નેપાળમાં સંસદ ભંગ, આ તારીખે યોજાશે સામાન્ય ચૂંટણી

 

 

કાઠમંડુઃ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની ભલામણ પર રવિવારે સંસદ ભંગ કરી દીધી છે. તેમણે એપ્રિલ-મેમાં મધ્ય-ગાળાની સામાન્ય ચૂંટણીઓ યોજવાની પણ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી એક નોટિસ અનુસાર, પ્રમુખ ભંડારીએ ૩૦મી એપ્રિલના રોજ અને બીજા તબક્કાના ૧૦મી મેના રોજ મધ્ય તબક્કાની ચૂંટણી યોજવાની જાહેરાત કરી દીધી છે.

નેપાળમાં રાજકીય સંકટ ઘેરી રહ્યું છે. વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રવિવારે સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. રવિવારે સવારે ઓલી કેબિનેટની કટોકટીની બેઠકમાં રાષ્ટ્રપતિને સંઘીય સંસદ ભંગ કરવાની ભલામણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી, ઓલી આ ભલામણ સાથે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી પાસે પહોંચ્યા હતા.

ઊર્જા પ્રધાન બર્શમન પુને જણાવ્યું હતું કે આજના ઓલી કેબિનેટમાં રાષ્ટ્રપતિને સંસદ વિસર્જન કરવાની ભલામણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ ઓલી કેબિનેટમાં તેમની ઉપર બંધારણીય કાઉન્સિલ એક્ટ સંબંધિત વટહુકમ પાછો લેવાનું દબાણ છે, જે તેમણે મંગળવારે જારી કર્યું છે. નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ તે પર સહી કરી અને તે જ દિવસે તેને મંજૂરી આપી દીધી હતી.

રવિવારે સવારે ૧૦ વાગ્યે જ્યારે ઇમરજન્સી કેબિનેટની બેઠક બોલાવવામાં આવી ત્યારે મોટાભાગે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે અધ્યાદેશમાં ફેરફાર કરવાની ભલામણ કરશે, પરંતુ કેબિનેટે બેઠક બાદ સંસદ વિસર્જન કરવાની ભલામણ કરી. નેપાળના બંધારણમાં સંસદ ભંગ કરવાની જોગવાઈ નથી, તેથી ઓલી સરકારના આ પગલાને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે.

બીજી તરફ, નેપાળની વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસે સંસદ ભંગ કરવાની કેબિનેટની ભલામણ બાદ આજે તાત્કાલિક બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં આગળની રણનીતિ ઉપર ચર્ચા થઈ શકે છે.

નેપાળના વડા પ્રધાન ઓલીએ ભારત વિરુદ્ધ પણ રમત રમવામાં કઈ બાકી રાખ્યું નથી. ભારતીય સીમાઓને પોતાના વિસ્તારમાં બતાવીને તેના નકશા જાહેર કરી ભારત સાથેના મિત્રતાના સંબંધોને બગાડ્યા હતા. જે બાબતનો તેમની જ પાર્ટીના કેટલાય નેતાઓએ વિરોધ નોધાવ્યો હતો, ત્યારે વડા પ્રધાનના આવા ફરી વિવાદસ્પ્દ પગલાથી તેમની પાર્ટીના ઘણા નેતાઓ તેમની સામે આવી ગયા છે અને ભવિષ્યમાં આ બાબતે ખૂલીને સામે પણ આવી શકે છે. ચીન સાથે મળીને કેટલાય કાવતરા કરી ભારત સાથે શત્રુતા ઊભી કર્યા બાદ પોતાના જ દેશ અને પાર્ટી સામે સંસદ ભંગ કરવાની આવી ભલામણથી હવે તેમના આ પગલાને કોર્ટમાં પડકારવામાં આવશે