નારી મહિમાના દુહા

0
5233

નારી નિરૂપણના અપાર દુહા મળે છે. એમાં નારીનો મહિમા, નારીની મહત્તા અને મૂલ્યવત્તાની વિગતો વિશેષ રૂપે નિરૂપણ પામી છે. અને કંઠસ્થ પરંપરામાં નારીની નિંદા, નારીના વગોવણાં કે નારી ચરિત્ર સંદર્ભે કટાક્ષ કરતા દુહા બહુ ઓછા મળ્યા છે. શોધ ચાલુ છે, પણ કંઠસ્થ પરંપરામાં કે મધ્યકાલીન પરંપરામાં આવા ભાવના દુહા બહુ ઓછા સાંપડે છે. એનો અર્થ તો એવો થાય કે નારી પરત્વે દુર્ભાવને બદલે સદ્ભાવ, સમભાવ વિશેષ હોવો જોઈએ. નારી નરકની ખાણ કે નારીની બુદ્ઘિ પગની પાનીએ જેવા રૂઢિપ્રયોગો થોડા ઘણા પ્રચલિત છે અને પરંપરામાં થોડાં વધુ પણ સાંપડે તેમ છતાં નારી મહિમાને મુકાબલે નારી નિંદાનું પ્રમાણ અલ્પ માત્રામાં છે. નારી મહિમા અને મહત્તાનો પરિચય કરાવતા થોડા દુહા આસ્વાદીએ.
કેવી નારીનો મહિમા, કેવી નારીનું મૂલ્ય વિશેષ હોય તે વિગતને આલેખતો એક હૃદયસ્પર્શી દુહો દરબારશ્રી પૂંજા વાળાસાહેબ કથતા હોય છે.
‘નવરે દી નાથે ઘડી, નારી નમણી જાણ;
રીઝે તો રમણે ચડે, ખીજે મારે લાત’
નારીના નમણા – નાજુક શરીરને જ્યારે બ્રહ્માએ નવરા-કશા ખાસ કામના ભારણ હેઠળ નહી હોય ત્યારે ઘાટ આપ્યો હશે. આ નમણી રમણીના રૂપની સાથે એમાં સ્વભાવ પણ પ્રગટ થાય છે. જો એ પ્રસન્ન હોય તો રતીક્રીડામાં મગ્ન રાખે-રમણે ચડે, પણ ગુસ્સામાં હોય તો એનો પદાઘાત પણ સહન કરવો પડે. એ લાત-પાટવું-પણ મારે પ્રહારે કરે.
નારીના રૂપ-ગુણ અને સ્વભાવને દુહાના માધ્યમથી અસરકારક રીતે રજૂ કરાયેલા છે. દુહા રચયિતાઓના સ્વાનુભવ આ રીતે શાશ્વત મનોભાવોના ઉદ્ઘાટન રૂપે પ્રયોજાય એટલે દુહો સનાતન સત્યનો ઉદ્ઘાટક તરીકેના વિશેષણને પ્રાપ્ત કરી શક્યો છે.
પિયુ ભોજન કરે, પ્રીતમ બોલ સુહાય;
પૂજયા હોય તો પામીએ, જુવતી આ જગમાંય
પ્રિયતમ-પતિ જ્યારે ભોજન કરી રહ્યો હોય ત્યારે પ્રિયતમા-પત્ની સાંભળવા ગમે એવા બોલ, વાણી-વખતો કહેતી હોય છે. આવી હેતાળ, પ્રેમાળ અને મીઠાબોલી પત્ની જગતમાં આપણને તો જ પ્રાપ્ત થાય જો આપણે પરમકૃપાળુ પરમાત્માને પૂજ્યા હોય. અર્થાત્ પ્રેમાળ પત્નીની પ્રાપ્તિ પરમાત્માની કરેલી પૂજાનું પરિણામ છે.
પરમાત્મા પરત્વે કેટલી ઊંડી અને મોટી શ્રદ્ઘા અહીં નિરૂપાઈ છે. આવા ભાવવિશ્વને કારણે દુહો ભારતીયતાની ઓળખ પ્રાપ્ત કરે છે. નારીનું ગુણવર્ણન અને આવી ગુણવાન નારીની પ્રાપ્તિનું રહસ્ય અહીં કવિએ આલેખ્યું છે.
નારી હૃદયે નેહ, વળગ્યો તે વછૂટે નહિ;
સીતા છોડી દેહ, (તોય) રૂડા મનમાં રામજી
