નેપાળમાં ૫.૮ તીવ્રતાનો ભૂકંપ : ૬ ઘાયલ, અનેક મકાનોને નુકસાન

 

કાઠમાંડુઃ નેપાળના પશ્ચિમમાં આવેલા લામજંગ જિલ્લામાં ૫.૮ તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપને કારણે છ લોકો ઘાયલ થયા છે તથા અનેક મકાનોને નુકસાન થયું છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. સવારે ૫.૪૨ વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર કાઠમાંડુથી ૨૦૦ કિલોમીટર દૂર પશ્ચિમમાં આવેલા લામજંગ જિલ્લાના મરશિયાન્ગડી રૂરલ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં હતું. નેપાળના મીડિયાના જણાવ્યા અનુસાર ૫.૮ તીવ્રતાના ભૂકંપને કારણે બે ડઝન મકાનોને નુકસાન થયું છે અને છ લોકો ઘાયલ થયા છે.

નેશનલ અર્થક્વેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર સવારે આવેલા મુખ્ય ભૂકંપ પછી લામજંગ જિલ્લામાં જ બે આફ્ટરશોક્સ અનુભવાયા હતાં. સવારે ૮.૧૬ વાગ્યે આવેલા આફટરશોક્સની તીવ્રતા ૪.૦ હતી. જ્યારે સવારે ૮.૨૬ વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા ૫.૩ હતી.