‘નીલ બટ્ટે સન્નાટા’ ફિલ્મનું નામ કેટલા લોકોને ખબર છે?

0
902

સલમાન ખાનની વાહિયાત અને વલ્ગર ફિલ્મને કરોડોનો કારોબાર કરાવી આપતા ઓડિયન્સને કદાચ નીલ બટ્ટે સન્નાટા નામની કોઈ હિન્દી ફિલ્મ આવી હતી એનો પણ ખ્યાલ નહિ હોય! ફૂલોની સુવાસ અને સંગત માણવી હોય તો પતંગિયાની પાત્રતા કેળવવી પડે બાકી માખીને તો એનો ઉકરડો જ ભલો!
મારે તમને વિશેષ કશું જ નથી કહેવું. બસ, એટલી જ વાત કરવી છે કે જો તમને કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી ફિલ્મ જોવામાં ઇન્ટરેસ્ટ હોય તો એક વખત નીલ બટ્ટે સન્નાટા ફિલ્મ જોઈ લેજો. એક ગરીબ માતા પોતાની દીકરીના ઉછેર માટે કેવું તપ કરતી હોય છે તેની આ ફિલ્મ છે. તદ્દન ઓછા ખર્ચમાં એટલે કે લગભગ મફતના ભાવમાં આવી અણમોલ ફિલ્મ બનાવવા બદલ પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને તો ધન્યવાદ આપીએ જ, પણ એ ફિલ્મની અભિનેત્રી સ્વરા ભાસ્કરને પણ બિરદાવવી પડશે. આપણે આવી ફિલ્મ ન જોઈએ તો એથી પ્રોડ્યુસરને ઝાઝી ખોટ નથી પડવાની, ખરી ખોટ તો આપણે ખુદ જ ભોગવવાની છે.
નીલ બટ્ટે સન્નાટા ફિલ્મનો સાર ટૂંકમાં તમને કહેવો હોય તો આ રીતે કહી શકાય. ઘેરઘેર ઘરકામ કરતી એક નોકરાણી (સ્વરા ભાસ્કર) પોતાની દીકરી (રિયા શુક્લ)ને ભણાવી-ગણાવીને કલેક્ટર બનાવવા ઝંખે છે, જ્યારે એની દીકરીને ભણવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ તો પોતાની માતાની જેમ કોઈના ઘરની નોકરાણી જ બનવાનું સ્વીકારી લઈને જીવતી હોય છે. એક વખત એ દીકરીની સ્કૂલમાં ટીચર વર્ગના વિદ્યાર્થીઓને મેરા સપના વિષય પર નિબંધ લખી લાવવા કહે છે. વિદ્યાર્થીમિત્રો અંદર-અંદર ચર્ચા કરે છે અને પરસ્પરને પૂછે છે કે તારું સપનું શું છે? તું તારા કયા સપના વિશે નિબંધ લખીશ? ત્યારે પેલી ગરીબ નોકરાણીની દીકરી એના મિત્રને કહે છે ગરીબ કો સપના દેખના કા કોઈ હક નહિ હોતા.
આ ડાયલોગ અને એનો સીન પૂરા થાય છે પછીના તરતના સીનમાં દીકરીની મા દીકરીને કહે છે કે, ગરીબ વો હોતા હૈ જિસકા કોઈ સપના નહિ હોતા!
ગરીબ કોને કહેવાય એની આ તદ્દન નવી અને મૌલિક વ્યાખ્યા સાંભળીને ભીતરથી ભરપૂર રોમાંચ અનુભવ્યો.
ગરીબીને આપણે આર્થિક સંદર્ભ સાથે સ્થૂળ અર્થમાં જોડી દીધી છે અને ત્યાં જ એની વ્યાખ્યા સમાપ્ત કરી દીધી છે! પરંતુ આપણી લાઇફમાં આપણે એવા અનેક માણસોને જોયા છે કે જેઓ આર્થિક રીતે તદ્દન કંગાળ હોય અને છતાં એમને ગરીબ કહેવાનું સાહસ આપણે ન કરી શકીએ. એ જ રીતે એવા પણ ઢગલાબંધ માણસોને આપણે જોયા છે કે જેઓ શ્રીમંતાઈના શિખર ઉપર બેઠેલા હોય અને છતાં સંસારના સૌથી ગરીબ એ લાગતા હોય!
ગરીબી અનેક પ્રકારની હોય છે. કોઈ વ્યક્તિ સંસ્કારથી ગરીબ હોય, કોઈ વ્યક્તિ વિચારથી ગરીબ હોય, કોઈ વ્યક્તિ મિત્રોની બાબતમાં ગરીબ હોય, કોઈ વ્યક્તિ સંબંધ નિભાવવામાં ગરીબ હોય, કોઈ વ્યક્તિ સામેની વ્યક્તિને સમજવામાં ગરીબ હોય, કોઈ વ્યક્તિ પ્રસન્નતાની બાબતે ગરીબ હોય, કોઈ વ્યક્તિ પ્રેમની બાબતે ગરીબ હોય, કોઈ વ્યક્તિ કરૂણાની બાબતમાં ગરીબ હોય તો કોઈ વ્યક્તિ ઉદારતાની બાબતે ગરીબ હોય!
