નિષ્ફળતાઓ છૂપાવવા ડ્રેગન યુદ્ધના સહારે? યુદ્ધની તૈયારીઓમાં ઝડપ લાવોઃ જિનપિંગ

 

બીજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સૌથી ખરાબ સ્થિતિની કલ્પના કરતા સેનાને યુદ્ધની તૈયારીઓમાં ઝડપ લાગવવાનો મંગળવારે આદેશ આપ્યો અને તેમને પૂરેપૂરી દ્રઢતાથી દેશની સંપ્રભુતાની રક્ષા કરવાનું કહ્યું. દેશની સત્તાધારી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી)ના મહાસચિવ અને લગભગ ૨૦ લાખ સૈનિકોવાળી સેનાના પ્રમુખ ૬૬ વર્ષના શીએ અહીં ચાલી રહેલા સંસદ સત્ર દરમિયાન પીપલ્સ લિબરેશન આર્મી (પીએએલએ) અને પીપલ્સ આર્મ્ડ પોલીસ ફોર્સના પ્રતિનિધિઓની પૂર્ણ બેઠકમાં ભાગ લેતા આ ટિપ્પણી કરી હતી.

સરકારી એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ શીએ સેનાને આદેશ આપ્યા છે કે તે સૌથી ખરાબ સ્થિતિની કલ્પના કરે, તે અંગે વિચારે અને યુદ્ધ માટે પોતાની તૈયારીઓ અને તાલીમને વધારે, તમામ જટિલ પરિસ્થિતિઓનો તત્કાળ અને પ્રભાવી ઢબે નિકાલ કરે. આ સાથે જ પૂરેપૂરી દ્રઢતાથી રાષ્ટ્રીય સંપ્રભુતા, સુરક્ષા અને વિકાસ સંબંધી હિતોની રક્ષા કરે. તેમની આ ટિપ્પણી વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે લગભગ ૨૦ દિવસથી ચાલી રહેલી તંગદીલી વચ્ચે જોવા મળી છે. હાલના દિવસોમાં લદાખ અને ઉત્તરી સિક્કિમમાં ભારત અને ચીનની સેનાઓએ પોતાની હાજરી ઘણી વધારી છે. જે બંને દેશોની સેનાઓ વચ્ચે અલગ અલગ ઘર્ષણના બે અઠવાડિયા વીતવા છતાં તણાવ વધવા અને બંને પક્ષોના વલણમાં આક્રમકતા આવવાનો સ્પષ્ટ સંકેત આપે છે. ૩૫૦૦ કિમી લાંબી એલએસી બંને દેશો વચ્ચે વસ્તુતઃ સરહદનું કામ કરે છે.