નિર્ભયા કેસના એક આરોપીની ફાંસીની સજા સામે સુપ્રીમમાં ક્યુરેટિવ પિટિશન

નવી દિલ્હીઃ ચકચારી નિર્ભયા પર રેપ અને તેની હત્યા કરનારા ચારેય અપરાધીઓને ફાંસી આપવા માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ જારી કરી દીધા છે. આ ડેથ વોરંટ જારી થયા એ દિવસથી જ નિર્ભયાના અપરાધીઓએ ખાવા-પીવાનું છોડી દીધું છે. જ્યારે ડેથ વોરંટ જારી થયા ત્યારે જ તેઓ રડવા લાગ્યા હતા અને ડિપ્રેશનમાં જતા રહ્યા છે, સાથે જ તેમનાં માતા-પિતા કે જેઓ કોર્ટમાં હાજર હતાં તેઓ પણ ખૂબ રડ્યાં હતાં.
બીજી તરફ, જેલમાં આ અપરાધીઓને ફાંસી આપવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. હાલ આ ચારેય અપરાધીઓ દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે. અહીંના જેલ પ્રશાસન દ્વારા એક ડમી પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં પહેલા ફાંસીની આખી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવી એ કરવામાં આવશે.
હાલ આ ચારેય અપરાધીઓને અલગ અલગ બેરેકમાં કેદ કરી લેવામાં આવ્યા છે. હાલ તેમની પાસે માત્ર ૧૪ દિવસ બચ્યા છે, જે દરમિયાન તેઓ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ સમક્ષ અપરાધીઓની ત્રણ દયા અરજી પણ પેન્ડિંગ છે, જેને લઈને કોઈ નિર્ણય નથી આવ્યો.
આ પરિસ્થિતિ વચ્ચે જો ક્યુરેટિવ પિટિશન દાખલ થાય અને દયા અરજી અંગે વહેલા નિર્ણય ન આવે તો અપરાધીઓને અગાઉ જે ૨૨ તારીખે ફાંસી આપવાનું નક્કી થયું હતું એમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે એને પડકારવા માટે નીચલી કોર્ટે આ અપરાધીઓને સાત દિવસનો સમય આપ્યો છે, તેથી તેઓ ડેથ વોરંટને ઉપલી કોર્ટમાં પડકારશે, તેથી દયા અરજી, ક્યુરેટિવ પિટિશન ઉપરાંત ડેથ વોરંટને પડકારવા એમ ત્રણ વિકલ્પો અપરાધીઓ પાસે છે, જેને કારણે ફાંસીની સજા આપવામાં હજુ મોડું થઈ શકે છે.
આ ચારે આરોપીઓ પૈકીના એક વિનયકુમાર શર્માએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે, જેમાં ફાંસી પર રોક લગાવવા માટે માગ કરાઈ છે. ક્યુરેટિવ પિટિશન અંગે પણ જાણકારોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં જ ક્યુરેટિવ પિટિશન પર નિર્ણય બદલતી હોય છે. આ સંજોગોમાં દોષીઓની ફાંસી ટળે એવી શક્યતા બહુ જ ઓછી છે.