નેપાળમાં રાજકીય સંકટ ઉભું થયુંઃ કેપી શર્મા ઓલી પાર્ટીમાંથી સસ્પેન્ડ

 

કાઠમાંડુઃ નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ઓલીને નેપાળની સત્તામાં રહેલી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે અને તેમનું સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈને કોમ્યુનિસ્ટ પાર્ટીના એક જૂથના નારાયણ કાજી શ્રેષ્ઠે આ વાતની પુષ્ટિ કરી છે. 

નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીની આ બેઠકમાં ઓલી જૂથના નેતાઓ સામેલ થયા નહીં. તેવામાં પ્રચંડ સમર્થકોના આ નિર્ણયને પીએમ ઓલી માનવાથી ઇનકાર કરી શકે છે. પાર્ટીમાં વિપક્ષી જૂથનું નેતૃત્વ કરી રહેલા પુષ્પ કમલ દહલ પ્રચંડ છેલ્લા ઘણા સમયથી ઓલી વિરુદ્ધ મોરચો ખોલીને બેઠા છે. તેવામાં પહેલા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રાજકીય અસ્થિરતાના સંકટ નજીક ઉભેલી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનું વિભાજન જરૂર થશે. 

નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીની રચના ૨૦૧૮મા પીએમ ઓલી અને પૂર્વ પીએમ પ્રચંડે મળીને કરી હતી. આ પહેલા પ્રચંડની પાર્ટીનું નામ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓઇસ્ટ) જ્યારે ઓલીની પાર્ટીનું નામ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (એકીકૃત માર્ક્સિસ્ટ) હતુ. બંને પક્ષોએ આપસમાં વિલય કરી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળની રચના કરી હતી. 

બંને પક્ષો વચ્ચે ૨૦૨૦ના મધ્યથી મતભેદ શરૂ થયો જ્યારે પ્રચંડે ઓલી પર પાર્ટીની સલાહ વગર સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે અનેક બેઠકો બાદ સમજુતી થઈ ગઈ. પરંતુ પાર્ટીમાં આ શાંતિ વધુ દિવસ ન ટકી અને મંત્રિમંડળની વહેંચણીને લઈને વિવાદ શરૂ થયો. ઓલીએ ઓક્ટોબરમાં પ્રચંડની સહમતિ વગર કેબિનેટમાં ફેરફાર કર્યો હતો. તેમણે પાર્ટીની અંદર અને બહારની ઘણી સમિતિઓમાં અન્ય નેતાઓ સાથે વાતચીત વગર ઘણાની નિમણૂક કરી દીધી હતી. બંને નેતાઓ વચ્ચે મંત્રીમંડળમાં પદો સિવાય, રાજદૂતો અને વિભિન્ન બંધારણીય અને અન્ય પદો પર નિમણૂકને લઈને બંને જૂથો વચ્ચે સહમતિ ન બની શકી.