
ન્યુ યોર્કઃ ન્યુ યોર્કસ્થિત ભારતીય દૂતાવાસમાં બીજી મેએ ગુજરાતના 58મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન (એફઆઇએ) ઓફ ટ્રાય સ્ટેટ દ્વારા આયોજિત આ ઉજવણી સમારંભમાં ટ્રાયસ્ટેટની અનેકવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ સમારંભમાં 200થી વધુ મહાનુભાવો અને નાગરિકો જોડાયા હતા.
આ સમારંભમાં ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી અને પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન ડો. સુધીર પરીખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઓમકારા, ગુજરાતી સમાજ ઓફ ન્યુ યોર્ક, ગુજરાતી સમાજ ઓફ બાલ્ટિમોર અને વૈષ્ણવ પરિવાર ઓફ કનેક્કિટના સભ્યો પણ હાજર રહ્યા હતા.

સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ગુજરાત એવું રાજ્ય છે કે આપણા દેશને પ્રેરણા આપે છે, જે ભારતમાં ઘણી બાબતોને પણ પ્રેરણા આપે છે. ગુજરાતની સ્થાપના પહેલી મે, 1960ના રોજ થઈ હતી. તેમણે ગુજરાતની કલા, સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસાને બિરદાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ગુજરાતના સ્થાપના દિવસની ઉજણીની સાથે સાથે આપણે ભારતની એકતા, વૈવિધ્ય અને સાંસ્કૃતિક વારસાની પણ ઉજવણી કરીએ છીએ.
ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે પહેલી મે ગુજરાત દિવસ ઉપરાંત ઇન્ટરનેશનલ લેબર ડે પણ છે. ગુજરાતીઓ દુનિયાભરમાં તેમની ઉદ્યોગ-સાહસિકતા અને સખત મહેનત માટે જાણીતાં છે. મને ગૌરવ અને આનંદ થાય છે કે ગુજરાતના સ્થાપક ઇન્દુલાલ યાજ્ઞિકે ગુજરાત ચળવળની શરૂઆત મારા વતન નડિયાદથી કરી હતી.
ડાયસ્પોરા દ્વારા ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાને જાળવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેને ડો. પરીખે બિરદાવ્યા હતા.
આ સમારંભમાં ડો. સુધીર પરીખને તેમણે ગુજરાતી સમુદાયને આપેલા માતબર પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
એર ઇન્ડિયાએ તાજેતરમાં નેવાર્કથી અમદાવાદની નવી ફ્લાઇટ શરૂ કરી હતી, જેને ગુજરાતી સમુદાયે આનંદની લાગણી સાથે વધાવી હતી. આ પ્રસંગે એર ઇન્ડિયાના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા.


સમારંભમાં ગુરુકાલ ક્રોનિકલ્સનાં રાધિકા મેગાનાથન દ્વારા મહાભારત વિશે લિખિત પુસ્તકનું લોકાર્પણ કરાયું હતું.
પ્રવચન આપનારા મહાનુભાવોમાં એફઆઇએના ચેરમેન રમેશ પટેલ, એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખ, ગુજરાતના ભાજપના યોગેશ પટેલ, ઓમકારાના ચેરમેન પિનાકિન પાઠક, ગુજરાત સમાજ ઓફ ન્યુ યોર્કના વિષ્ણુભાઈ પટેલ, વૈષ્ણવ પરિવાર ઓફ કનેક્ટિકટના રાજીવ દેસાઈ, ગુજરાતી સમાજ ઓફ બાલ્ટિમોરના રૂપલ શાહ, ઇન્ડિયન પરફોર્મિંગ આર્ટ સેન્ટરનાં સ્મિતા મિકી પટેલનો સમાવેેશ થતો હતો.
ઇન્ડિયન પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટરનાં ડાન્સરો ફોરમ શાહ અને ઉમેશ ભટ્ટ દ્વારા પરફોર્મન્સ રજૂ થયું હતું. રાજભોગ ફૂડ્સ દ્વારા ડિનરની વ્યવસ્થા થઈ હતી.
