ન્યુ જર્સીમાં સૌપ્રથમ ‘ચલો ઇન્ડિયા’ ત્રણ દિવસનો બહુરંગી સાંસ્કૃતિક કાર્યક્રમ

????????????????????????????????????

ન્યુ જર્સીઃ ન્યુ જર્સીના ન્યુ જર્સી એક્સ્પો સેન્ટરમાં 31મી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા સૌપ્રથમ ચલો ઇન્ડિયામાં ત્રણ દિવસમાં 50,000થી વધારે નાગરિકો ઊમટી પડ્યા હતા, જેમાં ડાન્સ, સિન્ગિંગ, મ્યુઝિક, ભારતીય વ્યંજનો, કપડાં-જ્વેલરી શોપિંગનો સમાવેશ થતો હતો.

આયોજકોના જણાવ્યા મુજબ પ્રથમ ચલો ઇન્ડિયા કાર્યક્રમને ભવ્ય સફળતા મળી હતી, જેનું આયોજન એસોસિયેશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા (આઇના) દ્વારા થયું હતું. નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન આઇનાનો પ્રારંભ 2005માં થયો હતો, જે 2006થી ચાલો ગુજરાત ફેસ્ટિવલનું આયોજન કરવાની શરૂઆત કરી હતી. આ ઇવેન્ટના મિડિયા સ્પોન્સર પરીખ વર્લ્ડવાઇડ મિડિયા હતું. કાર્યક્રમમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન ડો. સુધીર પરીખ, ટીવી એશિયાના ચેરમેન એચ. આર. શાહ વક્તા તરીકે હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં એડિસનના મેયર ટોન લેન્કી, કોંગ્રેસમેન ફ્રેન્ક પેલોન (ડી-ન્યુ જર્સી, સેનેટર સામ થોમ્પસન પણ હાજર રહ્યા હતા. જીવંત પ્રસારણમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતથી આપેલા સંદેશોમાં પ્રારંભિક દિવસે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. આઇનાના પ્રેસિડન્ટ સુનીલ નાયકે જણાવ્યું કે ફેસ્ટિવલમાં ટ્રાય સ્ટેટ એરિયા અને આસપાસના વિસ્તારોમાંથી લગભગ 50,000 લોકો આવ્યા હતા. અમારી પાસે 30 કલાક ચાલે તેટલા પરફોર્મન્સ હતા, જેમાં 140થી વધારે કલાકારોએ અમેરિકાની બહારના દેશોમાંથી ભાગ લીધો હતો. પ્રથમ દિવસે આઠ કલાક, બીજા દિવસે 11 કલાક અને ત્રીજા દિવસે 12 કલાક પરફોર્મન્સ યોજાયું હતું. ઇવેન્ટના મિડિયા પ્રવક્તા નૂતન કલમદાનીએ જણાવ્યું કે આ ઇવેન્ટનો હેતુ મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ શકે તેવો હતો. બિનગુજરાતી નાગરિકો પરફોર્મર્સ તરીકે પણ આ શોમાં ભાગ લઈને ભારતની વિવિધતાના દર્શન કરાવ્યાં હતાં.

એડિશનમાં ચલો ઇન્ડિયામાં પ્રવચન કરી રહેલા પદ્મશ્રી ડો. સુધીર પરીખ.

બાળકો સહિત ઘણા લોકો સ્ટેજ ઉપર ગરબા-દાંડિયા રમ્યા હતા. ફૂડ સ્ટોલ – શોપિંગ એરિયા ભરચક થઈ ગયા હતા. ઇવેન્ટમાં મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાની 30 ફૂટની પ્રતિકૃતિ, થ્રી-વ્હીલર રિક્ષાની રંગબેરંગી પ્રતિકૃતિ, 30 ફૂટનો ભારતનો નકશો, 5000 વર્ષના ભારતનું પ્રદર્શન, લાઇવ પપેટ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ઉદ્ઘાટન સમારંભમાં શુભારંભ ગણેશવંદના, લાઇવ વિડિયો કોન્ફરન્સ, જેમાં મોરારીબાપુ સહિતના ધાર્મિક નેતાઓએ ભાગ લીધો હતો. રામચરિત માનસ અને સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનાં પ્રવચનો, સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓનું મલ્ટિમિડિયા પ્રેઝન્ટેશન, સુરેન્દ્ર શર્માનો કોમેડી શો, જય વસાવડાનો ટોક-શો, નંદુ ગ્રુપનું પરફોર્મન્સ, સંજય છેલ – સૌમ્ય જોશીની બોલીવુડની સ્ટોરી, 100 વર્ષના ભારતીય સિનેમાની સંગીતમય યાત્રા બોલીવુડ મસાલો, કાવ્યસત્રો, કીર્તિદાન ગઢવીનો ડાયરો અંતિમ દિવસે યોજાયો હતો.
વિવિધ ભારતીય રાજ્યો મધ્ય પ્રદશે, તામિલનાડુ, ગુજરાત, આસામ, ગોવા, આંધ્ર પ્રદેશના ટુરીઝમ ડિપાર્ટમેન્ટનાં બૂથ પણ ચલો ઇન્ડિયા કાર્યક્રમમાં જોવા મળ્યાં હતાં. વિવિધ ડાન્સ ગ્રુપોએ વિવિધ રાજ્યોના નૃત્યો રજૂ કર્યા હતા.