નિવૃત્તિ એટલે સડવાની સ્વતંત્રતા

0
1745

(ગતાંકથી ચાલુ)
નોકરીના છેલ્લા દિવસે જે માણસ ખેદ અનુભવે તેને ફુલ્લી નાપાસ થયેલો જાણવો. લાંબી પગારદાર ગુલામી પછી આવી મળેલી આઝાદીને બે હાથ પહોળા કરીને ન આવકારે એવો માણસ ભગવાનની કોઈ પણ કૃપાને પાત્ર નથી હોતો. તમે ઘોડાને તળાવ સુધી ભલે તાણી જાઓ, પરંતુ પાણી તો ઘોડાએ પોતે જ પીવું પડે છે. ગરીબીને કેવળ ધનના અભાવ સાથે જોડવાની જરૂર નથી. ગરીબીનો ખરો સંબંધ સુખી થવાની આકાંક્ષાના અભાવ સાથે રહેલો છે. એરિફ ફ્રોમના એક પુસ્તકનું મથાળું છે, શ્નર્જ્ફૂીશ્વ ંશ્ જ્શ્વફૂફૂફૂફુૃં.ઌ નિવૃત્ત થવા જેવી રળિયામણી ઘટના બીજી કોઈ નથી. નિવૃત્તિ પણ શણગારવા જેવી ઘટના છે.
ઘડપણ સાથે શાણપણ આવે જ એવું કોણે કહ્યું? ક્યારેક ઘડપણ એકલું પણ આવતું હોય છે. આ શાણપણ તે વળી કઈ ચકલીનું નામ છે? સાંભળો ઃ
શ્વાસ ખૂટે, પરંતુ
ઇચ્છા ન ખૂટે
તેનું નામ મૃત્યુ!
ઇચ્છા છૂટે, પરંતુ
શ્વાસ ન ખૂટે
તો જીવતેજીવત મોક્ષ!
નિવૃત્ત થયા પછી પોતાની નવરાશ અસહ્ય લાગે ત્યારે કોઈ ને કોઈ રીતે કમાણી માટે બીજી કોઈ પગારદાર ગુલામી શોધી લેતા પામર વડીલને તમે જોયા છે? એ ડોસાબાપાને સ્વતંત્રતાનો ડર લાગે છે. પોતાની નિવૃત્તિ રળિયામણી બને તેવી મનગમતી પ્રવૃત્તિમાં મસ્તીથી જોડાઈ જવું એમાં જ શાણપણની શોભા રહેલી છે. ગીતામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જેવા બે શબ્દો સાથોસાથ બે વખત પ્રયોજાયા છે. જીવી જવાની લલિતકલા એટલે પ્રવૃત્તિમય નિવૃત્તિ અને નિવૃત્તિમય પ્રવૃત્તિ!
કોઈ આચાર્ય નિવૃત્ત થાય અને કોઈ પટાવાળો નિવૃત્ત થાય એમાં ઝાઝો તફાવત ખરો? ગુજરાતને કેટલાક એવા આચાર્યો મળ્યા છે, જેમણે પોતાની નિવૃત્તિને માવજતપૂર્વક શણગારી છે. ભાવનગરના આચાર્ય સદ્ગત જયેન્દ્ર ત્રિવેદી, મુંબઈના આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક અને અમદાવાદના ડો. ભોળાભાઈ પટેલ અને પ્રો. મહેન્દ્ર દેસાઈની નિવૃત્તિ રળિયામણી હતી. હજી આજે પણ આપણી વચ્ચે આચાર્ય મનસુખલાલ સાવલિયા, આચાર્ર્ય રસેશ જમીનદાર, આચાર્ય રાજેન્દ્ર નાણાવટી, આચાર્ય ગૌતમ પટેલ, આચાર્ય નગીનદાસ સંઘવી, આચાર્ય મોતીભાઈ પટેલ, આચાર્ય પુરુષોત્તમ જી. પટેલ, આચાર્ય મનસુખભાઈ સલ્લા, આચાર્ય ધીરુભાઈ પરીખ, આચાર્ય સિતાંશુ યશશ્ચંદ્ર, આચાર્ય રઘુવીર ચૌધરી અને આચાર્ય નરોત્તમ પલાણ ટટ્ટાર બેઠા છે. મારી વાત ન સમજાય તો વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્ય ઉશનસ્નાં કાવ્યો હવેથી જરૂર વાંચશો. આચાર્ય પુરુષોત્તમ ગણેશ માવળંકર આપણી વચ્ચે નથી, પરંતુ ગુજરાત એમને ભૂલી શકશે? નિવૃત્તિ પછી તેઓ મૂલ્યનિષ્ઠ રાજકારણના જ્યોતિર્ધર બની રહ્યા.
