ન્યુ યોર્કમાં ‘વન વર્લ્ડ અંડર ગોડ’ શીર્ષક ધરાવતી ઇન્ટરફેઇથ જર્નલ લોન્ચ


22મી જુલાઇએ ન્યુયોર્કમાં હિક્સવિલેમાં વન વર્લ્ડ અંડર ગોડ વિશે યોજાયેલા પરિસંવાદમાં લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ પરીખ વર્લ્ડવાઇડ મીડીયાના ફાઉન્ડર-ચેરમેન ડો. સુધીર પરીખને પ્રદાન કરવામાં આવ્યો હતો. તસવીરમાં (ડાબે) ઓસ્ટર બે ટાઉનના સુપરવાઇઝર જોસેફ સેલાડીનો અને (જમણે) ઉદ્યોગસાહસિક દર્શન સિંહ બગ્ગા નજરે પડે છે.

ઇન્ટરફેઇથ મીટમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો નવા લોન્ચ થયેલા ઇન્ટરફેઇથ પબ્લિકેશન અને ગોલ્ડન ટેમ્પલની તસવીર સાથે નજરે પડે છે.

ન્યુ યોર્કઃ ન્યુ યોર્કના હિક્સવિલેમાં આયોજિત સમારંભ દરમિયાન વન વર્લ્ડ અંડર ગોડ શીર્ષક ધરાવતી ઇન્ટરફેઇથ જર્નલ લોન્ચ કરવામાં આવી હતી. આ સમારંભમાં છ મુખ્ય વૈશ્વિક ધર્મના વક્તાઓએ તેઓનો ધર્મ સ્વતંત્રતાની ઘોષણામાં નિશ્ચિત થયા મુજબ અમેરિકાના સ્થાપિત સિદ્ધાંતોને કેવી રીતે સમર્થન આપે છે અને તેનું અમલીકરણ કરે છે તે વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
આ જર્નલ આ પ્રકારની સાઉથ એશિયન કોમ્યુનિટી તરફથી પ્રકાશિત કરવામાં આવેલું પ્રથમ પ્રકાશન હતું. આ જર્નલનું પ્રકાશન લોન્ગ આઇલેન્ડના ઇન્વેસ્ટર-બિલ્ડર દર્શન સિંહ બગ્ગા દ્વારા નેતૃત્વશીલ ગ્લોબલ ઇન્ટરફેઇથ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ જર્નલ બગ્ગા પ્લાઝા ટુમાં રિલીઝ થઈ હતી, જેનું ઉદ્ઘાટન ત્યાર પછી કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં 125થી વધારે મહેમાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઓસ્ટર બે ટાઉનના સુપરવાઇઝર જોસેફ સેલાડીનો, હિક્સવિલે લેજિસ્લેટર રોસ વોકર, પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ, એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખ, એઆઇએ-એનવાયના પ્રેસિડન્ટ ગોવિંદ મુંજાલનો સમાવેશ થતો હતો.
સમાજ પ્રત્યે પ્રદાન આપવા બદલ ડો. સુધીર પરીખને લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ડો. સુધીર પરીખે એવોર્ડ સ્વીકારતાં પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે અમેરિકા આજે સંઘર્ષ અને ટકરાવના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. આથી આપણે આ પ્રકારના વધારે ઇન્ટરફેઇથ કાર્યક્રમો યોજવાની જરૂર છે.
ધ ગ્લોબલ ઇન્ટરફેઇથ ફાઉન્ડેશન અને વન વર્લ્ડ અંડર ગોડનું સંપાદન પવન ચોપરા દ્વારા કરવામાં આવ્યું છે જે સામાજિક સંવાદિતા અને વૈશ્વિક શાંતિને ઉત્તેજન આપવા માટે અન્યોના વિવિધ ધર્મો વિશે પ્રજામાં જાગૃતિ સર્જવાનો હેતુ ધરાવે છે.
આ સમારંભમાં સંબોધન કરનારા વક્તાઓમાં પ્રો. આઇ. જે. સિંહ (એનવાયયુના પ્રોફેસર, એમિરેટ્સ) દ્વારા શીખ ધર્મ વિશે, ડો. યુસુફ સઇદ (સેલડેન મોસ્કના ટ્રસ્ટી)એ ઇસ્લામ ધર્મ વિશે, રવિ વૈદ્યનાથ (ગણેશ મંદિરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર)એ હિન્દુ ધર્મ વિશે, શૈલેન્દ્ર પાલવિયા (એલઆઇયુ પોસ્ટના પ્રોફેસર)એ જૈન ધર્મ વિશે, રાબ્બી યિશાક હસેઈને જુડેઈ ધર્મ વિશે પ્રવચનો આપ્યાં હતાં.
આ સમારંભમાં બગ્ગાએ ઉચ્ચ અભ્યાસ માટે હિક્સવિલે હાઈ સ્કૂલના સાત સ્નાતક વિદ્યાર્થીઓને પ્રત્યેકને બે હજાર ડોલરની સ્કોલરશિપ આપી હતી. સમારંભમાં અમેરિકાના 242મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ હતી અને શીખ ધર્મગુરુ ગુરુ ગોવિંદ સિંહની 350મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.