ન્યુ જર્સીમાં ઇન્ડિયા ડે પરેડમાં ‘ચાલો ઇન્ડિયા’ની પ્રારંભિક ઝલક

ન્યુ જર્સીઃ ન્યુ જર્સીના એડિસનમાં 12મી ઓગસ્ટે ઓક ટ્રી રોડ પર યોજાયેલી ઇન્ડિયા ડે પરેડમાં ચાલો ગુજરાતનું વિશાળ વર્ઝન ચાલો ભારતની પ્રારંભિક ઝલક રજૂ થઈ હતી. ત્રણ દિવસનો આ કાર્યક્રમ 31મી ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર દરમિયાન ન્યુ જર્સી એક્સ્પો સેન્ટરમાં યોજાશે જે ભારતીય-અમેરિકનોને તેમના મૂળ સુધી જોડવા, મનોરંજન આપવા, ભારતના જુસ્સાની ઉજવણી કરવાનો હેતુ ધરાવે છે. ચાલો ઇન્ડિયાની ઓફિસની બહાર વિશાળ ટેન્ટ બાંધવામાં આવ્યો હતો અને રંગબેરંગી સ્ટેન્ડ શણગારવામાં આવ્યાં હતાં. ચાલો ઇન્ડિયાની સમગ્ર ટીમ ભારતીય તિરંગાના રંગમાં પરિધાન જોવા મળતી હતી. તેઓ આ કાર્યક્રમનું થીમ સોન્ગ ગાતા હતા અને ડાન્સ કરતા હતા. કોંગ્રેસમેન ફ્રેન્ક પેલોન, સેનેટર સામ થોમ્પસન, કોમ્યુનિટી અગ્રણી ડો. નવીન મહેતા સહિત વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા. ચાલો ઇન્ડિયામાં 30 હજારથી વધુ મુલાકાતીઓ હાજર રહેવાની સંભાવના છે.
આ ફલોટની શરૂઆતમાં ગ્રાન્ડ માર્શલ અનુપમ ખેર હતા, જ્યારે તેમની બાજુમાંથી પરેડ પસાર થઈ ત્યારે ચાલો ગુજરાતના ગ્રુપ સાથે ઊભા રહીને પોતાના ફોનમાં કેટલાક વિડિયો પણ લીધા હતા. ચાલો ઇન્ડિયા ઇવેન્ટમાં બોલીવુડના ગાયક સોનુ નિગમ, સુદેશ ભોસલે, પેપોન, અનુ કપૂર, ગુજરાતી ગાયક ઓસમાન મીર, કીર્તિદાન ગઢવી, કુમાર વિશ્વાસ, સુરેન્દ્ર શર્મા, ગુજરાતી કવિ અનિલ ચાવડા-હર્ષ બ્રહ્મભટ્ટ, કોમેડિયન ભારતી સિંહ, સાંઈરામ દવે, જય વસાવડા વગેરે ઉપસ્થિત રહેશે.