નિવૃત્તિ બડી સુંદર ચીજ છે, પરંતુ એ માણસને એક અસુંદર સ્વતંત્રતા આપે છે. એ છ ‘સડવાની સ્વતંત્રતા’ ચીમળાઈ ગયેલાં સો પુષ્પોની સામે પાંચ ખીલેલાં પુષ્પો ખિલખિલ હસી રહ્યાં છે. નિવૃત્તિ દરમિયાન જો માણસને મનગમતી પ્રવૃત્તિ ન મળે, તો તેનું જીવન કટાઈ ગયેલા કળશિયા જેવું બની જાય છે. ગુજરાતની કેટલીયે કોલેજોમાં – નિશાળમાં આજે પણ નિવૃત્તિ પહેલાં જ ચીમળાઈ ચૂકેલા હજારો નિસ્તેજ અને નિર્વીર્ય આચાર્યો જોવા મળશે. કામચોરી પણ ભ્રષ્ટાચારની જ બહેનપણી છે. ક્યારેક ટુવાલ જીવે તેના કરતાં મસોતું વધારે જીવે છે. વાસણ ભંગાર બની જાય પછી વર્ષો સુધી હરામનું પેન્શન ખાતું રહે છે! આવા માણસોનાં નામ આગળ ‘મરહૂમ’ શબ્દ નથી યોજાયો.
ગિયર વિનાની કાર જેવું આપણું જીવન નાના ફ્લેગ સ્ટેશન પરથી ઝડપભેર પસાર થઈ જતા રાજધાની એક્સપ્રેસની માફક પસાર થઈ જાય છે. પોતાને ખબર પણ ન પડે તેમ માણસ બાળક મટીને કિશોર અને કિશોર મટીને કુમાર બની જાય છે. કુમાર અવસ્થા ક્યારે વીતી ગઈ અને યુવા અવસ્થા ક્યારે શરૂ થઈ તેનો ખ્યાલ આવે, ત્યાં તો લગ્ન પણ થઈ ગયાં! લગ્નનો રોમાંચ હજી માંડ પૂરો થાય, ત્યાં તો પિતા કે માતાની ભૂમિકા ભજવવાની નોબત આવી પડી! થોડોક સમય વીતે ત્યાં તો નિવૃત્તિ પછીની ‘દાદાગીરી’ શરૂ! વિચાર સાથે મહોબ્બત ન કેળવાય તો સડવાની સ્વતંત્રતા મૃત્યુને વહેલું તાણી લાવે છે. લાંબું જીવવા માટે પણ વિચારોના વૃંદાવનમાં લટાર મારવાની હોબી કેળવવી રહી.
કટાઈ ગયેલા કાણા કળશિયા જેવો માણસ સવાર પડે ત્યારે સાંજની અને રાત પડે ત્યારે સવારની રાહ જુએ. નિવૃત્તિ પણ કદરૂપી હોઈ શકે છે. જો નિવૃત્તિની નવરાશમાં પારકી પંચાત કરવાની કુટેવ પડી જાય તો લોકો એવા માણસથી દૂર ભાગતા રહે છે. વણમાગી સલાહ આપવાની કુટેવને કારણે કેટલાય વૃદ્ધો ઘરડાંઘરમાં પહોંચે છે. કેટલાક વૃદ્ધોને સતત એવું લાગ્યા કરે છે કે દુનિયા હવે પહેલાંના જેવી રહી નથી. નકારાત્મક વિચારો આયખું ઘટાડે છે અને વળી જીવનને અસહ્ય બનાવે છે. હકારાત્મક વિચારો જીવનને રળિયામણું બનાવે છે. વૃદ્ધત્વની ખરી કસોટી પુત્રવધૂ પ્રત્યેના વલણને નિમિત્તે થતી હોય છે. જે સાસુ કે સસરાને પુત્રવધૂ સારાં કહે તેમને ફુલ્લી પાસ વિથ ડિસ્ટિંક્શન ગણવાં. તેઓ પુત્રવધૂની કામમાં ટકટક નથી કરતાં. મલયાલમ ભાષામાં એક કહેવત છેઃ
ગાયના આંચળ પર
બેઠેલા મચ્છરો
કદી દૂધ નથી પીતા,
લોહી જ પીએ છે!
માણસ કેવું જીવ્યો તેનું ઓડિટ અંત સમયે પ્રગટ થતું રહે છે. (ક્રમશઃ)