નેટફ્લિક્સ સિરીઝનું સંચાલન કરતા હસન મિન્હાજ પ્રથમ ભારતીય-અમેરિકન બનશે

ન્યુ યોર્કઃ હસન મિન્હાજ નેટફ્લિક્સ સિરીઝનું સંચાલન કરનાર સૌપ્રથમ ભારતીય-અમેરિકન બનશે. નેટફ્લિકસ દ્વારા હસન મિન્હાજને વીકલી કોમેડી શોનું સંચાલન કરવા જણાવવામાં આવ્યું છે અને 32 એપિસોડની સિરીઝનું સંચાલન કરવા મિન્હાજ સંમત થયા છે તેમ હોલીવુડ રિપોર્ટરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આ વર્ષે આ સિરીઝનો પ્રીમિયર યોજાશે ત્યારે મિન્હાજ અત્યારથી જ લાઇમલાઇટમાં આવી ગયા છે. મિન્હાજે નેટફ્લિક્સ સ્પેશિયલ ‘હોમકમિંગ કિંગ’ ગયા વર્ષે કરી હતી.

વ્હાઇટ હાઉસના પ્રતિનિધિ દ્વારા આયોજિત ડિનરમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાજર ન રહેવાનો નિર્ણય કરાયો હતો તે બાબતે પણ મિન્હાજ સમાચારોનું મથાળું બન્યા હતા.
મિન્હાજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નેટફ્લિકસ ફેમિલી સાથે જોડાતાં હું આનંદની લાગણી અનુભવું છું.
મિન્હાજ હાલમાં ધ ડેઇલી શોના પ્રતિનિધિ છે, જેમાં તેઓ નવેમ્બર, 2014માં જોડાયા હતા અને ઉનાળામાં નેટફ્લિક્સ સાથે જોડાશે.

નેટફ્લિકસના વાઇસ પ્રેસિડન્ટ બેલા બજારિયાએ જણાવ્યું હતું કે હું ઘણાં વર્ષોથી હસનનો મોટો ચાહક છું. તેઓ અદ્ભુત પરફોર્મર છે. તે પોતાના વિચારો રજૂ કરતાં ક્યારેય ગભરાતા નથી.
મિન્હાજ આ સિરીઝનું સંચાલન કરશે. આ સિવાય તેઓ એક્ઝિયક્યુટીવ પ્રોડ્યુસર પણ બનશે.
આના કારણે કોમેડી સેન્ટ્રલને મોટો ફટકો પડશે કારણ કે તેઓએ ડેઇલી શોના હોસ્ટ માઇકલ વોલ્ફને પણ ગુમાવ્યા છે, જે ગયા મહિને નેટફ્લિક્સ સાથે જોડાયા છે.