નિમ્ન રક્તચાપનો આયુર્વેદિક ઉપચાર

0
1903
Dr. Rajesh Verma

ચિકિત્સાના એક સામાન્ય સિદ્ધાંત પ્રમાણે નિમ્ન રક્તચાપના દર્દીને એવાં ઔષધો આપવાં જોઈએ, જે આખા શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિનો સંચાર કરે, હૃદયને બળ આપે, શરીરમાં રહેલા જલિયાંશ અને રક્તમાં વૃદ્ધિધાતુઓના પોષણ આપી તાત્કાલિક તાજગી અને ઉષ્માનો પણ અનુભવ આપે અને સાથે વાયુ તથા કફને સમાવસ્થામાં લાવવામાં મદદરૂપ બને. આવાં ઔષધોમાં અર્જુનારિષ્ટ, કસ્તુરીયુક્ત દશામૂલારિષ્ટ, દ્રાક્ષાસવ અને અશ્વગંધારિષ્ટ મુખ્ય છે. બૃહદ વાત ચિંતામણિ રસ તો લો બીપીમાં રક્તવાહિનીઓ શિથિલ બની જાય છે અને અર્જુનારિષ્ટ શિથિલ થયેલી નાડીઓને સંકુચિત અને મજબૂત બનાવી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર કરે છે. હૃદયની નબળાઈના કારણે નિમ્ન રક્તચાપ રહેતું હોય તેમાં અર્જુનારિષ્ટ ઉત્તમ પરિણામ આપે છે.
દશામૂલારિષ્ટ ઉત્તમ વાયુનાશક ઔષધ છે. એમાં આવતાં અનેક જીવનીય દ્રવ્યોના કારણે શરીરમાં રોગપ્રતિકાર શક્તિ અને સ્ફૂર્તિ વધે છે. પાચનતંત્ર સુધરે છે. અને શરીરમાં અન્ય ધાતુઓની જેમ રસ, રક્ત વગેરેની વૃદ્ધિ થતી હોવાથી લો બીપીમાં તત્કાળ તથા કાયમી રાહતનો અનુભવ થાય છે. દશમૂલારિષ્ટમાં કસ્તુરી રક્તવર્ધક તથા હૃદયોત્તેજક હોવાથી રુધિરાભિસરણ ક્રિયાને વ્યવસ્થિત કરે છે.
દ્રાક્ષાસવમાં મુખ્ય દ્રવ્ય દ્રાક્ષ છે અને તે ત્રિદોષ-શામક, રુચિકર, પૌષ્ટિક અને હૃદય માટે હિતકર હોવાથી તેમાંથી બનતું આ ઔષધ તત્કાળ થાકને દૂર કરી શરીર તથા મનમાં સ્ફૂર્તિ અને પ્રફુલ્લતા લાવે છે. અશ્વગંધારિષ્ટ પણ પરમ વાતશામક, પાચનશક્તિ સુધારનાર, હૃદય માટે હિતકારક, શક્તિ તેમ જ સ્ફૂર્તિ વધારનાર તથા રક્તવાહિનીઓની કાર્યશક્તિને વેગ આપનાર અને પૌષ્ટિક હોવાથી નિમ્ન રક્તચાપમાં સારું પરિણામ આપે છેે.
જેમાં ખારો ખાટો રસ આવતો હોય તેવાં ઔષધો પણ નિમ્ન રક્તચાપમાં આપી શકાય. આમાં રસોનો લશુનાદિવટી, ચિત્રકાદિવટી, શંખવટી, દ્રાક્ષાવટી, અગ્નિમુખ ચૂર્ણ, લવણ ભાસ્કર ચૂર્ણ, દાડિમાષ્ટક ચૂર્ણ વગેરે મુખ્ય છે. જેમને નિમ્ન રક્તચાપ થઈ જતું હોય તેવી વ્યક્તિએ તાત્કાલિક પરિણામ માટે એક ગ્લાસ પાણીમાં અડધું કે એક લીંબુ નિચોવી જરૂરી ખાંડ તથા મીઠું મેળવી હલાવીને પી જવું, ખાંડની જગ્યાએ ગ્લુકોઝ પણ વાપરી શકાય. આ સિવાય સંતરા કે નારંગીનો રસ, દ્રાક્ષ કે ખટમીઠાં ફળનો જ્યૂસ, કેરીનો રસ વગેરે પણ ચાલી શકે. ઘણા લોકો નિમ્ન રક્તચાપ થઈ રહ્યું છે એવું લાગે કે તરત જ એક કપ કોફી પણ પી લેતા હોય છે. થોડી ખાંડ કે સાકરની ફાકી લઈ લેવાથી રાહત મળતી હોય છે.
પાચનશક્તિની નબળાઈ, અજીર્ણ, દુર્બળતા, માનસિક થાક, ઉદાસીન અને જાતીય અશક્તિ જેવી બાબતોથી નિમ્ન રક્તચાપ થઈ જાય તો તેમાં નવજીવન રસની બે-બે ગોળી સવાર-સાંજ દૂધ સાથે લેવી જોઈએ. આ ઔષધમાં શુદ્ધ ઝેરકોચલા અને લોહભસ્મ, રસસિંદૂર, ત્રિકટૂ અને આદુનો રસ આવે છે. આ બધાં ઔષધો રક્તવર્ધક, હૃદયોત્તેજક અને બળવર્ધક છે. આથી નિમ્ન રક્તચાપવાળાને અમુક અમુક સમયના અંતરે નવજીવન રસ આપતા રહેવાથી ફાયદો થાય છે. ગંઠોડા એટલે કે પીપરીમૂળને પણ લો બીપીમાં વાપરી જોયું છે. તે વાતશામક તથા અગ્નિને પ્રદીપ્ત કરી પાચનશક્તિ સુધારનાર છે. લસણ પણ લો બીપીનું અસરકારક ઔષધ છે. તે ઉષ્ણ, રસાયન, વાતશામક, બળવર્ધક અને મંદાગ્નિનાશક હોવાથી હૃદયને તત્કાળ ઉત્તેજિત કરે છે અને આખા શરીરમાં સ્ફૂર્તિ લાવી દે છે.
નિમ્ન રક્તચાપવાળા દર્દીનું મોટા ભાગે હીમોગ્લોબીન ઓછું હોય છે તેથી જેનું બ્લડપ્રેશર ઓછું રહેતું હોય તેવા લોકોએ પોતાનું હીમોગ્લોબીન ટેસ્ટ કરાવવું જોઈએ. હીમોગ્લોબીન ઓછું હોય તો તેને વધારવાના ઉપાય કરવાથી નિમ્ન રક્તચાપ પણ નોર્મલ બની જાય છે.