ન્યુ યોર્કમાં દસ હજારથી વધુ મોત ઃ યુરોપમાં ચેપગ્રસ્તની સંખ્યા ૧૦ લાખ, વિશ્વમાં ૨૦ લાખ

 

ન્યુ યોર્ક, લંડનઃ એકલા ન્યુ યોર્ક શહેરમાં કોરોનાથી મોતની સંખ્યા દસ હજારને પાર થઈ ગઈ છે. જોકે આ દસ હજારમાં ૩૭૦૦ એવા પણ સામેલ છે, જેમના ટેસ્ટ થયા ન હતા. કોરોના શરૂ થયા પછી આ લોકોના મૃત્યુ થયા હતા અને લક્ષણોના આધારે કોરોનાથી મૃત્યુ પામેલા ધારી લેવાયા છે. ન્યુ યોર્ક શહેર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. ન્યુ યોર્કના મેયર બિલ બ્લાસિઓએ કહ્યું હતું કે આ મહામારીથી એકલા શહેરને પાંચથી ૧૦ અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. દરમિયાન સમગ્ર દુનિયામાં કોરોનાના ચેપીની સંખ્યા ૨૦ લાખ ઉપર પહોંચી છે, જેમાંથી એકલા યુરોપમાં ૧૦ લાખથી વધારે કેસ છે.

સમગ્ર અમેરિકામાં કેસની સંખ્યા છ લાખને પાર પહોંચી છે, જ્યારે મૃત્યુ ૨૬ હજારથી વધારે નોંધાયા છે. યુરોપમાં સૌથી વધુ કેસ સ્પેનમાં છે. સ્પેનમાં પોણા બે લાખ લોકો સંક્રમિત થયા છે, જ્યારે ત્યાં મૃત્યુ ૧૮,૫૦૦ થયા છે. ઈટાલીમાં ૧.૬૨ લાખ કેસ અને ૨૧,૦૦૦ મોત, ફ્રાન્સમાં ૧.૪૩ લાખ કેસ અને ૧૫,૦૦૦ મોત, જર્મનીમાં ૧.૩૨ લાખ કેસ અને ૩૫૦૦થી વધુ મોત નોંધાયા છે. બ્રિટનમાં હજુ એક લાખ સુધી આંકડો પહોંચ્યો નથી. ત્યાં અત્યારે ૯૯,૦૦૦થી ઓછા કેસ અને ૧૩,૦૦૦ જેટલા મોત નોંધાયા છે.

સમગ્ર દુનિયામાં કુલ ૨૩ દેશો એવા છે, જ્યાં કેસોની સંખ્યા ૧૦,૦૦૦થી વધારે થઈ છે. એમાં પણ વળી એક લાખથી વધુ કેસ હોય એવા છ દેશો નોંધાયા છે. યુરોપિયન સંઘના ૨૭ દેશોની બેઠક યોજાઈ હતી, જેમાં યુરોપને ફરીથી ધમધમતું કરવા અંગે ચર્ચા થઈ હતી. યુરોપમાં અત્યાર સુધીમાં ૮૦ હજારથી વધારે મોત થયા છે. બીજી તરફ ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, ચેક રિપબ્લિક વગેરે દેશોએ આંશિક કે પૂર્ણ લોકડાઉન ખોલી નાખ્યા છે.

બીજી તરફ ચીનમાં જીવન રાબેતા મુજબ શરૂ થવા લાગ્યું છે. કોરોના વખતે અહીં વુહાનમાં ગણતરીના દિવસોમાં જંગી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી. સરકારે હવે એ હોસ્પિટલ વિખેરી નાખી છે.

ભારતે બ્રિટન માટે રવાના કરેલી ૨૮ લાખ પેરાસિટામોલનો જથ્થો લંડન પહોંચી ગયો હતો. મુશ્કેલીના સમયમાં ભારત તરફથી મળેલી આ મદદ બદલ બ્રિટીશ સરકારે ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. કોરોનાના ચેપના કિસ્સામાં જે કેટલીક દવાઓ કામ લાગી શકે એમ છે, તેમાં પેરાસિટામોલનો પણ સમાવેશ થાય છે. અલબત્ત, એ દવા વાપરવી કે ન વાપરવી એ ડોક્ટર તપાસ કર્યા પછી જ નક્કી કરી શકે છે. પરંતુ બ્રિટન પાસે તેનો જથ્થો ન હોવાથી ભારત પાસેથી મંગાવ્યો હતો.

કોરોના વાઈરસને કારણે વિશ્વભરમાં પરિવહન ઠપ્પ થયું છે. દુનિયાના સૌથી ગરીબ દેશો આફ્રિકા ખંડમાં  છે. એ પૈકીના કેટલાક દેશો તો નિયમિત રીતે મળતી વિદેશી સહાય પર જ આધારીત છે. વર્લ્ડ ફૂડ ઓર્ગેનાઈઝેશન (એફએઓ)એ જણાવ્યું હતુ કે કોરોનાની નાકાબંધીને કારણે આફ્રિકાના દેશોને મળતું અન્ન અટકી પડયું છે. ઝિમ્બાબ્વે, કેન્યા, સુદાન, મોઝામ્બિક, માલાવી, સોમાલિયા વગેરે દેશો વૈશ્વિક નાકાબંધીના પરિણામ ભોગવી રહ્યાં છે.

કોરોનાની ટેસ્ટ કરવાની ક્ષમતા પાકિસ્તાન પાસે મર્યાદિત છે. આખા દેશમાં અઢી લાખ લોકોએ વિવિધ હોસ્પિટલોમાં ટેસ્ટ માટે નામાંકન કર્યું હતુ. પરંતુ સરકારે તેમાંથી પોણા બે લાખ દરદીઓને ટેસ્ટની જરૂર નથી એમ કહીને ઘરે મોકલી દીધા હતા. પાકિસ્તાને અત્યાર સુધીમાં પોણો લાખ ટેસ્ટ કર્યા છે અને તેમાંથી ૬,૦૦૦ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. પાકિસ્તાન સરકારે જણાવ્યું હતું કે જે લોકોને ટેસ્ટની ના પાડી એ નક્કી થયેલા માપદંડોમાં ફીટ નથી થતા.