ન્યૂ વિદ્યાનગરના વિધાતા ડો. સી. એલ. પટેલ

ગામડીના લલ્લુભાઈ પ્રગતિશીલ અને મહેનતુ ખેડૂત. આણંદ રેલવેના ડબ્બાના મળથી ખેતર છલકાવતાં તેમને સૂગ ન ચઢે. ખેતરની અને પાકની તે મારફતે કાયાપલટ કરે. ઊંચા ભાવની તમાકુ પકવે. નવરાશે હૂકો ગડગડાવે. એન્જિનિયર થયેલા પુત્ર છોટુભાઈએ પિતા માટે હૂકો તૈયાર કરતાં કરતાં કહ્યું, ‘બાપુજી! મને ગુજરાત વિદ્યુત બોર્ડની નોકરી મળવાનો કાગળ આવ્યો છે.’
પિતા કહે, ‘સારું થયું, પણ સરકારી નોકરીને ધર્મની નોકરી માનજે. કોઈની લાંચ ન લઈશ અને કોઈના નિસાસા ન લઈશ. ભગવાન હંમેશાં તારી સાથે રહેશે.’
છોટુભાઈ પછીના જમાનામાં સી. એલ. પટેલ તરીકે જાણીતા થયા. નોકરીમાં હંમેશાં સાચું કર્યું. કાયદાનું પાલન કર્યું. કોઈને ધક્કા ન ખવડાવ્યા. કોઈની પાસે લાંચ ન લીધી. વિનામાગ્યે મળેલી ભેટનેય લાંચ ગણીને પાછી વાળતા, એવા એ અણીશુદ્ધ પ્રામાણિક.
1989માં એ ચારુતર વિદ્યામંડળના સહમંત્રી બનીને એચ. એમ. પટેલના હાથ નીચે કામ કરીને ઘડાયા. કામમાં ચીવટ અને નિષ્ઠા. બાપના મહેનતુ સ્વભાવનો વારસો. આથી યશ પામ્યા.
1993ના નવેમ્બરમાં એચ. એમ. પટેલના અવસાન પછી ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી વિજેતા બન્યા અને ત્યારથી છેક 2017 સુધી તેઓ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ બની રહ્યા. ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તરીકે તેમણે ચારુતર વિદ્યામંડળની કાયાપલટ કરી.
અધ્યક્ષ તરીકે તેમને વારસામાં કરોડો રૂપિયાનું દેવું મળ્યું હતું. ભાઈકાકાએ શુભ નિષ્ઠાથી બનાવેલાં કર્મચારીઓનાં મકાનોમાં કેટલાક કર્મચારીઓ જે વર્ષો પૂર્વે મરણ પામ્યા હતા તેમના વારસો રહેતા હતા. કેટલાકે તેવાં મકાનો ભાડે આપ્યાં હતાં. પોતે તેનું ભાડું લેતા. કેટલાક કર્મચારીઓ પોતાને મળેલું મકાન વધારે ભાડું લઈને બીજાને ભાડે આપતા અને પોતે વિદ્યાનગરમાં અન્યત્ર આરામદાયક મકાન બનાવીને રહેતા. આવું જ થયું હતું મંડળની માલિકીના કેટલાક પ્લોટોમાં. તેમાં લોકો ગેરકાયદે દબાણ કરીને ઉપયોગ કરતા હતા. આમ મંડળની કરોડોની મિલકતોનો કબજો મંડળ પાસે નહોતો.
કેટલાંક જૂનાં મકાનો રંગરોગાન અને રિપેરિંગની રાહ જોતાં હતાં. આવા વખતે સી. એલ. પટેલ અધ્યક્ષ બન્યા. તેમણે કુનેહપૂર્વક કામ લઈને સમજાવટથી અને ન સમજે તેવા કેસમાં કોર્ટ મારફતે મોટા ભાગની આવી મિલકતોનો કબજો લઈને મંડળની કરોડો રૂપિયાની મિલકતો બચાવી. મકાનોનું રંગરોગાન અને રિપેરિંગ કરાવીને તેનો કાયાકલ્પ કર્યો. આ માટે સમય જોયા વિના કામ કર્યું.
