
ન્યુ યોર્કઃ ન્યુ યોર્કસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા વિવિધ પુસ્તકાલયોને હજારો પુસ્તકોની ભેટ આપવામાં આવશેે. ન્યુ યોર્કમાં આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા બફેલો અને એરી કાઉન્ટી પબ્લિક લાઇબ્રેરીને ભારત વિશેનાં હજારો પુસ્તકો ભેટમાં આપવામાં આવશે. 12મી મેએ આ અંગે જાહેરાત કરાશે. આ માટે સ્થાનિક ભારતીય-અમેરિકન સ્વયંસેવકો કલેક્શન તૈયાર કરવા માટે મદદ કરી રહ્યા છે. ‘ધ ઇન્ડિયા કલેક્શન’માં 1500 પુસ્તકો છે, જે ભારતની વિવિધ ભાષાઓ, જેવી કે તમિળ, કન્નડ, મલયાલમ, પંજાબી, તેલુગુ, મરાઠી, ઉર્દૂ, હિન્દી ભાષાઓમાં છે તેમ લાઇબ્રેરીએ 23મીએ જાહેરાત કરી હતી. આ પુસ્તકોમાં મોહનદાસ કરમચંદ ગાંધી, આત્મકથાઓ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો સમાવેશ થાય છે. ઇન્ડિયા એસોસિયેશન ઓફ બફેલોના સ્થાનિક સભ્યો પુસ્તકની પસંદગી અને ભાષાંતર માટે મદદ કરી રહ્યા છે. ઇન્ડિયા એસોસિયેશન ઓફ બફેલોના પ્રેસિડન્ટ અને કાઉન્સિલ ફોર હેરિટેજ એન્ડ આર્ટ્સ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર-ડિરેક્ટર સીબુ નાયરે આ બુક પ્રોજેક્ટને વાસ્તવિક સ્વરૂપ આપવામાં મદદ કરી હતી.
પુસ્તકોના આ કલેકશનને એમહર્સ્ટ પબ્લિક લાઇબ્રેરી (ઓડુબોન), ક્લેરન્સ પબ્લિક લાઇબ્રેરી, ડાઉનડાઉન સેન્ટ્રલ લાઇબ્રેરી, બફેલોમાં માણી શકાશે.