પંજાબમાં ભારે વરસાદને કારણે 41 લોકોના મોતઃ કરોડોનું નુકસાન

પંજાબઃ પંજાબમાં વરસાદે વિનાશ વેર્યો છે અને ભારે તારાજી સર્જી છે, ત્યારે રાજ્યમાં આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ સાથે જ 1600થી પણ વધુ લોકોને રાહત શિબિરોમાં રહેવાનો વારો આવ્યો છે. આ માહિતી સ્થાનિક અધિકારીઓએ આપી હતી. પંજાબમાં ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે, જેમા તરનતારન, ફિરોઝપુર, ફતેહગઢ સાહિબ, ફરિદકોટ, હોશિયારપુર, રૂપનગર, કપૂરથલા, પટિયાલા, મોગા, લુધિયાણા, SAS નગર, જલંધર, સંગરુર, SBS નગર, ફાઝિલ્કા, ગુરદાસપુર, માનસા, ભટિંડા અને પઠાણકોટ સહિતના જિલ્લાઓ સામેલ છે.
સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર અને બચાવ એજન્સીઓએ 27,286 લોકોને જ્યા પૂર જેવી સ્થિતિ થઈ હતી તેવા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેસુલ વિભાગના અહેવાલ મુજબ પૂરમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે. પંજાબ અને હરિયાણાના કેટલાક જિલ્લાઓ તાજેતરમાં ભારે વરસાદથી પ્રભાવિત થયા છે, પૂરને કારણે જનજીવન પર અસર થઈ અને ભારે વરસાદને કારણે છેલ્લા કેટલાય દિવસથી ધંધા રોજગાર પણ બંધ છે તેમજ મોટા પાયે રહેણાંક અને ખેતીની જમીન ડૂબી ગઈ છે.
પંજાબના ઉર્જા મંત્રી હરભજન સિંહે કહ્યું કે પૂરથી પ્રભાવિત તમામ 595 વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રૂપનગર, એસએએસ નગર, પટિયાલા અને સંગરુર પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પૂરને કારણે ભારે નુકસાન થયું છે. પંજાબમાં વરસાદને કારણે સ્ટેટ પાવર કોર્પોરેશનને 16 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જેમા વીજ થાંભલા, ટ્રાન્સફોર્મરને નુકસાન અને સબસ્ટેશનમાં પૂરનો સમાવેશ થાય છે જેનાથી સાધનો અને પાવર લાઈનોને નુકસાન થયું હતું. સમગ્ર રાજ્યમાં 2066 KV સબસ્ટેશન ડૂબી ગયા છે, જેના કારણે માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠાને ગંભીર અસર થઈ છે, જેનાથી આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ હતી. મંત્રી વધુમાં જણાવતા PSPCL ટાસ્ક ફોર્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે 24×7 કામ કરે છે. વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે તેમની પ્રાથમિકતાઓની રૂપરેખા આપી છે, જેમાં હોસ્પિટલો, ટેલિકોમ અને જટિલ માળખાકીય સુવિધાઓની પુનઃસ્થાપનાનો સમાવેશ થાય છે.