નાથદ્વારામાં ચાર નેશનલ હાઈવે-ત્રણ રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ

નાથદ્વારાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના નાથદ્વારામાં ચાર નેશનલ હાઈ વે અને ત્રણ રેલ પ્રોજેક્ટનું લોકાપર્ણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ગેહલોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કહ્યું હતું કે લોકશાહીમાં કોઈની સાથે દુશ્મની હોતી નથી. માત્ર વિચારધારાની લડાઈ છે. લોકશાહીમાં દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે, એવું તેમણે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન અશોક ગહલોતે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હું રાજસ્થાનમાં સ્વાગત કરું છું અને મને એ વાતનો આનંદ છે કે વડા પ્રધાને આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રેલવેની યોજનાનું લોકાપર્ણ અને શિલાન્યાસ કર્યો છે. પહેલા અમે ગુજરાતની સાથે હરિફાઈ કરતા હતા અને એવું લાગતું હતું કે અમે પાછળ છીએ, પરંતુ હવે અમે આગળ વધી રહ્યા છીએ.
તે જ સમયે, વડાપ્રધાન મોદીએ આ બેઠકમાં કહ્યું કે ભારત સરકાર રાજ્યના વિકાસ દ્વારા દેશના વિકાસના મંત્રમાં વિશ્વાસ રાખે છે. રાજસ્થાન દેશના સૌથી મોટા રાજ્યોમાંનું એક છે. રાજસ્થાનનો જેટલો વિકાસ થશે તેટલો જ ભારતનો વિકાસ પણ એટલી જ ઝડપ મેળવશે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અશોક ગેહલોત અને નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટની વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ અંગે કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસમાં અંદરોઅંદર લડાઈ ચાલતી હોય તો રાજસ્થાનમાં કઈ રીતે વિકાસ થશે?
વડા પ્રધાન મોદીએ માઉન્ટ આબુના આબુ રોડ ખાતે જનસભાને સંબોધતા કહ્યું હતું કે આ કેવી સરકાર છે કે જ્યાં પોતાના વિધાનસભ્યો પર મુખ્ય પ્રધાનને વિશ્વાસ નથી? સરકારના અંદર અત્યારે એકબીજાનું અપમાન કરવાની હોડમાં લાગે છે. જો સરકારની ખુરશી પાંચ વર્ષ માટે સંકટમાં હોય તો આ સંજોગોમાં રાજસ્થાનના વિકાસ કઈ રીતે થશે? એવો પણ વડાપ્રધાન મોદીએ કટાક્ષ કર્યો હતો.