નેપાળમાં 6.4ની તીવ્રતાવાળો શક્તિશાળી ભૂકંપઃ 157 મોત

નેપાળ: પાડોશી દેશ નેપાળમાં શુક્રવારની મોડી રાત્રે 11 અને 32 મિનિટે આવેલા 6.4ની તીવ્રતાવાળા શક્તિશાળી ભૂકંપથી દિલ્હી સહિત ઉત્તરભારતના રાજ્યોમાં આંચકાઓએ ઉચાટ ફેલાવ્યો હતો. લોકોની નીંદર ઉડાવી દેનારા ભીષણ ભૂકંપનો ભોગ બનતાં 157 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ ભયાનક ભૂકંપથી સેંકડો ઘરોને નુકસાન થયું હોવાના વાવડ પણ મળ્યા હતા. નેપાળના જાજરકોટમાં 105 અને રુકુમ પશ્ચિમ જિલ્લામાં 36 લોકોએ જીવ ખોયા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપમાં જાન ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના સાથે દુ:ખની લાગણી દર્શાવી હતી. મોદીએ આ મુશ્કેલ સમયમાં નેપાળને મદદ કરવાનો ભરોસો પણ અપાવ્યો હતો. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ પરિસ્થિથતિનો તાગ મેળવવા જાજરકોટ પહોંચ્યા હતા. તેમણે ત્રણેય સુરક્ષા એજન્સીઓને બચાવ-રાહત ઝુંબેશ છેડવાનો નિર્દેશ આપ્યો હતો. નેપાળ સરકારે ભૂકંપગ્રસ્ત જાજરકોટ અને પશ્ચિમી રુકુમ જિલ્લાઓ માટે 10 કરોડ રૂપિયાના નાણાકીય પેકેજની ઘોષણા કરી હતી. કાઠમંડુ પોસ્ટના અહેવાલ અનુસાર નેપાળના ઉપવડાપ્રધાન અને ગૃહમંત્રી નારાયણકાજી શ્રેષ્ઠના અધ્યક્ષ સ્થાને શનિવારે યોજાયેલી બેઠકમાં રાહત, બચાવ અભિયાન ગતીશીલ બનાવવા માટે આ પેકેજ જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ઈજાગ્રસ્તોની સમયસર સારવાર માટે નેપાળની સરકારે તાત્કાલિક તમામ હોસ્પિટલોના દરવાજા ખોલાવી નાખ્યા હતા.