ન્યુ જર્સી ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીતતી ‘હાફ વિન્ડો’


ન્યુ જર્સી ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના ફાઉન્ડર અને ફેસ્ટિવલ ડિરેક્ટર હેમંત પંડ્યા ફેસ્ટિવલની માહિતી આપી રહ્યા છે. (જમણે) ફેસ્ટિવલમાં પ્રવચન આપતા પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ.

ન્યુ જર્સીઃ ઓડિબલ દ્વારા આયોજિત ન્યુ જર્સી ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ હાફ વિન્ડોને મળ્યો હતો. ફિલ્મમેકર ડેનિસ રેન્ઝુએ આ જ ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મેળવ્યો હતો.
ફેસ્ટિવલમાં બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ ફ્રાન્સના ડેસાલોસ ઇસાબેલાની ધ સ્નેગને મળ્યો હતો.
ફિલ્મમેકર પ્રકાશ ઝાને જુસ્તજુમાં તેમના પરફોર્મન્સ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે શોર્ટ ફિલ્મ કેટેગરીમાં સયાની ગુપ્તાને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
ફીચર ફિલ્મની કેટેગરીમાં ટીકલી અને લક્ષ્મી બોમ્બની અભિનેત્રી ચિત્રાંગદા ચક્રવર્તીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. વિશ્વાને સાલાઈમાં પરફોર્મન્સ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
માધુરી દીક્ષિત નેનેની મરાઠી ફિલ્મ બકેટ લિસ્ટએ ફેસ્ટિવલમાં દર્શકો દ્વારા પ્રશંસા મેળવી હતી.
ફેસ્ટિવલની પ્રથમ રાતે અમેરિકા, કેનેડા અને ભારતથી આવેલા ફિલ્મમેકરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ન્યુ જર્સી ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર હેમંત પંડ્યાએ જણાવ્યું હતું કે જ્યારે હું સ્વતંત્રપણે ફિલ્મો બનાવતો હોઉં છું ત્યારે મને ખબર હોય છે કે દર્શકો સુધી પહોંચવું ખૂબ જ અઘરું બને છે અને ડિસ્ટ્રિબ્યુટર મેળવવા એ તો તેનાથી પણ વધુ અઘરું હોય છે.
આ ફેસ્ટિવલને એર ઇન્ડિયા, ફાર્મર્સ ઇન્શ્યોરન્સ, અમોઘ એલએલસી, રાનેઝ ડેન્ટલ, મોન્ટેસરી કનેક્શન, અમોઘ લર્નિંગ સેન્ટર, ન્યુ યોર્ક લાઇફ, રેડિસન હોટેલ – પિસ્કાટવે, એનજે એલર્જી એન્ડ અસ્થમા કેર, અમેરિકન ઇનિ્સ્ટટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને ફ્રાઇડે ફિલ્મ્સનો સહયોગ મળ્યો હતો.