ન્યુ જર્સીસ્થિત નવ વર્ષની આશિતા જોશી રોલર સ્કેટિંગ ચેમ્પિયન

એડિસન (ન્યુ જર્સી)ઃ ન્યુ જર્સીમાં એડિસનમાં વસતી નવ વર્ષની વયની ભારતીય-અમેરિકન આશિતા જોશીએ તાજેતરમાં જાન્યુઆરીમાં અમેરિકાઝ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેણે સન 2015થી ઘણી બધી રોલર સ્કેટિંગ ટુર્નામેન્ટોમાં ઘણાબધા મેડલ જીત્યા છે.
ટીમ યુએસએ વેબસાઇટના જણાવ્યા મુજબ, અમેરિકાઝ કપ યુએસએ રોલર સ્પોર્ટ્સ છે જેનું આયોજન અમેરિકામાં સ્પર્ધાત્મક રોલર સ્પોર્ટ્સની નેશનલ ગવર્નિંગ બોડી તરીકે ઇન્ટરનેશનલ રોલર સ્પોર્ટ્સ ફેડરેશન અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓલિમ્પિક કમિટી દ્વારા સંયુક્તપણે કરવામાં આવે છે.
આશિતા જોશીએ જણાવ્યું હતું કે હું અઠવાડિયામાં શનિવાર સહિત ચારથી પાંચ વાર રોલર સ્કેટિંગની પ્રેક્ટિસ કરતી હતી. દરેક ટુર્નામેન્ટમાં હું શ્રેષ્ઠ દેખાવ કરતી હતી.
આશિતાના માતા વંદના જોશીએ કહ્યું કે, જ્યારે આશિતા ત્રણ વર્ષની હતી ત્યારે એક દિવસ તે ઊઠી અને મને કહ્યું કે તે સાન્તા તરફથી રોલર સ્કેટ્સ માગવા ઇચ્છતી હતી. પહેલાં તો અમને નવાઈ લાગી કે અમારા પરિવારમાંથી કોઈ પણ અગાઉ રોલર સ્કેટિંગ કર્યું નહોતું, પરંતુ શરૂઆતમાં મેં વોલ માર્ટમાંથી પ્લાસ્ટિકના રોલર સ્કેટ્સ તેને લઈ આપ્યાં હતાં આથી તે ઘરની આસપાસ સ્કેટિંગ કરી શકે.
વંદના જોશીએ કહ્યું કે તે જ્યારે આશિતા માટે રોલર સ્કેટ્સ લાવ્યાં અને આશિતાએ રોલર સ્કેટિંગની શરૂઆત કરી ત્યારે લાગણીશીલ થઈ ગયાં હતાં. વંદના જોશીને એ બીક હતી કે આશિતા પડશે અને તેને વાગશે, પરંતુ હવે તેમનેે ગૌરવ થાય છે કે તેમની પુત્રી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટોમાં તેમનું નામ રોશન કરે છે.
એડિસનની જેમ્પ મેડિસન ઇન્ટરમિડિયેટ સ્કૂલની ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની આશિતા જોશીએ કહ્યું કે તેને રોલર સ્કેટિંગ ખૂબ જ ગમે છે અને તે પોતાના સમગ્ર જીવન દરમિયાન ચાલુ રાખવા માગે છે.
આશિતા અને તેનો પરિવાર 2014માં નેબરાસ્કાથી ન્યુ જર્સી આવ્યો હતો અને એક વર્ષ પછી 2015માં તેણે રોલર સ્કેટિંગ ટુર્નામેન્ટોમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. આજે તે આ સ્પોર્ટ્સમાં રસ ધરાવતાં યુવા બાળકોને શીખવે છે.
વંદના જોશી કહે છે કે આશિતા ખૂબ જ મક્કમ બાળક છે. તેને જે ગમે તે મેળવવા માટે સખત મહેનત કરતી રહે છે.
આશિતા જ્યારે ટુર્નામેન્ટમાં હારી જાય કે નબળો દેખાવ કરે ત્યારે તેની મનોદશા કેવી હોય છે તેના જવાબમાં આશિતાના પિતા આશિષ જોશીએ જણાવ્યું હતું કે આશિતા માટે જીતવું અથવા હારવું મહત્ત્વનું નથી. તે હારી જાય કે નબળો દેખાવ કરે તો ભૂલી જાય છે અને ભવિષ્યમાં સારો દેખાવ કરવા પર ધ્યાન આપે છે.
આશિતા માટે રોલર સ્કેટિંગ સ્પર્ધા કરતાં શોખ વધારે છે. રોલર સ્કેટિંગ ઉપરાંત આશિતાને કલા ગમે છે. સ્કૂલમાં તેના મનગમતા વિષયો ગણિત અને વિજ્ઞાન છે.

આશિતાએ જીતેલી વિવિધ ટુર્નામેન્ટોની યાદી
વર્ષ માસ ટુર્નામેન્ટ ટાઇટલ
2015 નવેમ્બર ટ્રાય સ્ટેટ આર્ટિસ્ટિક કોન્ટેસ્ટ ગોલ્ડ
2016 જાન્યુઆરી ટ્રાય સ્ટેટ આર્ટિસ્ટિક કોન્ટેસ્ટ સિલ્વર
માર્ચ વ્હીલ્સ સ્પ્રિન્ગ ઇન્ટરનેશનલ ગોલ્ડ
મે એનજે ઓપન સિલ્વર
જૂન રિજિયોનલ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ
2017 જાન્યુઆરી અમેરિકાઝ કપ સિલ્વર
જાન્યુઆરી ટ્રાય સ્ટેટ આર્ટિસ્ટિક કોન્ટેસ્ટ ગોલ્ડ
એપ્રિલ રોલર ડોમ ઇન્વિટેશનલ ગોલ્ડ
મે એનજે ઓપન ગોલ્ડ
જૂન રિજિયોનલ ચેમ્પિયનશિપ ગોલ્ડ
જુલાઈ નેશનલ્સ, નેબ્રાસ્કા ગોલ્ડ
2018 જાન્યુઆરી અમેરિકાઝ કપ, ફલોરિડા ગોલ્ડ