નિર્ભયાના દોષિતોને ૨૦મી માર્ચે થશે ફાંસી, કોર્ટે ઇસ્યુ કર્યું ડેથ વોરન્ટ 

 

નવી દિલ્હીઃ અનેક ઊથલપાથલ બાદ હવે નિર્ભયાના દોષિતો માટે ફાઇનલ ડેથ વોરન્ટ બહાર પડી ગયું છે, જે મુજબ ચારેય દોષિતોને ૨૦મી માર્ચે સવારે ૫.૩૦ વાગે ફાંસીના માંચડે લટકાવવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરન્ટ ઇસ્યુ કર્યું છે. અત્રે જણાવવાનું કે દોષિતો પાસે બચવાના તમામ કાયદાકીય વિકલ્પો ખતમ થઈ ગયા છે. આ અગાઉ નિર્ભયા મામલે દોષિત પવન ગુપ્તાની દયાની અરજીને રાષ્ટ્રપતિએ બુધવારે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાંથી પવનની ક્યુરેટિવ અરજી સોમવારે જ નકારી કાઢવામાં આવી હતી, આ સાથે જ ચારેય દોષિતોની અપીલ, પુનર્વિચાર અરજી, ક્યુરેટિવ પિટિશન અને દયા અરજીના વિકલ્પો સમાપ્ત થઈ ચૂક્યા છે, એટલે કે હવે આ ચારેય દોષિતોના તમામ કાયદાકીય અધિકારોનો ઉપયોગ થઈ ગયો છે  અને હવે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.