નારીનાં ચિત્તમાં સ્નેહ-પ્રેમ પ્રગટ્યો હોય એ પછી તૂટતો-વછૂટતો નથી. રામજીએ સીતાને ત્યાગી છોડી દીધી તો પણ સીતાએ એના હૃદયમાંથી રામને જાકારો આપેલો નહોતો. સ્ત્રીની ચાહવાની પ્રકૃતિ અને એમાં રહેલા સાતત્યને ચીંધવા માટે રામ-સીતાનું દષ્ટાંત અહીં વણી લેવામાં આવ્યું છે, પણ આખરે વાત તો કહેવી છે નારીની ગુણિયલ વ્યક્તિમત્તાની કે જેની એ પોતે માલિક છે.
અહીં પ્રથમ પંક્તિમાં નારીની સાથે નેહ શબ્દ માત્ર વર્ણસગાઈનો વાચક નથી તેમ જ વળગ્યાની સાથે વછૂટે શબ્દનું નિરૂપણનું સૂઝવાળું કવિવ્યકિત્તત્વ પણ એમાંથી સહજ રીતે પ્રગટે છે. રામજીનું રૂડું વ્યક્તિત્વ મનમાં ભંડારેલું જ રહ્યું. આપણા માટે એ રૂડપ નથી, પણ સીતાને જો એ રૂડું ન જણાયુ હોત તો તો એમણે ત્યાગી જ દીધું હોત.
સોપારી વખાણું સોરઠી, જેના લીલા પીળા રંગ;
સ્ત્રી વખાણું કેડ પાતળી, જેનાં વાળ્યાં વળે અંગ
સોરઠની લીલી નાઘેર તરીકેની પણ એક ઓળખ છે. ત્યાં નાગરવેલના પાનનાં માંડવા હોય, નાળિયેરી હોય અને પહેલાં તો સોપારીનાં વન પણ ઊભાં કરાતાં. આ સોરઠી સોપારીનો ચૂરો મોઢામાં મૂકો અને પાણી થઈ જાય. ઓગળી જાય. એનાં લીલાંછમ્મ પાન હોય, પછીથી પીળાં પડી જાતાં હોય, સોપારીના નમણા-નાજુક રૂપ માફક પાતળી કમર-કેડવાળી સ્ત્રી કે જે સ્થૂળ નથી એટલે એનું એકેએક અંગ જેમ વાળવું હોય એમ વાળી શકે. આવી નાજુક નમણી નારીનાં અહીં વખાણ કરાયાં છે.
બીજા એક દુહામાં રૂપની સાથે નારીના સ્વભાવના સનામતથ ઘટકને પણ વણી લીધા છે એ ભાવ પ્રગટાવતો દુહો આસ્વાદીએ.
નારીની નજાકત નાજુકતા, નારીની નમણાંશ અને સ્વભાવગત ખાસિયતો – વિશિષ્ટતાઓ, નારીનું મીઠાબોલું વ્યક્તિત્વ અને નારીની અહર્નિશ – નિરંતર પ્રેમ-સ્નેહ વહાવતો રહેવાની પ્રકૃતિ અહીં સરળ-સહજ વાણીમાં નિયોજાઈ છે. ભાવને અર્થપૂર્ણ શબ્દોના માધ્યમથી ઉદ્ગારિત કરવાની આવડત અને સહજ રીતે, રૂપક વર્ણસગાઈ જેવા અલંકાર પ્રયોજવાનું કૌશલ્ય અહીંથી પ્રગટતું જોવા મળે છે. દુહો આવા કારણથી ભાવકના ચિત્તમાં કે શ્રવણપાન કરનાર વ્યક્તિના ચિતમાં જકડાઈ જાય છે. સ્મૃતિમાં વણાઈ જાય ને આવા સમયે વાતમાં-કથનમાં દષ્ટાંત તરીકે પ્રયોજાઈને સેંકડો વર્ષોથી માનવસમુદાયના કંઠે સચવાતો રહ્યો છે.

લેખક લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંતસાહિત્યના જાણીતા વિદ્વાન છે. તેમણે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય વિશે પણ ખૂબ કામ કર્યું છે.