ન્યુ યોર્કમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત યોગા ક્રૂઝ


ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાડી યોગા ક્રૂઝને ફલેગ ઓફ કરી રહ્યા છે. (જમણે) યોગા ક્રૂઝમાં વર્કશોપમાં ઉપસ્થિત મહેમાનો.

ન્યુ યોર્કઃ 2018માં ઇન્ટરનેશનલ યોગા ડે અગાઉ ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા ત્રીજી જૂને યોગા ક્રૂઝનું આયોજન વેજિટેરિયન વિઝન અને મલ્લખંભ ફેડરેશન યુએસએના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.
આ ક્રૂઝ યોગાની થીમ પર તૈયાર કરાયું હતું, જેમાં 400થી વધુ નાગરિકો હાજર રહ્યા હતા. સ્ટેટ ઓફ ધ આર્ટ યાટને ‘સ્કાયલાઇન પ્રિન્સેસ’ નામ આપવામાં આવ્યું હતું, જેમાં ત્રણ અલગ ડેક હતી, જેમાં 450 વ્યક્તિને સમાવતી ઇનડોર-આઉટડોર સ્પેસ હતી.
યોગા સંબંધિત વાતચીતો, ચર્ચાઓ, પ્રવચનો વારાફરતી વિવિધ ડેકમાં યોજાયા હતા, જેનો આનંદ મહેમાનોએ માણ્યો હતો.
ક્રૂઝમાં યોગા નિદર્શન, મલ્લખંભ ફેડરેશન યુએસએ દ્વારા વિવિધ પરફોર્મન્સ, પૂનમ ગુપ્તા દ્વારા લાફટર યોગા વિશે ઇનોવેટિવ સેશનનો સમાવેશ થતો હતો.
કોન્સ્યુલેટના ભારતીય સંસ્કૃતિ વિશેના ઇનહાઉસ ટીચર ડો. દયાશંકર વિદ્યાલંકારે વિવિધ યોગા મુદ્રાઓ વિશે ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તીએ વિવિધ રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાડી યોગા ક્રૂઝને ફ્લેગ ઓફ આપી હતી.