નિરોગી રહેવા આમળાનું સેવન કરો

0
2225

સદાયે યુવાન રહેવાય અને ઘડપણ નજીક આવે નહિ એવી સૌ કોઈની ઇચ્છા હોય છે, પણ કુદરત એનું કાર્ય કર્યે જ જાય છે. થનગનતી યુવાની ટકાવી રાખવી હોય અને પરાવલંબી ઓશિયાળું ઘડપણ પાછું ઠેલવું હોય કે કાયાને જર્જરિત થતી અટકાવી, પ્રવૃતિશીલ રાખવી હોય તો આયુર્વેદ શાસ્ત્રમાં બતાવેલા યોગો અને ઔષધો વિશે વિચારવું પડશે. રસાયનના ખોરાકની જેમ જ નિત્ય સેવન કરવાથી જરૂર લાભ થશે.
આ લાભ લેવા માટે, આમળાં જરૂર યાદ કરવા પડે, કારણ કે, આમળાં સહેલાઈથી મળે છે, અને એમાં રહેલા ગુણોને લીધે પ્રથમ હરોળમાં અગ્રસ્થાને આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, વયસ્થા વયો યૌવન તિષ્ઠતિ તિયે કલિયુગે ફલમસ્યાં સેવયા – જેના નિત્ય સેવનથી સદાબહાર યુવાની ટકી રહી છે અને કળિયુગમાં સેવનથી પુણ્ય મળે છે, મંગળ ફળ મળે છે. આવાં ઔષધો અને સુંદર પ્રયોગો હોવા છતાં હાલમાં પણ ઘડપણ વહેલું આવે છે, એટલું જ નહિ, પણ સાથે બે-ચાર રોગો પણ લાવે છે, કારણ કે આપણે શાસ્ત્રે બતાવેલા રસ્તે ચાલતા નથી અને કદાચ ચાલીએ છીએ તો આરંભે શૂરા જેવું વર્તન કરીએ છીએ. પછી ભૂલી જઈએ છીએ.
ઘડપણ ધીમે ધીમે લાંબા સમયે આવે એમ એને આવતું રોકવા માટે લાંબો સમય પ્રયત્નશીલ રહેવું પડે છે. થોડા દિવસ પ્રયોગ કરવાથી કે ઔષધો લેવાથી ખાસ ફેર પડતો નથી. નિત્ય સેવન કરવાથી જ ઇચ્છિત લાભ મળે છે.
ભોજનની શરૂઆતમાં, ભોજનની વચ્ચે કે ભોજનની અંતે આમળાં ખાવાથી આરોગ્ય સારું રહે છે. તાજાં આમળાં કે આમળા ચૂર્ણ કે અવલેહરૂપે વાપરી શકાય છે. કબજિયાતના દર્દીએ ત્રિફળાનું નિત્ય સેવન કરવું. ત્રિફળામાં હરડે, બહેડાં અને આમળાં સરખે ભાગે આવે છે. એવી જ રીતે ગળો, ગોખરું અને આમળાં સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવવામાં આવે છે, જેને રસાયણ ચૂર્ણ કહેવામાં આવે છે. નિત્ય સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તદુપરાંત આરોગ્ય જળવાઈ રહે છે. નીરોગી રહેવા માટે આમળામાંથી શાસ્ત્રીય રીતે ચ્યવનપ્રાશાવલેહ ઉત્તમ કામ કરે છે. આમળાને એમાં રહેલા ગુણોને લીધે વિશ્વમાં આવકાર મળી રહ્યો છે. દિવાળીની આસપાસ આમળાની સીઝન શરૂ થાય છે. દિવાળીથી સારાં આમળાં માર્કેટમાં આવવા શરૂ થઈ જાય છે. રસ ધરાવનારે આ સીઝનમાં સારાં આમળાં લાવી આખા વર્ષની જરૂરિયાત મુજબ ઘરમાં રાખવાં. આમળાના ટુકડા કરી કે ખમણી, સૂકવવા, સુકાયા પછી સૂક્ષ્મ ચૂર્ણ બનાવી વાપરવું. આ ચૂર્ણ વાપરો અને બજારમાંથી મળતાં ચૂર્ણ વાપરી ખાતરી કરો, કયું ઉત્તમ છે? આ ચૂર્ણને આમળાના રસની ભાવના આપી, ચૂર્ણ તૈયાર થાય તેને આમલકી રસાયન કહે છે. આ ચૂર્ણને ગાયનું ઘી, સાકર સાથે વાપરવાથી ત્રણે દોષને સમ રાખે છે, અને સાત ધાતુઓને વધારી યૌવન ટકાવી રાખે છે. આમળાની આયુર્વેદમાં ભારોભાર પ્રશંસા કરાઈ છે. આમળામાં પાંચ રસ છે, એક લવણરસ નથી. રુક્ષ, શીત છે. વિપાકે મધુર અને ત્રિદોષહર છે, દીપન, પાચન પૌષ્ટિક છે. કુષ્ઠ, ગુલ્મ, શોષ, પાંડુરોગ, હરસ, સંગ્રહણી, વિષજ્વર, અરુચિ, ઉધરસ, મેહ, શરદી, સ્વરભંગ, કમળો, કૃમિ, સોજો, શ્વાસ વગેરે રોગો મટાડે છે. સ્મૃતિ અને આંખનું તેજ વધારે છે. અતિ પ્રાચીન સમયમાં યૌવન ટકાવી રાખવા કે ઘડપણ દૂર કરવા કુટિર પ્રવેશ કરાવી રસાયન ઔષધો આપવામાં આવતાં. એમાં આમળાનો ખાસ ઉપયોગ થતો. એ જમાનામાં ચ્યવન ઋષિ ખૂબ જ ઘરડા થઈ ગયેલા. અશ્વિનીકુમારોએ ચ્યવનપ્રાશ બનાવી શાસ્ત્રીય વિધિ મુજબ આપેલું. ચ્યવન ઋષિ અને હરિદત્ત શાસ્ત્રી પર કરવામાં આવેલા પ્રયોગોથી યૌવનનાં લક્ષણો પ્રાપ્ત થયાં હતાં. અતિ પ્રાચીન સમય અને અર્વાચીન સમયમાં થયેલા પ્રયોગો અને અનુભવ પરથી એટલું ચોક્કસ કહી શકાય કે, કૃત્રિમ વિટામિન સી કરતાં કુદરતી વિટામિન સી અને અન્ય ગુણોથી ભરેલાં આમળાં આજે પણ ચમત્કારિક અસર બતાવે છે, રોગ દૂર કરે છે અને નીરોગી જીવન બક્ષે છે. કુટિર પ્રવેશ કરી લાભ મેળવવો અઘરું કામ છે, પણ આમળાં એકલાં કે અન્ય ઔષધો સાથે મેળવી લાભ લઈ શકાય છે. આધુનિક દષ્ટિએ આમળાંમાં ગૈલિક એસિડ -11.3ર, ટેગીન શર્કરા-36.7, આલ્બુમિન વિ. 13.8, સેલ્યુલોઝ-17.8, ખનિજ દ્રવ્ય-4.1ર ટકા છે. આ ઉપરાંત વિટામિન સી અને પ્રોટીન સારા પ્રમાણમાં છે ર00 ગ્રામમાં 600-9ર1 મિ.ગ્રા. જેટલું વિટામિન સી છે. સૂકાં આમળાંમાં પણ પૂરતી માત્રામાં વિટામિન સી હોય છે. આમળાં બહુ તાપમાં લાંબો સમય પડ્યા રહે તો વિટામિન સી ઓછું થાય છે.
આમળાં સારાં મોટાં રસદાર મળી રહે છે અને કોઈને કોઈ રૂપમાં વાપરી વિદાય લઈ રહેલા આરોગ્યને પરત બોલાવી, જીવન જીવવા જેવું બનાવીએ. આમળાંનો વધુ પ્રચાર કરી, કરાવી બાળકો, યુવાનો અને વૃદ્ધોને આરોગ્યની સમસ્યા હલ કરવામાં આપણે કંઈક કર્યું છે એવો સંતોષ માનીએ.