ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શશી કપૂર-શ્રીદેવીની ફિલ્મો દર્શાવાશે


સન 2018 ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (એનવાયઆઇએફએફ)માં બોલીવુડના બે મહાન કલાકારો શશી કપૂર અને શ્રીદેવીના માનમાં યાદગીરીરૂપે શ્રદ્ધાંજલિ અર્પશે. શશી કપૂરનું ડિસેમ્બર, 2017માં અવસાન થયું હતું, જ્યારે અભિનેત્રી શ્રીદેવીનું તાજેતરમાં બાથટબમાં ડૂબી જવાથી નિધન થયું હતું, જેના કારણે બોલીવુડને ભારે આંચકો લાગ્યો હતો.
શશી કપૂરના માનમાં ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની હોલીવુડની બે ફિલ્મો ‘શેક્સપિયર વાલ્લાહ’ અને ‘હિટ એન્ડ ડસ્ટ’ રજૂ કરાશે, જ્યારે શ્રીદેવીની 2012ની કમબેક ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ તેમના માનમાં સ્ક્રીન પર દર્શાવવામાં આવશે.
ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના ડિરક્ટર અને પુસ્તક ‘શશી કપૂરઃ ધ હાઉસહોલ્ડર, ધ સ્ટાર’ના લેખક અસીમ છાબરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શશી કપૂર બોલીવુડના મહાન અભિનેતાઓમાંના એક છે, જેમણે હિન્દી સિનેમા, થિયેટર, નાના બજેટની આર્ટ ફિલ્મોમાં અભિનય આપ્યો છે.
‘ઇંગ્લિશ વિંગ્લિશ’ની એકેડેમી એવોર્ડ્સ માટે બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મકેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી, જેણે વિવિધ આંતરરાષ્ટ્રીય મહોત્સવોમાં નામના મેળવી હતી અને શ્રીદેવીને ‘ભારતની મેરિલ સ્ટ્રિપ’ તરીકે બિરુદ આપવામાં આવ્યું હતું. ફેસ્ટિવલમાં શ્રીદેવીની ઓટોબાયોગ્રાફી પણ રજૂ થશે.
ફેસ્ટિવલનો પ્રારંભ રવિ જાધવની મરાઠી ભાષાની ફિલ્મ ‘ન્યુડ’ના યુએસ પ્રીમિયરથી થશે. આ ફેસ્ટિવલ મેનહટનના લોઅર ઈસ્ટ સાઇડમાં વિલેજ ઈસ્ટ સિનેમાઝમાં સાતમીથી બારમી મે દરમિયાન યોજાશે તેમ ફેસ્ટિવલના ફાઉન્ડર અરુણ શિવદાસાનીએ જણાવ્યું હતું.