ન્યુ યોર્કમાં ગોવાના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપતી ગોવા સરકાર

ગોવાનીઝ ડાન્સ દરમિયાન સુરતી પરફોર્મન્સ આર્ટ્સના અશ્વિન કુમાર અને આલીશા દેસાઈ નજરે પડે છે. (જમણે) ગોવાના પ્રવાસન અને રમતગમતમંત્રી મનોહર આઝગાંવકર.

ન્યુ યોર્કઃ તાજેતરમાં ગોવા સરકાર દ્વારા ન્યુ યોર્કમાં મેરિયોટ માર્કવીસમાં ગોવાના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ પછી કોકટેલ અને ડિનરનું આયોજન થયું હતું.
ગોવાના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેની એક બેઠક યોજાઈ હતી, જેની આગેવાની ગોવાના ટુરીઝમ અને સ્પોર્ટ્સ મંત્રી મનોહર ટી. આઝગાંવકર, ગોવાના ચીફ સેક્રટેરી ધર્મેન્દ્ર શર્મા અને ગોવાના ડેપ્યુટી ડિરેક્ટર ટુરીઝમ રાજેશ કાળે ઉપસ્થિત રહ્યા હતા. આઝગાંવકરે જણાવ્યું હતું કે તેમની ન્યુ યોર્કની મુલાકાતનો મુખ્ય હેતુ ગોવાને દુનિયાભરમાં પ્રમોટ કરવાનો છે. ગોવા પોતાના કુદરતી સૌંદર્ય, મંદિરો, ચર્ચો, અન્ય ઘણા બધા પ્રવાસન સ્થળો માટે લોકપ્રિય છે. ગોવા ભગવાને દુનિયાને માનવજાતને આપેલી ભેટ છે.
તેમણે જણાવ્યું હતું કે આજે અમારો મુખ્ય હેતુ એ છે કે ન્યુ યોર્કના નાગરિકો ગોવાના પ્રવાસે આવે. અમે ન્યુ યોર્કના નાગરિકોને અમારા ગોવા સ્ટેટની મુલાકાત લેવાનું આમંત્રણ આપીએ છીએ. ગોવાની મુલાકાતે આવેલો કોઈ પણ પ્રવાસી સંપૂર્ણ આત્મસંતોષ સાથે ઘરે પાછો જાય છે.
શર્માએ જણાવ્યું હતું કે હાલમાં ગોવા જવું ખૂબ જ સરળ છે. બે નવાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તાજેતરમાં જ બંધાયેલાં છે. ગોવામાં અગ્રણી અમેરિકન હોટેલો આવેલી છે. મોટા ભાગનું ગોવા ધોરીમાર્ગ સાથે જોડાયેલું છે. ગોવા દુનિયાભરનાં મુખ્ય મોટાં શહેરો સાથે જોડાયેલું છે.
ગોવા ભારતનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં ગેમ્બલિંગ કાયદેસર છે. જ્યારે દુનિયા સૂતેલી હોય છે ત્યારે વિખ્યાત ડિસ્કોમાં પાર્ટી થકી ગોવા જાગતું હોય છે, જેમાં ટીટો’ઝ બાગા, પાર્ટી ઝોન હોલીડે ઇન, આડેગા કેમિયોન્સ તાજ એક્ઝોટિકા, ટ્રીઝર્સ મરોરડાનો સમાવેશ થાય છે. ગોવા પોતાના દરિયાકિનારા-વિવિધ બીચ માટે જગવિખ્યાત છે.
આ કાર્યક્રમનું આયોજન મહારાજા હોલીડેઝના અનીસ ખાન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ નાગરિકો હાજર રહ્યા હતા. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ-ટ્રાય સ્ટેટના એન્ડી ભાટિયા અને સ્થાનિક સ્તરે ગોવાનું પ્રતિનિધિત્વ કરતા ડેવિડ રોઝારિયો પણ આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા.