વડી અદાલતે એક મુસ્લિમ દંપતીની અરજી પર સુનાવણી કરતાં ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. પંજાબના માહોલી ખાતે રહેતા એક 36 વરસના પુરુષે 17 વરસની ઉમરની છોકરી સાથે લગ્ન કર્યા હતા. આ પ્રેમ લગ્નથી છોકરીનું કુટુંબ નારાજ હતું. તેથી દંપતીએ નિકાહ બાદ અદાલત પાસેથી તેમની સુરક્ષા અને સલામતી માટે માગણી કરી હતી. આ દંપતીને તેમના બન્નેનાં પરિવાર તરફથી સંમતિ મળી ન હતી. બન્ને પક્ષે લગ્ન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. દંપતીએ અદાલતને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે,  તેમના લગ્ન મુસ્લિમ પરંપરા પ્રમાણે જ થયાં છે. પરંતુ તેમના પરિવારના લોકોને એ માન્ય નથી. આથી તેમના જીવને જોખમ છે. સુરક્ષામાટે તેમણે મોહાલીના પોલીસ તંત્રને અરજી કરી હતી, પણ પોલીસ તરફથી કશી મદદ ન મળતાં આખરે  અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. 

         છોકરીના પરિવારની દલીલ એવી હતી કે, છોકરી પુખ્ત વયની નથી, તેથી લગ્નને ગેરકાનૂની ઠરાવવામાં આવે અને છોકરીને પરિવાર પાસે પાછી મોકલી દેવામાં આવે. પરંત હાઈકો્ર્ટે મુસ્લિમ પર્સનલ લો નો હવાલો આપીને જણાવ્યું હતું કે, લગ્ન યોગ્ય અને કાનૂની છે. છોકરી એના પતિની સાથે રહી શકે છે. અદાલતે ઉપરોક્ત દંપતીને સુરક્ષા આપવાનો મોહાલીના એસપીને આદેશ આપ્યો હતો.