ન્યુ જર્સી ઇન્ડિયન ફિઝિશિયન્સ એસોસિયેશન્સ દ્વારા ત્રણ ફિઝિશિયનો સન્માનિત

????????????????????????????????????
ન્યુ જર્સીના વ્હીપનીમાં ધ ન્યુ જર્સી ઇન્ડિયન ફિઝિશિયન્સ એસોસિયેશન દ્વારા સાતમી એપ્રિલે ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઉજવણી નિમિત્તે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર (ડાબેથી પાંચમા) પદ્મશ્રી ડો. સુધીર પરીખનું સન્માન કરવામાં આવ્યું હતું. તસવીરમાં (ડાબેથી) ડો. સંજય જૈન, આનંદ સાહુ, પ્રણવ વૈદ્ય, ડો. સુધીર પરીખ, વીરેન્દ્ર શેઠી, ચિત્રા કુમાર, સીમા જૈન અને થોમસ અલાપટ્ટ નજરે પડે છે

ન્યુ જર્સીઃ ન્યુ જર્સીના વ્હીપનીમાં ધ ન્યુ જર્સી ઇન્ડિયન ફિઝિશિયન્સ એસોસિયેશન દ્વારા સાતમી એપ્રિલે ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઉજવણી નિમિત્તે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન આયોજિત આ સમારંભમાં રટગર્સ મેડિકલ સ્કૂલ દ્વારા યોજાયેલો કન્ટિન્યુઇંગ મેડિકલ એજ્યુકેશન સેમિનાર, બિઝનેસ મિટિંગ, એવોર્ડ્સ એનાયત સમારંભ, બોલીવુડના ગાયક સંદીપ બત્રા દ્વારા મનોરંજનનો સમાવેશ થતો હતો.
નોર્ધર્ન ન્યુ જર્સીમાં ઇન્ટરનલ મેડિસિન પ્રેક્ટિશનર અને ન્યુ જર્સી ઇન્ડિયન ફિઝિશિયન્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ ડો. સંજય જૈનના જણાવ્યા મુજબ ન્યુ જર્સી સ્ટેટમાં ભારતીય મૂળના 6000થી વધુ ફિઝિશિયનો છે.
હેનોવેર મેરિયોટમાં આયોજિત સમારંભમાં 350થી વધુ ફિઝિશિયનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ‘ગુજરાત ટાઇમ્સ’ના ચેરમેન-પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખનો સમાવેશ થતો હતો.
ડો. સંજય જૈને જણાવ્યું હતું કે અગ્રણી ફિઝિશિયનોએ દર્દીઓ અને સમુદાય પ્રત્યે આપેલી તેઓની સમર્પિત-પ્રતિબદ્ધ સેવાઓની ઉજવણી કરવા તેમ જ તેઓની શિક્ષણ-ક્લિનિકલ સેવાઓ-સિદ્ધિઓ બદલ સન્માનિત કરવા આવ્યા હતા.
પોતાના પ્રવચન દરિમયાન ડો. જૈને આરોગ્યક્ષેત્રે પડકારો વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે ફિઝિશિયનો માટે ચિંતાજનક બાબત છે કે મેડિકલ કેરનું ભાવિ જોઇન્ટ વેન્ચર્સ અથવા ફાર્મસી-ઇન્શ્યુરન્સ કંપનીઓના હાથમાં હશે. તેમણે એઇટીએનએ અને સીવીએસ ફાર્મસી વચ્ચે મર્જર, વોલમાર્ટ અને હુમાના મર્જર, ઓપ્ટન ઓફ યુનાઇટેડ હેલ્થ સિસ્ટમ સાથે વોલગ્રીન્સનું મર્જરનાં ઉદાહરણો આપ્યાં હતાં.
આ વર્ષની શરૂઆતમાં ડો. સુધીર પરીખને ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વપ્રતિભા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. સુધીર પરીખે સમારંભમાં ધ ન્યુ જર્સી ઇન્ડિયન ફિઝિશિયન્સ એસોસિયેશનની પ્રશંસા કરી છે, જે 20થી વધુ વર્ષથી અસ્તિત્વમાં છે. તેમણે એસોસિયેશનની વર્તમાન નેતાગીરીને આ સારી કામગીરી ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો.