સી. એલ. પટેલનું અત્યંત મહત્ત્વનું કામ તેમણે કરેલું ન્ય વિદ્યાનગરનું સર્જન. આ ન્યુ વિદ્યાનગરની જમીનો પ્રાપ્ત કરવાનું દુષ્કર કાર્ય એમણે કર્યું. 1944-45માં વલ્લભ વિદ્યાનગર માટે જ્યારે ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબને જમીનો મેળવવાની હતી ત્યારે જમીનોની કિંમત ખૂબ સસ્તી હતી. વળી આમાંની કેટલીયે જમીનોમાં ભેલાણનો ત્રાસ, સિંચાઈની સગવડ નહિ, જમીનમાલિકો બીજે વસતા હોય ત્યારે જમીનની રોકડી કરીને રાજી થાય. આ પછી 70 વર્ષે પરિસ્થિતિ બદલાઈ હતી. છતાં સી. એલ. પટેલ જમીન સંપાદનમાં સફળ રહ્યા અને એક દશકામાં ન્યુ વિદ્યાનગર શૈક્ષણિક પ્રવૃત્તિથી ધમધમતું થયું. તેમણે અદ્યતન છાત્રાલયો સહિત સંખ્યાબંધ નવી કોલેજો ઊભી કરી.
સી. એલ. પટેલે ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના ક્ષેત્રે આગેવાની લીધી. સરકારની કોઈ મદદ વિના સ્વનિર્ભર કોલેજો સ્થાપીને ચલાવવામાં એમનું મહત્ત્વનું પ્રદાન અને આગેવાની છે. ગુજરાતમાં મહિલાઓ માટેની એકમાત્ર અને પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ તેમણે ઊભી કરી.
શિક્ષણમાં એમણે ક્રાંતિકારી ફેરફાર કર્યા. ચીલાચાલુ શિક્ષણને બદલે પલટાતા વિશ્વ સાથે તાલ મિલાવી શકાય અને એ પામીને રોજીરોટી મેળવવામાં સરળતા રહે તેવા શિક્ષણ પર એમણે ભાર મૂક્યો.
ઈ-કોમર્સ, ઈ-સાયન્સ, ઈ-બિઝનેસ, વેલ્યુએશન, ઇન્ડસ્ટ્રિયલ હાઇજીન, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ, બાયો એન્જિનિયરિંગ, બાયો ટેક્નોલોજી, આયુર્વેદ, હોટેલ મોટેલ મેનેજમેન્ટ જેવા વિષયોની અદ્યતન તાલીમ નવા અભિગમ સાથે મળે તેવું ગોઠવ્યું. સિકાર્ટ નામની ખાસ અને બીજે ન હોય તેવી સંસ્થા સ્થાપી.
વલ્લભ વિદ્યાનગરની સ્થાપનામાં ભાઈકાકા અને ભીખાભાઈ સાહેબની જોડી હતી. સરદાર પટેલની હૂંફ હતી. આઝાદી પહેલાંનો અને પછીનાં થોડાં વર્ષનો એ જમાનો. પછીના જમાનામાં એચ. એમ. પટેલ જેવી સમર્થ પ્રતિભાએ એ જવાબદારી ઉપાડી હતી. અહીં
સી. એલ. પટેલે એકલા હાથે કરવાનું હતું.