તમે સંસારમાં માર્ક કરશો તો તમને ખ્યાલ આવશે કે કેટલાક લોકોની ગરીબી શ્રીમંતાઈને પણ ઝાંખી પાડે એવી ઝળહળતી હોય છે, તો કેટલાક લોકોની શ્રીમંતાઈ એમને ખુદને સતત દઝાડતી હોય એવી કરૂણ અને કઠોર હોય છે! કહેવાતા ગરીબ માણસને તો પોતાની ગરીબાઈ છુપાવવાની જરૂર નથી હોતી, પણ કહેવાતા શ્રીમંત માણસને પોતાની ભીતરની ગરીબાઈ લાખ-લાખ પ્રયત્નો કરીને સતત છુપાવતા રહેવું પડે છે!
નીલ બટ્ટે સન્નાટા ફિલ્મમાં એક જગ્યાએ માતા પોતાની નાદાન દીકરીને સમજાવતાં કહે છે કે, હારને મેં કોઈ બૂરાઈ નહિ હૈ, બૂરાઈ તો હૈ કોશિશ કિએ બિના હાર માનને મેં! ફિલ્મના સ્ક્રીન ઉપર આ ડાયલોગ સાંભળ્યો એ જ વખતે એક ઉર્દૂ શાયરની પંક્તિ મનમાં ઊછળકૂદ કરવા લાગીઃ
હાર ઉનકી હોતી હૈ-
જો માન લેતે હૈ,
જીત ઉનકી હોતી હૈ-
જો ઠાન લેતે હૈ!
ગરીબી અને શ્રીમંતાઈની જેમ જ હાર અને જીતની પણ અહીં આપણને નવી સમજ અને નવી વ્યાખ્યા મળે છે.
ઇતિહાસની વાત આપણે જાણીએ છીએ કે સમ્રાટ અશોક કલિંગનું યુદ્ધ જીતી ગયા પછી પણ હારી ગયો હતો અને સમ્રાટ પોરસ સિકંદર સામેનું યુદ્ધ હારી ગયા પછી પણ જીતી ગયો હતો! હાર અને જીત સાપેક્ષ છે.
નીલ બટ્ટે સન્નાટા ફિલ્મના અર્થપૂર્ણ ડાયલોગ્સની જ વાત ચાલી રહી છે, તો એ ફિલ્મનો એક વધુ ડાયલોગ પણ સાંભળોઃ
તુમ્હારે પાસ જિંદગી મેં આગે બઢને કે લિયે અગર કુછ હૈ તો વો હૈ તુમ્હારા સપના!
અણનમ સપનાનું સામર્થ્ય લઈને જીવવાનું જાણતો માણસ લાઇફમાં કદીય ક્યાંય પાછો પડે ખરો?
એક જાણીતી ચીની કહેવત છે કે, રાત સપનાં જોવા માટે છે અને દિવસ એ સપનાંને સાકાર કરવા માટે છે. એ જ રીતે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એક વાત આપણા સૌના દિમાગમાં ઠસાવી દીધી છે કે, સપને વો નહિ જો નિંદ મેં આતે હૈં, સપને વો હૈ જો નિંદ ઊડા દેતે હૈ!
નીલ બટ્ટે સન્નાટા ફિલ્મ જોયા પછી મનમાં સૌથી પહેલો સવાલ એ જાગ્યો હતો કે આ ફિલ્મનું નામ કેટલા લોકોને ખબર હશે? જોકે નીલ બટ્ટે સન્નાટાનું નામ લોકો ન જાણતા હોય તો એ માટે લોકો બિલકુલ જવાબદાર નથી, પ્રોડ્યુસર જ જવાબદાર છે. તેણે આ ફિલ્મનું નામ આવું અટપટું અને વિચિત્ર શા માટે રાખ્યું? એના બદલે પ્રોડ્યુસરે બદનામ ગલી અથવા પ્યાસી ઔરત અથવા ડર્ટી મસ્તી કે એવું કોઈ સસ્તું અને વલ્ગર નામ રાખ્યું હોત તો આ ફિલ્મ સુપરડુપર સાબિત થઈ હોત!
આજકાલની ફિલ્મો નવી જનરેશનને વિકૃતિઓ તરફ વાળી રહી છે એવા સાચા આક્ષેપની સામે, ફિલ્મ દ્વારા નવી જનરેશનને જીવનની કેટલીક ઊર્ધ્વગામી સચ્ચાઈ તરફ વાળી શકાય છે એ સત્ય ઢંકાઈ ન જવું જોઈએ. હું હંમેશાં કહું છું કે ફિલ્મોનો પ્રભાવ ઓડિયન્સ પર પડે છે એના કરતાં ઓડિયન્સનો પ્રભાવ ફિલ્મો પર વધારે પડતો હોય છે. ઓડિયન્સ જે પ્રકારની ફિલ્મો જોવાનું પસંદ કરશે, નિર્માતાઓ એ પ્રકારની ફિલ્મોનું નિર્માણ કરતા થશે! નિર્માતા તો નફો કરવા બેઠો છે, કરોડો રૂપિયાનું રોકાણ કર્યા પછી ઓડિયન્સને ન ગમે અને ખોટ ખાવી પડે એવી ફિલ્મો એ શા માટે બનાવે? ઓડિયન્સ જો ઉદ્દેશલક્ષી ફિલ્મોને સક્સેસ અને નફાદાર બનાવે તો નિર્માતાઓ એવી ફિલ્મો બનાવવા માટે અવશ્ય મજબૂર બને!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.