નિર્ભયા કેસના ચારે હત્યારાઓની ફાંસીની સજા પાછી મોકૂફ રહી …એક અપરાધી પવનની દયાની અરજી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ હોવાથી ફાંસી મોકૂફ રખાઈ…

 

       નિર્ભયા કેસના ચારે ગુનેગારોની ફાંસીની સજા હાલ પૂરતી મુલત્વી રખાઈ છે. ચારમાંના એક ગુનેગાર પવનની મર્સી પિટિશન – દયાની અરજી રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવી હતી, જે અંગે તેમનો નિર્ણય આવવો હજી બાકી હોવાથી ચારે જણાની ફાંસીની સજા મોકૂફ રખાઈ હતી. કારણ કે અદાલત પાસે એના સિવાય કોઈ જ કાનૂની વિકલ્પ નથી. આથી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સજાના અમલ પર સ્ટે મૂકી દીધો હતો. નિર્ભયાના માતા- પિતાએ આ સમાચાર જાણીને દુખની અને હતાશાની લાગણી વ્યક્ત કરી હતી. અગાઉના અદાલતના આદેશ મુજબ, 3 માર્ચના આ ચારે ગુનેગારોને ફાંસી આપી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. 

 સમગ્ર દેશને ખળભળાવી મૂકનારા નિર્ભયા ગેન્ગ રેપ કેસના ચોથા અપરાધી પવનની કયુરેટિવ અરજી પણ આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. પવને પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, જયારે ઘટના બની ત્યારે એ કિશોર વયનો હતો. પાંચ જજની બેન્ચે સર્વસંમતિ સાથે ચુકાદો આપ્યો હતો. કયુરેટિવ અરજી પર કોર્ટમાં હંમેશા બંધબારણે સુનાવણી કરવામાં આવે છે. આજે પણ પાંચ ન્યાયાધીશોની બેન્ચે સુનાવણી હાથ ધરીને ચુકાદો આપ્યો હતો. આમ છતાં કાનૂની પ્રક્રિયાની જટિલતાને કારણે જયાં સુધી ચારે અપરાધીઓના બધા જ કાનૂની વિકલ્પો સમાપ્ત ન થાય, દરેક વિકલ્પનો ચુકાદે ના આવે ત્યાં સુધી ગુનેગારોને ફાંસી આપવી કાનૂની રીતે શક્ય નથી. અગાઉ બ વાર ફાંસીની સજા મોકૂફ રખાઈ ચૂકી હતી,  હવે ત્રીજીવાર ફરી ફાંસીની સજાનો અમલ મુલત્વી રખાયો છે.