નામરૂપ જૂજવાં

0
1280
રમેશ ઠક્કર

માણસનાં હાલનાં નામ ટૂંકાં અને ચોટદાર હોય છે. ઝલક, પલક, નેતિ, ભવ્ય, દિવ્ય અને ક્યારેક તો જેનો કોઈ અર્થ પણ ન હોય તેવાં નામની બોલબાલા વધી છે. હમણાં મતદારો માટે પ્રસિદ્ધ થયેલી યાદીમાંથી એક તારણ નીકળ્યું હતું, જેમાં પુરુષ વર્ગમાં સૌથી વધારે આવતું નામ ‘રમેશ’ હતું. રમેશ દરેક પેઢીમાં લોકપ્રિય નામ રહ્યું છે. મહિલા કેટેગરીમાં કયું નામ હોઈ શકે? કલ્પના કરી શકાય? એ નામ છે ‘મંજુલા’. આ નામની મતદારો સૌથી વધારે નોંધાઈ છે.

શેક્સપિયરે એવું કહ્યું છે ‘નામમાં શું છે?’ નામ ગમે તે હોય શું ફરક પડે. આપણી સંસ્કૃતિમાં પણ નામને નાશવંત ગણવામાં આવ્યું છે. આમ છતાં માણસને નવાં-નવાં નામ શોધવાનું ગમે છે. માણસ પોતાનું નામ નક્કી કરે છે, એના મોહમાં પડે છે. નામ અમર રહે તે માટે ધખારા કરે છે! સંપત્તિ કમાવા કરતાં પણ કીર્તિનો મોહ ચડી જાય છે. માણસને પોતાની તકતી કોતરાવવામાં ખૂબ રસ હોય છે. પોતાનું નામ પાંચ માણસોની વચ્ચે ચર્ચાય એવી અભીપ્સા હોય છે. નામનું વૈવિધ્ય પણ જોવા જેવું હોય છે. માણસનું નામ હોય તો તેના ગામ કે શહેરનું પણ નામ હોઈ શકે. તેના પુસ્તક કે પેઢીનાં પણ નામ હોઈ શકે. નામની લીલા અપરંપરા છે. પોતાના ઘર ઉપર વિવિધ નામ પ્રદર્શિત કરતાં માણસને જોઈ એક કવિએ કટાક્ષમાં લખ્યું છેઃ
કાનજી ને ફોસલાવે કાનજી
ઘર ઉપર ગોકુળ લખાવે કાનજી!
આમાં માણસ ઘરના અર્થને સમજ્યા વગર જે નામાભિધાન કરે છે એની વાત કવિ કરે છે. તકતીમાં પોતાનું નામ જોઈ હરખઘેલા થતા માણસ માટે હવા-પાણી કે ધરતી જેવાં પરિબળોની ખુમારી જુઓ. એક ગઝલમાં કહેવાયું છે ઃ
ક્યાંય તારા નામની તકતી નથી
ઓ હવા તારી સખાવતને સલામ

