ન્યુ જર્સીના એડિસનમાં યોજાયો સૌપ્રથમ વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ

????????????????????????????????????

ન્યુ જર્સીઃ ન્યુ જર્સીના એડિસનમાં ત્રીજી ઓગસ્ટથી સૌપ્રથમ વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ 2018નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ફેસ્ટિવલ મોટા પાયે ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાના પ્રમોશનનો હેતુ ધરાવે છે. આ ફિલ્મ ફેસ્ટિવલ ગુજરાતી સિનેમાના સમુદાય સમક્ષ છુપાયેલી અપ્રતિમ ટેલેન્ટ બહાર લાવવાનું પ્લેટફોર્મ છે. એવોર્ડ્સની હારમાળા દરમિયાન આ ફેસ્ટિવલમાં ફિલ્મનિર્માતાઓને પ્રોફેશનલ નેટવર્ક ઊભું કરવાની તક મળી હતી અને ઇન્ટરનેશનલ સિનેમેટિક ટ્રેન્ડના તેઓના જ્ઞાનને વિકસાવવામાં મદદરૂપ થયો હતો.
ત્રણ દિવસ દરમિયાન ત્રીજીથી પાંચમી ઓગસ્ટ સુધી યોજાયેલા આ ફેસ્ટિવલ દરમિયાન 23 ફિલ્મોથી વધુ દર્શાવાઈ હતી, જેમાં 12 ફીચર ફિલ્મો સ્પર્ધામાં હતી, ચાર ફિલ્મો શરતો લાગુ, ધાડ, ડીએચએચ, ધ કલર ઓફ ડાર્કનેસ સ્પેશિયલ સ્ક્રીનિંગ અને ત્રણ ડોક્યુમેન્ટરી અને ચાર શોર્ટ ફિલ્મો દર્શાવવામાં આવી હતી.

પ્રથમ દિવસે ત્રીજી ઓગસ્ટે ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભમાં દીપપ્રાગટ્ય વિધિ ન્યુ જર્સીના અગ્રણીઓ, ભારતીય સમુદાયના જાણીતા મહાનુભાવોના હસ્તે કરાઈ હતી. આ પ્રસંગે એક હજારથી વધુ નાગરિકો હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે રેવા ફિલ્મની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી. આ પછી રેવા ટીમ સાથે પ્રશ્નોત્તરી કરાઈ હતી.
આ દિવસે રાતે શરતો લાગુ ફિલ્મ દર્શાવાઈ હતી.
બીજા દિવસે અન્ય ફિલ્મો દર્શાવાઈ હતી. ડિરેક્ટર પરેશ નાયક અને લતેશ શાહ, સુજાતા મહેતા, મધુ રાય સાથે વર્કશોપનું આયોજન કરાયું હતું.
ત્રીજા દિવસે ડીએચએચ ફિલ્મ દર્શાવાઈ હતી જે 2018ની નેશનલ એવોર્ડવિજેતા ફિલ્મ છે. ત્યાર પછી ન્યુ જર્સીમાં રોયલ ગ્રાન્ડ મેનોરમાં સ્થાનિક સામુદાયિક અગ્રણીઓની હાજરીમાં એવોર્ડ સમારંભ યોજાયો હતો. આ એવોર્ડ્સને 18 વિવિધ કેટેગરીમાં જાહેર કરાયા હતા.
હવે લોસ એન્જલસમાં 2019 ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. આથી આ ફેસ્ટિવલ હોલીવુડ જશે. તારીખો આ વર્ષના અંતે જાહેર કરાશે.
ફેસ્ટિવલમાં એવોર્ડવિજેતાઓની યાદી આ મુજબ છેઃ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ બહેરૂપી, બેસ્ટ શોર્ટ ફિલ્મ રમતગમત, બેસ્ટ સ્ક્રીનપ્લે જિતેન્દ્ર પરમાર-ફેરાફેરી હેરાફેરી, બેસ્ટ સ્ટોરી-કૃષ્ણદેવ યાજ્ઞિક-કરસનદાસ પે એન્ડ યુઝ, બેસ્ટ ડાયલોગ્સ ચિન્મય પુરોહીત-ઓકિસજન, બેસ્ટ સિનેમેટોગ્રાફી ડેનિયલ બોટસેલે-ભંવર, બેસ્ટ એડિટર રૂપાંગ આચાર્ય-રતનપુર, બેસ્ટ એક્ટર ઇન કોમિક રોલ હેમાંગ શાહ-કરસનદાસ પે એન્ડ યુઝ, બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ મિથિલ જૈન-સુપરસ્ટાર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફીમેલ કેતકી દવે-પપ્પા તમને નહિ સમજાય, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ મનોજ જોશી-પપ્પા તમને નહિ સમજાય અને જીમિત ત્રિવેદી-ગુજજુભાઈ મોસ્ટ વોન્ટેડ, બેસ્ટ મ્યુઝિક સચીન જિગર-લવની ભવાઈ, બેસ્ટ એક્ટ્રેસ ફીમેલ સુજાતા મહેતા-ચિત્કાર અને દીક્ષા જોશી-કરસનદાસ પે એન્ડ યુઝ, બેસ્ટ એક્ટર મેલ મયૂર ચૌહાણ-કરસનદાસ પે એન્ડ યુઝ, બેસ્ટ ડિરેક્ટર દીપેશ શાહ-ચલ મન જીતવા જઈએ અને રાહુલ ભોલે-વિનીત કનોજિયા-રેવા, મોસ્ટ પોપ્યુલર ફિલ્મ ગુજજુભાઇ મોસ્ટ વોન્ટેડ અને ચલ મન જીતવા જઈએ, બેસ્ટ ફિલ્મ રેવા અને વાડીલાલ આઇકોન ઓફ ધ યર મલ્હાર ઠાકર.