નાગાજી બાવાની વાવ – ધ્રાંગધ્રા

0
1354

ગુજરાત રાજ્યનો હાલનો સૌરાષ્ટ્ર વિસ્તાર બ્રિટિશ જમાનામાં કાઠિયાવાડ તરીકે જાણીતો હતો. આ કાઠિયાવાડમાં મુખ્ય ચાર પ્રાંતો જાણીતા હતા. ઉત્તરનો ઝાલાવાડ પ્રાંત, પૂર્વનો ગોહિલવાડ, દક્ષિણનો સોરઠ પ્રાંત જ્યારે પશ્ચિમનો – રાજકોટથી પશ્ચિમે દ્વારકા સુધીનો હાલાર પ્રાંત તરીકે જાણીતો હતો. ધ્રાંગધ્રા ઝાલાવાડ પ્રાંતમાં આવતું હતું. અગાઉ ઈ. સ. 1488-1783માં હળવદ મુખ્ય શહેર હતું. ત્યાર બ્પછી ધ્રાંગધ્રા બન્યું અને તેથી હજી પણ ધ્રાંગધ્રા-હળવદ બોલવામાં આવે છે. બ્રિટિશ જમાનામાં આ ધ્રાંગધ્રા સ્ટેટના રાજા કલકતા (એ વખતની રાજધાની) પધારે તો તેમને 13 તોપની સલામી આપવામાં આવતી હતી. આ ઝાલાવાડનાં અન્ય રજવાડાંઓમાં લીંબડી, વઢવાણ, વાંકાનેર, થાન, ચુડા, લખતર, સાયલા, બજાણા, મુખી, પાટડી, વણોદ, ચોટીલા, દસાડા, વગેરે રજવાડાં મુખ્ય હતાં. આ સિવાય પણ એક એક બબ્બે ગામનાં રજવાડાં પણ આ ઝાલાવાડ પ્રાંત હેઠળ આવતાં હતાં. આ તમામ ઝાલા રાજપૂતોનાં સભ્ય રાજ્યો હતાં.

આ ઝાલાવાડ રાજપૂત રાજાઓ લોકાભિમુખ હતા. લોકોની સુખાકારીની ચિંતા તેમને સતત રહેતી. આ દેશ મૂળ પાણીની અછતવાળો દેશ. અવારનવાર દુકાળ પડતો. લોકો મુખ્યત્વે વરસાદ ઉપર આધાર રાખતા. પીવાના પાણી માટે આ રાજાઓએ ઠેકઠેકાણે વાવનું નિર્માણ કર્યું છે. આવી જ એક વાવ નાગાજી બાવાની વાવ વિશે માહિતી મેળવીએ.
વાવનું સ્થાનઃ ધ્રાંગધ્રા નગરથી ઈશાન દિશામાં બજાણા-પાટડી રોડ ઉપર ધ્રાંગધ્રા નગરથી બિલકુલ નજીકમાં આ વાવ આવેલી છે. ખરેખર તો અહીં આવેલા મંદિરની દેખભાળ નર્મદાગિરિ નામના નાગા બાવા દ્વારા રાખવામાં આવતી હતી. આ વાવ અને આ મંદિરને કંઈ સંબંધ નથી, ફક્ત આ જગ્યા મંદિરને કારણે જાણીતી હોવાથી તેને નાગાજી બાવાની વાવથી ઓળખવામાં આવે છે.

