ન્યુયોર્કસ્થિત ભારતીય દૂતાવાસમાં ભારતનો 72મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો

ન્યુયોર્ક– અમેરિકામાં ભારતના 72મા સ્વાતંત્ર્ય પર્વની વિવિધ ભારતીય-અમેરિકી સંગઠનો દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી. ભારતના 72મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અમેરિકામાં ન્યુયોર્કસ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટે સવારે કોન્સ્યુલેટના સંકુલમાં કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તીના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પછી રાષ્ટ્રગીતનું ગાન થયું હતું. કોન્સલ જનરલે સ્વાતંત્ર્યદિનની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિએ આપેલા રાષ્ટ્રજોગ સંબોધનને વાંચી સંભળાવ્યું હતું. આ પ્રસંગે 200થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોંગ્રેસવુમન ગ્રેસ મેન્ગ, એસેમ્બલીમેન ડેવીડ વેપરીન, એસેમ્બલીમેન રાજ મુખરજી, સેનેટર વીન ગોપાલ, બોલીવુડના અભિનેતા અનુપમ ખેર સહિત ભારતીય સમુદાય અને સ્થાનિક અગ્રણીઓનો સમાવેશ થતો હતો.
ભારતીય વિદ્યા ભવન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશભક્તિના ગીતો અને કાવ્યપઠનનો સમાવેશ કરાયો હતો.
આ પ્રસંગે સ્થાનિક ભારતીય સામુદાયિક સંસ્થાઓ, ન્યુયોર્ક અને આસપાસના વિસ્તારોના અજોડ સ્થાપત્યોને રોશનીથી, તિરંગાના રંગોથી શણગારવામાં આવ્યા હતા, જેમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ, નાયગ્રા ફોલ્સ વગેરેનો સમાવેશ થતો હતો.
આ વર્ષે ઇન્ડિયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા કથક નૃત્યકારોના સાત સભ્યોના ગ્રુપને સ્પોન્સર કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં આ ગ્રુપે પરફોર્મન્સ આપ્યું હતું.