ન્યુ જર્સીમાં સૌપ્રથમ વાર ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરાશે

અમદાવાદઃ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું ત્રીજી ઓગસ્ટે અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં આયોજન કરાયું છે. આ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (આઇજીએએફએફ)ની પહેલ રોસ્ટ્રમ મિડિયા અને ૧૯૪૭ પ્રોડક્શન એન્ડ એન્ટરટેઇનમેન્ટ ઇન્ક દ્વારા કરવામાં આવ્યું છે. ૧૨મી જૂને અમદાવાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં રોસ્ટ્રમ મિડિયાના કૌશલ આચાર્યે માહિતી આપતાં જણાવ્યું હતું કે આઇજીએએફએફનો મુખ્ય હેતુ ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાને વ્યાપક ધોરણે પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતી ફિલ્મ-જગત પ્રત્યે જેમનું પ્રશંસનીય યોગદાન છે તેમને શ્રેણીબદ્ધ પુરસ્કારો દ્વારા પ્રોત્સાહિત કરવાનો છે. આ ફેસ્ટિવલ, ફિલ્મનિર્માતાઓ અને કલાકારોને આંતરરાષ્ટ્રીય સિનેમેટિક જ્ઞાન વધારવાની અને એક વિશાળ નેટવર્ક સાથે સાંકળવાની તક આપે છે. આઇજીએએફએફનો ઉદેશ્ય ફિલ્મ-નિર્માતાઓ અને પ્રાદેશિક સિનેમાને મુખ્ય પાત્ર તરીકે બહાર લાવવાના ઉદેશ્યથી આઇજીએએફએફનું આયોજન થઇ રહ્યું છે.
આઇજીએએફએફએ અમેરિકામાં થનાર સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ છે, જ્યારે દર્શકો મોટા ભાગે બોલીવુડ અને મુખ્ય પ્રવાહના સિનેમા સુધી મર્યાદિત રહ્યા છે ત્યારે આઇજીએએફએફ એ ગુજરાતી ફિલ્મનિર્માતાઓ અને ગુજરાતી ફિલ્મઉદ્યોગ માટે તાજી હવાના એક શ્વાસ તરીકે આવે છે. આઇજીએએફએફનું ધ્યેય છે તે દર્શાવવાનો કે ગુજરાતી સિનેમામાં પણ એવી સિ્ક્રપ્ટો અને ફિલ્મો બનાવવાની ક્ષમતા છે જે કોઈ અન્ય ફિલ્મઉદ્યોગ સાથે ખભાથી ખભા મેળવીને ઊભા રહી શકે છે.
આ ફેસ્ટિવલના આયોજક ઉમેશ શુક્લા ગુજરાતી નાટકો અને હિન્દી સિનેમા માટે પ્રશંસા પામેલા દિગ્દર્શક, લેખક અને અભિનેતા છે.
સૌપ્રથમ યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરી સભ્યો ગુજરાતી અને હિન્દી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના ખૂબ પ્રસિદ્ધ અને ખૂબ જ પ્રિય હસ્તીઓ છે, જેમાં ફિલ્મ અભિનેત્રી અરુણા ઈરાની, લોકપ્રિય લેખક જય વસાવડા, લોસ એન્જેલસમાં સ્થાયી થયેલા ફિલ્મનિર્માતા અનુરાગ મહેતા, ગુજરાતી નાટ્યલેખક, નવલકથાકાર અને વાર્તાલેખક મધુ રાયનો સમાવેશ થાય છે.
આ ફેસ્ટિવલ ફિલ્મ ફ્રીવે પર યોજાશે છે, જે વિશ્વનું સૌથી મોટું ઓનલાઇન પ્લેટફોર્મ છે. તમામ એન્ટ્રીમાંથી પહેલું પૂર્વાવલોકન ફિલ્મ ફ્રીવે ઓનલાઇન પોર્ટલ પર થશે, જે ફિલ્મનિર્માતાઓ માટેનું વિશ્વનું સૌથી સલામત પ્લેટફોર્મ છે. ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પસંદ કરાયેલી ફિલ્મોનું ન્યુ જર્સીમાં સ્ક્રીનિંગ કરવામાં આવશે. અંતિમ સ્પર્ધા માટે પસંદ કરેલી ફીચર ફિલ્મોને આઇજીએફએફ એવોર્ડ મળશે. અંતિમ ચરણમાં પસંદગી પામેલી ફીચર ફિલ્મના મેકરને રહેવા ઉપરાંત ન્યુ જર્સી આવવા-જવાની રિટર્ન ટિકિટ અપાશે. આ ઉપરાંત આઇજીએફએફનું સમાપન સમારંભ એવોર્ડ વિતરણ સાથે યોજાશે.