ઐતિહાસિક પાર્શ્વભૂમિકાઃ ઝાલા રાજપૂતો દ્વારા સંચાલિત ધ્રાંગધ્રા રાજ્યનું આ નગર ધ્રાંગધ્રા રાજધાની નગર હતું. આ ઝાલા રાજપૂતો સિંધ પ્રાંતમાંથી 11મી સદીમાં અહીં સ્થાયી થયા. આ વાવ ઝાલા રાજપૂત રાજ્યના ધ્રાંગધ્રા મહારાણા જશવંતસિંહજીના સમયમાં તેમના દ્વારા આશરે પાંચસો વર્ષ પહેલાં બંધાવવામાં આવી છે. એ સમયે વાવના બાંધકામનો કુલ ખર્ચ રૂપિયા 4000 થયો હતો. વાવનું બાંધકામ ગૂર્જર સુથાર મુરલીધર દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય શિલ્પી-સલાટ પરશુરામ હતા.
સ્થાપત્યઃ આ વાવ ઉત્તર-દક્ષિણ દિશામાં બનાવવામાં આવેલી છે, એટલે કે વાવનો પ્રવેશ ઉત્તર દિશામાંથી છે, જ્યારે મુખ્ય કૂવો દક્ષિણ દિશામાં રહેલો છે.

વાવના પ્રવેશની પશ્ચિમ બાજુમાં પ્લેટફોર્મ ઉપર નાનું શિવમંદિર છે, જેમાં કોતરેલા ગુજરાતી લખાણ મુજબ વાવ
ઈ. સ. 1503માં પૂર્ણ કરવામાં આવી છે. વાવને એક જ પ્રવેશદ્વાર છે. ત્રણ પેવેલિયન (મંડપ) ટાવર છે, જેની વચ્ચે ટેકારૂપ ફ્રેમવર્ક કરવામાં આવેલું છે. પ્રવેશ જમીનથી ઊંચે પ્લેટફોર્મ ઉપર છે, જ્યાં એક નાનકડું શિવમંદિર રહેલું છે. આવી ઊંચાણ જગ્યાએથી પગથિયાં શરૂ થાય છે. બાંધકામમાં સ્થાનિક લાલ પથ્થર (સેન્ડસ્ટોન)ના મોટા બ્લોક વાપરવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા-હળવદનો સમગ્ર વિસ્તાર તેના લાલ રંગના સેન્ડસ્ટોન (રેતીના પથ્થરો)થી પ્રખ્યાત છે.
ઊતરવાનાં પગથિયાં ખૂબ જ સાંકડો વિસ્તાર ધરાવે છે. વળી બે મંડપ અને તેમની વચ્ચેના ફ્રેમવર્ક ધરાવતી જગ્યામાં પગથિયાંનું ઉતરાણ ઘણું ટૂંકું છે.

મંડપ બિલકુલ સાદા છે. પ્રથમ માળે ઊતરતાં જ બાજુની દીવાલોમાં દ્વારપાળની કોતરણી છે. વળી નાના ગોખલા પણ છે. વચ્ચેના બ્રેકેટ્સમાં બહુ કોતરણી નથી.
બન્ને બાજુની દીવાલોમાં કોતરેલા દ્વારપાળો એક જ કદના, એક જ અદા, પહેરવેશ અને ઘરેણાંમાં છે. બન્ને દ્વારપાળ દીવાલોથી સહેજ ઊપસેલા એક નાના પ્લેટફોર્મ ઉપર કોતરેલાં છે.

પગથિયાં ઊતરતાં એક ગોખલામાં ગણેશની મૂર્તિ જોવા મળે છે, જે લગભગ બધી જ વાવમાં સામાન્ય છે. એની સામેના બીજા ગોખલામાં મહિષાસુરમર્દિનીની મૂર્તિ કોતરેલી છે, જે પણ ઘણી વાવમાં જોવા મળે છે. કોતરણીમાં લોકકલાની ઝલક જોવા મળે છે. ગોખલાની આસપાસ ભૌમિતિક ડિઝાઇન જોવા મળે છે. બાજુમાં જોવા મળતા થાંભલાઓ નીચેથી પહોળું પ્લેટફોર્મ ધરાવે છે જેના ઉપર પણ ભૌમિતિક કોતરણી જોવા મળે છે. ક્યાંક પક્ષીઓની કોતરણી પણ જોઈ શકાય છે.
સમગ્ર વાવ એક સાંસ્કૃતિક વારસા તરીકે હજી સુધી જળવાઈ રહી છે તે આનંદની વાત છે.

મલય દવે

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.