. ન્યુજર્સીના વ્હીપનીમાં ધ ન્યુ જર્સી ઇન્ડીયન ફિઝિશિયન્સ એસોસિયેશન દ્વારા સાતમી એપ્રિલે ‘નેશનલ ડોકટર્સ ડે’ની ઉજવણી નિમિત્તે ત્રણ ડોકટરોને એજયુકેશન-પેશન્ટ કેરમાં તેઓની સિદ્ધિઓ માટે સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં ડો. લિન્ડા ગિલિયમ (ડાબેથી ચોથા), ડો. પૌલ ઓવેન્સ (ડાબેથી પાંચમા), ડો. રવીન્દ્ર કર્ણમ (જમણેથી ચોથા)નો સમાવેશ થતો હતો. તસવીરમાં (ડાબેથી) ટીમ હોગડે, ડો. સંજય જૈન, રૂપેન પટેલ, ડો. સીમા જૈન, ચિત્રા કુમાર અને થોમસ અલાપટ્ટનો સમાવેશ થાય છે.

બોર્ડ ઓફ ટ્રસ્ટીઝનાં ચેર ડો. સીમા જૈને મહેમાનોને આવકાર આપ્યો હતો. ધ ન્યુ જર્સી ઇન્ડિયન ફિઝિશિયન્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ ડો. થોમસ અલાપટ્ટે સંસ્થાની કામગીરીની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે લગભગ બે હેલ્થફેર, મહિનાના દર ત્રીજા શુક્રવારે એજ્યુકેશન સેમિનાર યોજવામાં આવે છે. આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ મેડિસિન એન્ડ ડેન્ટિસ્ટ્રી ઓફ ન્યુ જર્સીમાં રેસિડેન્સી પૂર્ણ કરનાર બેસ્ટ ઇન્ડિયન રેસિડન્ટનું સન્માન કરવામાં આવે છે.
સમારંભમાં ત્રણ ફિઝિશિયનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. 1. ડો. પૌલ ઓવેન્સ (સીએમઓ, ન્યુટન હોસ્પિટલ-એટલાન્ટિક હેલ્થ સિસ્ટમ)-2018 ધ ન્યુ જર્સી ઇન્ડિયન ફિઝિશિયન્સ એસોસિયેશન એવોર્ડ. આ એવોર્ડ 25થી વધુ વર્ષ માટે સમર્પિત સેવા બદલ તેમને એનાયત થયો હતો. 2. ડો. લીન્ડા ગિલિયમ (એટલાન્ટિક હેલ્થ સિસ્ટમમાં કાર્ડિયોવાસ્કયુલર મેડિસિનના ચેર અને અમેરિકન સોસાયટી ઓફ ઇકોકાર્ડિયોગ્રાફીના પાસ્ટ પ્રેસિડન્ટ) 2018 ધ ન્યુ જર્સી ઇન્ડિયન ફિઝિશિયન્સ એસોસિયેશન એવોર્ડ. આ એવોર્ડ શૈક્ષણિક સિદ્ધિઓ અને નેતૃત્વ બદલ પ્રદાન થયો હતો.
ડો. રવીન્દ્ર કર્ણમ (નેવાર્કની બેથ ઇઝરાયલ હોસ્પિટલમાં કાર્ડિયા સર્જન) 2018 ધ ન્યુ જર્સી ઇન્ડિયન ફિઝિશિયન્સ એસોસિયેશન એવોર્ડ ફોર એક્સેલન્સ. આ એવોર્ડ ક્લિનિકલ સર્વિસીસ અને કોમ્યુનિટી સર્વિસીસ માટે પ્રદાન થયો હતો.
ન્યુ જર્સી ઇન્ડિયન ફિઝિશિયન્સ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાતી આ સંસ્થાની વેબસાઇટના જણાવ્યા મુજબ તેમનો હેતુ ભારતીય અમેરિકન ફિઝિશિયનોના ફોરમને એકઠા કરવાનો અને એકબીજાને સહાયરૂપ થવાનો છે, જેથી તેઓ બેસ્ટ પેશન્ટ કેર-ટીચિંગ-રિસર્ચનો લાભ લઈ શકે અને સમુદાયને મદદરૂપ થઈ શકે.