પૈસા મેળવવા માટે સી. એલ. પટેલે વર્ષો સુધી દર વર્ષે વિદેશપ્રવાસ કર્યા. દાતાઓ મેળવ્યા. પારદર્શક વહીવટથી દાન સુલભ બન્યાં. દેશમાંથી પણ ખૂબ સહકાર મળ્યો. આથી ચારુતર વિદ્યામંડળ આર્થિક રીતે સધ્ધર બન્યું. શરૂમાં પગાર ચૂકવવામાં અનિયમિતતા થતી એને બદલે કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવતા થયા. સરકારી કર્મચારીઓની જેમ મોંઘવારી અને અન્ય ભથ્થાં સરકાર ચૂકવે ત્યારે કેટલીયે વાર તેથીયે પહેલાં ચારુતર વિદ્યામંડળ ચૂકવી દે એવી સ્થિતિ સી.એલ. પટેલે સર્જી. સી.એલ. પટેલે તેમના સમય દરમિયાન મકાન બાંધકામ, જમીન ખરીદી અને રિપેરિંગ, રંગરોગાન, નવા રસ્તા એ બધામાં કરોડો રૂપિયા ખર્ચ્યા. આ પછી આજે મંડળ પાસે 300 કરોડ રૂપિયાની બેન્ક ડિપોઝિટ હોવાનું કહેવાય છે. આમ સી. એલ. પટેલ વહીવટ અને નાણાંના જાદુગર શા હતા!
સમગ્ર ગુજરાતમાં સી. એલ. પટેલનું બીજું એક અગત્યનું કામ આ છે. આતંકવાદપ્રેરિત – પીડિત વિસ્તારના કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓને ચારુતર વિદ્યામંડળના ખર્ચે, વલ્લભ વિદ્યાનગરમાં રહેવા, જમવા, શિક્ષણ ફ્રી અને આવવા-જવાના ખર્ચ સહિત પૂરી વ્યવસ્થા તેમણે કરી. બીજી કોઈ બિનસરકારી સંસ્થાએ ગુજરાતમાં આવું કામ કર્યું હોય તેવું જાણમાં નથી. રાજકારણથી પર રહીને, રાજકીય પક્ષોનાં ટિકિટ પ્રલોભનોથી દૂર રહીને સી. એલ. પટેલે માત્ર શિક્ષણને ખ્યાલમાં રાખીને જ પ્રવૃત્તિ કરી.
સી. એલ. પટેલ નિર્વ્યસની હતા. પ્રમુખસ્વામી અને બીએપીએસમાં અત્યંત શ્રદ્ધા ધરાવતા હતા. પ્રમુખસ્વામી મહારાજને ગુરુ માનીને તેમની સંમતિ લઈને જ અગત્યના નિર્ણય લેતા. ચારુતર વિદ્યામંડળ માટે દેશ-વિદેશમાં ફંડફાળા માટે જાય ત્યારે ખાસ કાળજી રાખતા કે તેમના ફંડફાળાથી બીએપીએસને જરા પણ નુકસાન ના થાય.
અનુપમ મિશને તેમને શાલીન માનવરત્ન એવોર્ડથી સન્માન્યા પછી તેને પગલે પગલે અનેક એવોર્ડ એમને પ્રાપ્ત થયા હતા. વાતવાતમાં કહેતાય ખરા કે, ‘પૂજ્ય પ્રમુખસ્વામી એ જ મારા ગુરુ. એમના શબ્દો મારા માટે જીવનભરની આજ્ઞા. મારું માથું બે જ જણને નમે છે. પ્રમુખસ્વામીને અને અનુપમ મિશનના જશભાઈ સાહેબને!’
નૂતન વિદ્યાનગરના વિશ્વકર્મા સી. એલ. પટેલે ચારુતર વિદ્યામંડળ માટે કરોડો રૂપિયા ભેગા કર્યા. તેમનાં પુત્ર, પુત્રીઓએ ભેગા મળીને કેટલાક કરોડ રૂપિયા ચારુતર વિદ્યામંડળને દાનમાં આપ્યા. કરોડોનાં દાન કરનાર સી. એલ. પટેલે પોતાને દેહનુંય દાન કરીને અંતે 27મી મે, 2018ના રોજ કીર્તિશેષ બની રહ્યા!

લેખક અમેરિકાસ્થિત સાહિત્યકાર છે.