પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન

ચંડીગઢઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન થયું. તેમની તબિયત બગડતાં તેમને મોહાલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 5 વખત પંજાબના મુખ્યમંત્રી રહ્યા. જૂન 2022માં પણ તેમને છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમય બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022માં, તેમની તબિયત ફરીથી બગડતાં તેમને પીજીઆઈ ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. તેમની રાજકીય કારકિર્દીની આ પ્રથમ હાર હતી. વૃદ્ધાવસ્થાના કારણે તેઓ ચૂંટણી લડવા માગતા ન હતા, પરંતુ પુત્ર સુખબીર બાદલના કહેવા પર અને પંજાબમાં અકાલી દળની દયનીય સ્થિતિ જોઈને પ્રકાશ સિંહ બાદલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. પ્રકાશ સિંહ બાદલે વર્ષ 1947માં રાજનીતિની શરૂઆત કરી હતી. તેઓ સરપંચની ચૂંટણી લડ્યા અને જીત્યા. ત્યારબાદ તે સૌથી નાની વયના સરપંચ બન્યા. 1957માં તેમણે પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી. તેઓ 1969માં ફરી જીત્યા. 1969-70 સુધી તેઓ પંચાયત રાજ, પશુપાલન, ડેરી વગેરે મંત્રાલયોના મંત્રી હતા. આ સિવાય તેઓ 1970-71, 1977-80, 1997-2002માં પંજાબના મુખ્યમંત્રી બન્યા. તેઓ 1972, 1980 અને 2002માં વિપક્ષના નેતા પણ બન્યા હતા. મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે પણ તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણી લડ્યા બાદ તેઓ સૌથી વૃદ્ધ ઉમેદવાર પણ બન્યા હતા. પ્રકાશ િસંહ બાદલના અવસાનથી પંજાબના રાજકારણમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.