નાણા વિષયક સંસદીય સમિતિએ એના અહેવાલમાં જણાવ્યું હતું કે, નોટબંધીને કારણે દેશને નુકસાન થયું હતું. મોદી સરકારનો નોટબંધીનો નિર્ણય ખોટો હતો. નોટબંધીને કારણે દેશના જીડીપીને એક ટકાનું નુકસાન થયું છે. સમિતિમાં ભાજપના સભ્યોની સંખ્યા વધુ હોવાથી આ અહેવાલને નકારી કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ સમિતિનું નેતૃત્વ કોંગ્રસના સંસદ સભ્ય વિરપ્પા મોઈલી કરતા હતા. આ સંસદીય સમિતિમાં ભાજપના સંસદ સભ્યોની સંખ્યા વધારે હોવાને કારણે કોઈ પણ નિર્ણયમાં ભાજપના સાંસદોનું પ્રભુત્વ રહે્તું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ આ સમિતિના સભ્ય છે. 2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આથી ભાજપના સાંસદોએ દબાણ કરીને ચૂંટણી અગાઉ આ અહેવાલ સંસદમાં પેશ ન થાય એવી વ્યૂહ રચના કરી હોવાથી ઉપરોક્ત અહેવાલને અટકાવી દેવામાં આવ્યો હતો. સમિતિના અહેવાલને અધ્યક્ષ વિરપ્પા મોઈલીએ 2018માં સ્વીકૃતિ આપી દીધી હતી. આમ છતાં અહેવાલને ચર્ચા માટે પેશ કરવામનાં આવ્યો ન હતો. આ સમિતિનું ગઠન પહેલી સપ્ટેમ્બર, 2017ના કરવામાં આવ્યું હતું. તેની મુદત 31 ઓગસ્ટ 2018ના પૂરી થઈ રહી છે. નોટબંધી વિષેના આ અહેવાલને સમિતિનો કાર્યકાળ પૂરો થાય તે અગાઉ જો હાથ ધરવામાં નહિ આવે તો આગામી સમિતિમાં તેનં કશું જ મહત્વ રહેશે નહિ. પ્રાપ્ત માહિતી અનુસાર, સમિતિના અધ્યક્ષ વિરપ્પા મોયલીએ આ બાબત અંગે ભાજપના સંસદસભ્યો સાથે ચર્ચા કરી હતી , પણ કુલ 31 સંસદ સભ્યોની બનેલી સમિતિમાં ભાજપના 17 સંસદ સભ્યોએ એનો વિરોધ કરતાં સમિતિમાં ચર્ચા કરવામાટે અહેવાલ પેશ કરાઈ શકાયો નહોતો.