આપણે ત્યાં સખાવત આપનાર સૌપ્રથમ પોતાનું નામ તકતી માટે પસંદ થાય એ નક્કી કરાવે છે. નામનો મોહ સંમોહક બનીને માણસને બહેકાવે છે. નામોનું વૈવિધ્ય પણ કેવું છે! એક સમયે ધાર્મિક કે સંસ્કૃતપ્રચુર ભાષાના પ્રભાવમાં નામ રખાતાં, જેમાં દયારામ, જીવરામ, શિવરામ કે રત્નમણિશંકર કે સરસ્વતીચંદ્ર જેવાં નામ પ્રચલિત હતાં. નામ જેટલાં લાંબાં એટલો માણસ મોટો. પછીથી જમાનો આવ્યો ફિલ્મી યુગનો અને વ્યવસાય આધારિત નામો રાખવાનો, જેમાં દિલીપકુમાર, દેવ આનંદ, મુકેશ, રાજ કે દેવિકા, ભાવિકા જેવાં નામોનું પ્રાબલ્ય વધ્યું. માણસનાં હાલનાં નામ ટૂંકાં અને ચોટદાર હોય છે. ઝલક, પલક, નેતિ, ભવ્ય, દિવ્ય અને ક્યારેક તો જેનો કોઈ અર્થ પણ ન હોય તેવાં નામની બોલબાલા વધી છે. હમણાં મતદારો માટે પ્રસિદ્ધ થયેલી યાદીમાંથી એક તારણ નીકળ્યું હતું, જેમાં પુરુષ વર્ગમાં સહુથી વધારે આવતું નામ ‘રમેશ’ હતું. રમેશ દરેક પેઢીમાં લોકપ્રિય નામ રહ્યું છે. મહિલા કેટેગરીમાં કયું નામ હોઈ શકે? કલ્પના કરી શકાય? એ નામ છે ‘મંજુલા’. આ નામની મતદારો સૌથી વધારે નોંધાઈ છે. એમ તો રામચંદ્ર, સીતા, ગીતા કે મહંમદ, યુસુફ, રહેમાન કે વહિદા જેવાં નામ પણ ‘ઓલ ટાઇમ ગ્રેટ’ રહ્યાં છે! નામની નજાકત અનેરી છે. હમણાં એક નાના બાળકનું નામ સાંભળ્યું ‘પેપ્સી’. કદાચ હુલામણું પણ હોઈ શકે. આવાં નામોમાં પિન્ટુ, ઢબુ, મુન્નો, સોનુ પ્રચલિત છે. ટપુડો નામ કોઈ રાખતું નથી, પણ તોફાની બાળકને હંમેશાં ટપુ કહેવાય છે. સાહિત્યકારોનાં ઉપનામોની પણ અનોખી દુનિયા છે. ઉશનસ અને સુંદરમ્ દિગ્ગજ કવિઓ છે. ‘ઘાયલ’, ‘મરીઝ’, ‘બેફામ’ કે ‘શૂન્ય’ ગઝલકારો છે. ‘ધૂમકેતુ’નો વાર્તાવૈભવ છે. ‘દ્વિરેફ’ની વાતો જાણીતી છે. ‘ઉલ્કાપાત’ નામના પણ કવિ છે. અમારા એક કવિમિત્રનું નામ ‘ક્ષ’ છે. અમે એમને ‘આખા કક્કામાંથી ફક્ત આ નામ જ કેમ પસંદ કર્યુું?’ એવું પૂછ્યું તો એમણે હજી સુધી જવાબ આપ્યો નથી. તેઓ એક સફળ વકીલ છે અને હાસ્યકાર છે. એમનું નામ પણ રમેશ છે!
રાજકારણમાં તો નામ અને ઉપનામની ભરમાર હોય છેઃ નેતાજી, કાકાજી, ચાચાજી કે તાતાશ્રી હોય છે. સરદાર તો અણમોલ હતા, પરંતુ છોટે સરદારોની પણ બોલબાલા હોય છે. મોરારીબાપુ છે તો છોટે મોરારી પણ છે. ગાંધીયુગમાં દરેક વ્યક્તિનાં નામ ઉપરાંત વિશિષ્ટ નામ હતાં. ખાન અબ્દુલ ગફારખાન ‘સરહદના ગાંધી’ હતા, ‘કાકાસાહેબ’ હતા જે ‘સવાઈ ગુજરાતી’ પણ હતા. ‘ઠક્કરબાપા’ હતા તો ‘નેતાજી’ સુભાષચંદ્ર પણ હતા. સ્વયં ગાંધી ‘મહાત્મા’ હતા! નામની લીલા અપરંપરા છે. નરસિંહ મહેતા તો તેમની રીતે આલેખે છેઃ
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે!
નામની અર્થચ્છાયાઓ અપાર છે અને વિસ્તરતી જાય છે. કોઈનું નામ અમર નથી. નામનો કોઈ જ અર્થ ન હોય અને છતાં નામ જ વ્યક્તિની ઓળખ હોય આવાં જૂજવે રૂપે અનંત ભાસતાં નામોનું માધુર્ય અને તેનું ઉચ્ચારણ માનવજાતિનું અભિન્ન અંગ છે!

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.
પ્રતિભાવઃ ક્કં્યશ્વરં્યસ્ત્ર્઱્ીર્શ્વીદ્દદ્દજ્ઞ્ૃફૂસ્ર્ક્઱િ્ૃીંજ્ઞ્શ્ર.ણૂૃં